પૂર્વોત્તરના રાજ્યો અને ખાસ કરીને UP – બિહારમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. બિહારમાં 15 જિલ્લાના લાખો લોકો અસરગ્રસ્ત થયા છે અને પૂરના પાણીમાં જીવનનિર્વાહ કરવા મજબૂર બન્યા છે. 27,954 લોકો રાહત શિબિરોમાં રહી રહ્યા છે. નદીઓ ભયનજક સપાટીથી ઉપર વહી રહી છે. UP માં પણ પૂરથી લોકોના હાલ બેહાલ બન્યા છે. 26 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. હાલમાં પણ બંને રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ઉન્નાવમાં તો રસ્તાઓ પર હોડીઓ ચલાવવાની ફરજ પડી રહી છે.
ગંગાનદીના પાણીથી બિહારમાં પૂરની તારાજી
અત્યાર સુધી ભયજનક સપાટીથી ઉપર વહી રહેલી ગંગા નદીમાં સામાન્ય જેવો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં હજુ પણ ભયજનક સપાટીથી ઉપર જ છે. નેશનલ હાઈવે- 80 પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પોલીસ અને પ્રશાસન દ્વારા બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પુનપુન નદી અને સોન નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ભાગલપુરમાં પૂરથી લોકોની સ્થિતિ દયાજનક બની રહી છે. લોકો પાણીમાં રહેવા મજબૂર બની રહ્યા છે. ગળાડૂબ પાણીમાં નીકળીને લોકો સલામત સ્થળે પહોંચી રહ્યા છે. ભાગલપુરમાં પાણીમાં ડૂબવાથી અત્યાર સુધી ચાર બાળકો સહિત પાંચના મોત થયા.
ઉત્તર પ્રદેશમાં પણ પૂરથી વિનાશ વેરાયો
UP ના ઘણા બધા જિલ્લાઓ પૂરના પાણીથી અસરગ્રસ્ત થયા છે. ગંગા નદીના વધતા જળસ્તરે નદી કિનારા આસપાસના લોકોમાં ચિંતા વધારી છે. મુરાદાબાદમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. ગોગાસો ઘાટ પર આવેલ સ્મશાનમાં પણ પાણી ઘુસી ગયા છે. ઘરમાં પાણી ઘુસી જતા લોકો દિવસ-રાત પાણીમાં વિતાવવા મજબૂર બન્યા છે. ઘરવખરીનો તમામ સામાન પાણીમાં હોવાથી પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જળબંબાકારની સ્થિતિના કારણે રોજિંદા કામમાં પણ અવરોધ આવ્યો છે.












