અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીઓમાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં બહુમતી મેળવી છે. જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 218 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કરી લીધો છે. મિશિગનમાં ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ સૈયદે જીત મેળવી છે. આ સાથે જ તેઓ અમેરિકાના ઈતિહાસમાં સેનેટર તરીકે ચૂંટાનારા પ્રથમ મુસ્લિમ છે. ટ્રમ્પે અબ્દુલને જાહેરમાં જેહાદી કહીને સંબોધન કર્યુ હતુ. 25 ઓક્ટોબરે મિશિગનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેલીમાં ટ્રમ્પે એવુ નિવેદન આપ્યુ હતુ કે હું એક જેહાદી અને મુસ્લિમ બ્રધરહુડના સભ્યને અમેરિકન સેનેટર બનવાથી રોકવા આવ્યો છુ. ટ્રમ્પે તો અબ્દુલ પર આતંકવાદીઓને સાથ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જો અલ-સૈયદ સેનેટર બને છે, તો તેમણે સંસદમાં પ્રવેશ કરતા પહેલાં મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું જોઈએ. તેમણે 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કરતાં અલ-સૈયદની સરખામણી વિમાનનું અપહરણ કરનારા આતંકવાદીઓ સાથે પણ કરી હતી.
મિડ ટર્મમાં હાઉસમાં કુલ 435 બેઠકો છે અને તે તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ 231 જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 144 બેઠકો જીતી છે. સેનેટની 100 બેઠકોમાંથી 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને આ લખાઈ રહ્યુ છે ત્યારે 33 બેઠકોના પરિણામ સ્પષ્ટ થઈ ગયા હતા. આ પૈકી 20 ડેમોક્રેટિક પાર્ટી અને 13 રિપબ્લિકન પાર્ટીએ જીતી છે. ગવર્નર માટેની 36 બેઠકોમાંથી 31 રાજ્યોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. તેમાં પણ ડેમોક્રેટ્સને 20 અને રિપબ્લિકન્સને 11 બેઠકો મળી છે.
અમેરિકાની મિડટર્મ ચૂંટણીના ખરાબ પરિણામો અને અણધારી પછડાટ બાદ પ્રમુખ ટ્રમ્પે અંતે હાર સ્વીકારી લીધી છે. પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ચૂંટણી પરિણામો સ્વીકાર્યા અને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે બેલેટ પેપર પર મારું નામ હોત તો અમે ભારે બહુમતથી ચૂંટણી જીત્યા હોત. ટ્રમ્પના આ નિવેદનો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ચૂંટણીના પરિણામો બાદ ઈલોન મસ્કે એવો કટાક્ષ કર્યો હતો કે આ વખતે ચૂંટણીમાં મારી શક્તિઓ કામે આવી નહી. મસ્ક પર ચૂંટણીમાં દખલ કરવાનો અને પરિણામોને પ્રભાવિત કરવાનો આરોપ છે, જેને લઈને મસ્કે કટાક્ષ કર્યો હતો. સૌથી અમીર ઉદ્યોગપતિ મસ્કે રિપબ્લિકન્સને જીતાડવા માટે ભારે નાણા ખર્ચ્યા હતા. ટેક્સાસમાં એક રિપબ્લિકન ઉમેદવાર પાછળ 1500 કરોડ ખર્ચ્યા હતા. જેને ડેમોક્રેટિક ઉમેદવાર જેમ્સ તાલારિકોએ હરાવી દીધા છે.
રિપબ્લિકન સેનેટર રોન જોનસને સ્વીકાર્યુ છે કે ટ્રમ્પના કારણે તેમની પાર્ટીની હાર થઈ છે. તેમની પાર્ટીને નુકસાન થયુ છે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે ઈરાન સાથેના યુદ્ધ અને ખાસ કરીને તેના કારણે ઈંધણના ભાવમાં થયેલા વધારાની અસર લોકો પર પડી છે. લોકો તેને લઈને ખૂબ પરેશાન છે. જોનસને એવો પણ કટાક્ષ કર્યો હતો કે ટ્રમ્પે મતદારોને એવુ કહ્યુ હતુ કે તેઓ એવુ માને છે કે તેમનું નામ પણ ઉમેદવારોની યાદીમાં છે, લાગે છે કે લોકોએ તેમની વાત માની લીધી અને હવે પરિણામ સૌની સામે છે.
સેનેટમાં બહુમતી મળી છતાં પણ ડેમોક્રેટ્સ સામે પડકારો તો યથાવત જ છે. ટ્રમ્પ અગાઉથી જ કહી ચૂક્યા છે કે જો વિપક્ષ કોઈ કાયદો પસાર કરશે, તો તેના પર વીટો લગાવી દેશે. એટલે કે તેઓ તે કાયદાને અમલમાં આવતા રોકી દેશે. ટ્રમ્પે ડેમોક્રેટ્સની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમણે એમ પણ કહ્યુ છે કે આશા છે કે આપણે દેશહિતમાં સાથે મળીને કામ કરીશું









