હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. આમતો રાજ્યમાં હજુ સુધી કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ સર્જાઈ નથી. જેના કારણે આગામી દિવસોમાં સાર્વત્રિક અને સારો વરસાદ થવાની શક્યતા ઓછી છે. ખેડૂતોને સારા વરસાદ માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા ઓછી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થયો હતો, જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહ્યું હતું. અમદાવાદમાં 34.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 33 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. બંને શહેરોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ થયો નથી. અમદાવાદમાં આગામી સાત દિવસમાં માત્ર હળવા વરસાદના એક-બે સ્પેલ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતા છે. તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 30% ઘટ
ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ વધુ ચિંતાજનક છે. આ વિસ્તારમાં સામાન્ય કરતાં 30 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

બીજી તરફ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
હાલ રાજ્યમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસોમાં પણ હળવાથી સામાન્ય વરસાદની જ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે સારા વરસાદની રાહ હજુ યથાવત રહેશે.









