દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પહેલા પૂર્વ મેનેજર દિશા સાલિયાનના શંકાસ્પદ મોત મુદ્દે તપાસમાં નવો વળાંક આવ્યો છે. આટલા વર્ષો બાદ FIR દાખલ કરવામાં આવી છે. FIR માં મોટી-મોટી હસ્તીઓ સહિત 17ના નામનો ઉલ્લેખ. CBI ની FIR બાદ મહારાષ્ટ્રના રાજકારણ અને બોલીવુડમાં હડકંપ મચી ગયો છે. બોમ્બે હાઈકોર્ટે 2 સપ્ટેમ્બરે દિશાના પિતાની અરજી પર CBI તપાસના આદેશ આપ્યા હતા.
અનેક મોટા માથાના FIR માં નામથી ખળભળાટ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિત રાજકારણીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોલીવુડ હસ્તીઓની તપાસ કરવાનો FIR માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગેંગરેપ અને હત્યાથી લઈ સત્તાના દુરુપયોગ અને પુરાવા સાથે ચેડા કરવાના આરોપો સામેલ છે. અભિનેતા ડિનો મોરિયા, સૂરજ પંચોલી, અભિનેત્રી રીયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીના નામનો પણ સમાવેશ છે.
SIT અને તપાસ અધિકારીની બેદરકારીની પણ તપાસ થશે
FIR બાદ તમામની ઝીણવટભરી તપાસ થશે અને કોની, ક્યારે, કઈ, કેવી અને કેટલી ભૂમિકા હતી તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. અનુભવી સિનિયર અધિકારીના વડપણ હેઠળની તપાસ ટીમ સમગ્ર કેસની તપાસ કરશે અને હકીકત બહાર લાવે તેવી દિશાના પિતાને આશા.
2020માં દિશા સાલિયાનનું શંકાસ્પદ મોત થયુ હતુ
દિશા સાલિયાનના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસ તપાસ પર અનેક સવાલો ઉભા થયા હતા. બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસ પર શંકાની સોય ટાંકી હતી. મુંબઈ પોલીસે દિશાના મોતને અકસ્માતમાં ખપાવી દીધુ હતુ. 8 જૂન 2020 ના રોજ મુંબઈના મલાડમાં 14 મા માળેથી પડી જવાના કારણે દિશાનું મોત થયુ હતુ. આ ઘટનાના સપ્તાહ બાદ જ 14 જૂને સુશાંત સિંહ બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળ્યા હતા. દિશાના અપમૃત્યુ કેસની તપાસ ત્રણ માસ ચલાવીને બંધ કરી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં ઉહાપોહ બાદ 2023માં SIT ની નિમણૂંક કરવામાં આવી હતી.
દિશાએ મોટા સ્ટાર્સ સાથે કર્યુ હતુ કામ
સુશાંત સિંહ રાજપૂત સિવાય પણ દિશાએ દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ હતુ. નાની ઉંમરમાં કામ શરૂ કરી દેવાના કારણે તેમજ ટેલેન્ટના કારણે કરિયર બનાવ્યુ હતુ. સેલિબ્રિટીના પબ્લિક રિલેશન મેનેજર પણ કામ કર્યુ હતુ. એશ્વર્યા રાય બચ્ચન સાથે પણ દિશા સાલિયાને કામ કર્યુ હતુ.










