પંજાબના બરનાલામાં પંજાબી સિંગર ગુલાબ સિદ્ધુના ફરવાહી ગામે ઘર પર કેટલાક બુકાનીધારી શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાની ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ. જેમાં ધડાધડ ગોળીઓ વરસાવતા અજાણ્યા શખ્સો દ્રશ્યમાન થાય છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અચંબિત શાંતિ સ્થાપી ગઈ છે.
અગાઉ પણ મળી હતી હુમલાની ધમકીઓ
સિદ્ધુ મૂસેવાલાનો નજીકનો મિત્ર મનાતો ગુલાબ સિદ્ધુ પ્રખ્યાત પંજાબી સિંગર પણ છે. ગુલાબ સિદ્ધુને અગાઉ પણ ધમકીઓ મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખંડણી માટેના ફોન-કોલ્સ અગાઉ પણ મળ્યા હતા, જેના કારણે પંજાબ પોલીસે તેમને સુરક્ષા પણ આપી હતી. જાન્યુઆરી મહિનામાં પોલીસે એક સરપંચ અને તેના સાથીઓની ગુલાબ સિદ્ધુ પર હુમલાના ષડયંત્ર અને ખંડણી રેકેટ ચલાવવાના આરોપસર ધરપકડ કરી હતી.
પોલીસે CCTV ના આધારે તપાસ શરૂ કરી
અંધાધૂંધ ફાયરિંગ થઈ રહ્યુ હતુ ત્યારે ગુલાબના પરિજનો ઘરમાં જ ઉપસ્થિત હતા, પરંતુ સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી. પરિવારે CCTV ફૂટેજને આધારે હુમલાખોરોની તપાસ શરૂ કરી દીધી છે. પત્ની, બાળકો અને માતા-પિતા ઘરમાં હતા ત્યારે અચાનક સાંજના સમયે ફાયરિંગ શરૂ થઈ ગયુ હતુ, જેને કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. અજ્ઞાત યુવકોએ બાઈક પર આવી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. ગુલાબ સિદ્ધુ વિદેશમાં હોવાના કારણે તે તથા પરિવારના તમામ સભ્યો સુરક્ષિત છે. ગેંગસ્ટર ડોની બહલે હુમલાની જવાબદારી સ્વીકારી છે. સોશિયલ મીડિયા પર ગેંગસ્ટર ડોની બહલના નામે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે.












