રાજસ્થાનમાં પેસેન્જર ટ્રેક પસાર થયાના અડધો કલાકમાં ટ્રેક પર વિસ્ફોટ

રાજસ્થાનમાં રેલવેને વિસ્ફોટથી ઉડાવી દેવાનું કાવતરૂં સામે આવ્યુ છે. શ્રીગંગાનગરમાં રેલવે લાઈન પર રાતે 9.45 વાગ્યે વિસ્ફોટ થયો હતો. અનૂપગઢ-સૂરતગઢ ટ્રેક પર વિસ્ફોટના અડધો કલાક પહેલા જ પેસેન્જર ટ્રેન પસાર થઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ 200 મીટર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના કારણે મોટા પાટા નીચે આવેલા સિમેન્ટના બે બ્લોક સંપૂર્ણપણે નાશ પામ્યા. પાટાની વચ્ચે 2 ફૂટ ઉંડો ખાડો પણ પડી ગયો.

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં રેલવે ટ્રેક પર વિસ્ફોટની માહિતી મળતા જ CID, IB અને એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બુધવાર સુધી આ લાઈન પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. આજે પણ આ રૂટની ચાર ટ્રેન રદ્દ કરવામાં આવી છે. રાતના સુમારે જ ATS ના અધિકારી પણ દુર્ઘટનાગ્રસ્ત રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા.

શ્રીગંગાનગરના SP હરિશંકરે જણાવ્યુ હતુ કે વિસ્ફોટની તીવ્રતા કેટલી હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડવા પાછળ કોનો હાથ છે તે અંગે પણ ઝડપથી તપાસ ચાલી રહી છે. FSL ની ટીમ દ્વારા નમૂના એકત્ર કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આસપાસના વિસ્તારના ગ્રામજનો જણાવે છે કે ભયાનક વિસ્ફોટ થતા સૌ કોઈ રેલવે ટ્રેક નજીક પહોંચ્યા હતા, પરંતુ સદ્દનસીબે કોઈ દુર્ઘટના નહોતી થઈ.

બીજી તરફ, સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનની સરહદને અડીને જ આવેલા શ્રીગંગાનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી ઝડપી પાડી છે. તેમાં RDX, જિગાના પિસ્તોલ, ચાર મેગેઝીન અને 867 કારતૂસ પણ સામેલ છે. આ ઉપરાંત 5 બેટરી અને 2 રિમોટ પણ મળી આવ્યા હતા. પિસ્તોલ પર ‘Made in Turkey’ લખ્યુ હતુ, પોલીસને આશંકા છે કે કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની તૈયારી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment