Russia Ukraine War New Update: દક્ષિણ યુક્રેનના ઝાપોરિઝ્ઝિયામાં રશિયાએ ભીષણ હુમલો કરી દીધો છે. જેમાં 30થી વધુના મોત થયા છે. રશિયાના ડ્રોન અને મિસાઈલોએ બધુ હતુ ન હતુ કરી દીધુ છે. રશિયા યુક્રેન પર ભયંકર હુમલા કરવા લાગ્યુ છે. શેલ્ટર હોમ્સને પણ નથી બક્ષી રહ્યુ રશિયા. યુક્રેનમાં માનવીય સહાય મેળવવા માટે એકઠા થયા હતા લોકો. તેમના પર અચાનક હુમલો થતાં 30થી વધુના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. આટલુ જ નહી, રશિયાએ યુક્રેનના પાવર પ્લાન્ટ્સને પણ નિશાન બનાવ્યા છે અને રાતભર ત્યાં હુમલાઓ ચાલુ રાખ્યા હતા.
રાહત કેમ્પમાં હુમલો કર્યો રશિયાએ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના જણાવ્યા પ્રમાણે રશિયા દ્વારા હુમલો કોમુશિવાખા વસાહતમાં થયો હતો. જ્યાં એક શાળામાં રાહત સામગ્રીનું વિતરણ ચાલી રહ્યુ હતુ અને તેની નજીકમાં જ શેલ્ટર હતુ. હુમલામાં 2 રાહતકર્મીઓ અને 4 પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા છે. ઝેલેન્સ્કીએ આ હુમલાને અતિભયાનક ગણાવ્યો છે. 29 ઓક્ટોબરે જ રશિયા દ્વારા યુક્રેનના એક રેલવે સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 14 ના મોત થયા હતા.
રશિયા રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરે છે
રશિયા હવે યુક્રેનના પાવર પ્લાન્ટ્સ, રહેણાંક વિસ્તારો, રાહત શિબિરો અને કેમ્પ પર હુમલા કરી રહ્યુ છે. જેના કારણે અનેક હોસ્પિટલોને પણ ભારે નુકસાન થયુ છે. રશિયાએ નાગરિક માળખા પર હુમલા વધારી દીધા છે. તેમાં રિટેલ ચેન, લોજિસ્ટિક્સ માળખું અને રહેણાંક ઇમારતોનો સમાવેશ થાય છે. રાતભર ચાલેલા રશિયાના આ હુમલામાં 30થી વધુ માર્યા ગયા છે અને કેટલાય કાટમાળ નીચે દબાયેલા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. રશિયાએ રાતભર 289 ડ્રોન, 17 બેલેસ્ટિક મિસાઈલો અને 59 ક્રુઝ મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. આ હુમલામાં મોટાભાગે પાવર પ્લાન્ટ્સને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. જેને કારણે પાવર કટનો સામનો કરવાની નોબત આવી છે.
હોસ્પિટલોને પણ નુકસાન પહોંચ્યુ
ખારકીવમાં રશિયન મિસાઈલ અને ડ્રોન ત્રાટકતા 60 ઘાયલ થયા છે. નેમીશલીઆનસ્કી બિલ્ડિંગમાં પણ રશિયાના હુમલાએ ભારે નુકસાન વેર્યુ છે. આ વિસ્તારમાં હોસ્પિટલને પણ નુકસાન કરવામાં આવ્યુ છે. જેના કારણે 200 દર્દીઓને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી છે.









