UP ના ફતેપુર જિલ્લાના હરદૌલી ગામની ઘટના છે. લોકો રીલ ન જોઈ શકતા, મોબાઈલ ટાવર ન પકડાતા વિરોધ પર ઉતરી આવ્યા છે. અને વિરોધ તે પણ કેવો ! ટાવર કર્મચારીને થાંભલા સાથે બાંધી દીધો.
મોબાઈલ ટાવર કર્મચારીને જ બાંધ્યો થાંભલા સાથે
હરદૌલી ગામમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ નેટવર્કની સમસ્યાનો સ્થાનિક લોકો સામનો કરી રહ્યા હતા. વારંવાર નેટવર્કની સમસ્યાને કારણે લોકો ન તો સ્વજનો સાથે વાત કરી શકતા હતા કે ન તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા હતા. અનેકોવારની રજૂઆત બાદ કંટાળીને ગ્રામજનોએ ટાવર કર્મચારીઓ પર ગુસ્સો ઉતાર્યો હતો, કર્મચારીને થાંભલા સાથે બાંધીને તેનો જ વીડિયો વાયરલ કર્યો હતો.
2 વર્ષ પહેલા ટેલિકોમ કંપની દ્વારા મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યુ હતુ.
ફતેપુર જિલ્લાના હરદૌલી ગામમાં 2 વર્ષ પહેલા એક ટેલિકોમ કંપની દ્વારા મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યુ હતુ ત્યારે લોકોને મોબાઈલ નેટવર્ક સરખુ મળશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ સમય રહેતા તેમની આ આશા ઠગારી નીવડી હતી અને યોગ્ય નેટવર્કના અભાવે ગ્રામજનો ફોન કોલ્સ પણ કરી શકતા ન હતા. ગ્રામજનોને ઈન્ટનેટ સુવિધા પણ યોગ્ય રીતે મળી રહી ન હતી.
ટાવર કર્મચારીને બાંધીને તેનો જ વીડિયો વાયરલ કર્યો
મોબાઈલ ટાવર કર્મચારી ગામમાં તપાસ માટે પહોંચ્યા ત્યારે ક્રોધિત લોકોએ તેને જ પકડીને થાંભલા સાથે બાંધીને રોષ ઠાલવ્યો હતો. કર્મચારીને બાંધી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. હાલમાં સોશિયલ મીડિયામાં આ વિચિત્ર વિરોધનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગામમાં પહોંચી ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.












