ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા A.G. નૂરાની સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન તેમણે જણાવ્યું કે ભારત માટે અસલી ખતરો “હિંદુ રાઈટ-વિંગ સાંપ્રદાયિકતા” છે, કમ્યુનિઝમ નહીં. આ નિવેદનથી રાજકીય જગતમાં ભારે ચર્ચા અને વિરોધ શરૂ થયો છે.
શું છે આખો વિવાદ ?
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ મહોમ્મદ હામિદ અંસારીએ જવાહરલાલ નહેરુના કથિત નિવેદનનો હવાલો આપતા રાજકારણ ગરમાયુ છે. હામિદ અંસારીએ હિન્દુ જમણેરી કોમને ભારત માટે ખતરો ગણાવતા વિવાદ સર્જાયો છે. અંસારીએ નૂરાનીના પુસ્તક The RSS: A Menace to India નો ઉલ્લેખ કરતાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નિવેદનનો હવાલો આપતા કહ્યુ કે ભારત માટે અસલી ખતરો તો કોમવાદ નહી, પરંતુ હિન્દુ દક્ષિણપંથી છે. હામિદ અંસારીએ રાષ્ટ્રવાદ અને ભારતના રાજકીય મુદ્દા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે અત્યારના વર્ષોમાં એવી પ્રથા સ્થાપિત થઈ છે જે Civic Nationalism ના સિદ્ધાંતોને પડકારે છે. તેમના મતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને આગળ વધારવો જોઈએ. આ વિચારસરણી ચૂંટણીલક્ષી છે અને ધાર્મિક બહુમતી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરે છે અને એકાધિકાર મેળવવાનો તેમનો પ્રયાસ હોય છે. આ પ્રવૃત્તિઓથી નાગરિકો વચ્ચે ધર્મના આધારે ભેદભાવ ઉભો થાય છે. અસહિષ્ણુતાને પ્રોત્સાહન મળે છે અને સમાજમાં અસુરક્ષાનો માહોલ બને છે. આ વલણના તાજેતરના ઉદાહરણો ચિંતાજનક છે, જે કાયદાના શાસનના દાવાને નબળો પાડે છે. આવા વલણોનો કાયદાકીય અને રાજકીય બંને સ્તરે જવાબ આપવો જોઈએ.
હામિદ અંસારીના નિવેદન પર ગરમાયુ રાજકારણ
નવી દિલ્હીના ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં આયોજિત ‘Remembering a Polymath: The Life and Times of Abdul Ghafoor Noorani’ કાર્યક્રમમાં બોલતા હામિદ અંસારીએ એ.જી. નૂરાનીના વિચારો અને લખાણોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, નૂરાનીના 2019માં પ્રકાશિત પુસ્તક ‘The RSS: A Menace to India’ ની પ્રસ્તાવનામાં એવા વિચારો નોંધાયેલા છે, જે તેમના મતે આજે ભારતના ઘણા મુસ્લિમોની લાગણી દર્શાવે છે. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે હામિદ અંસારી હિન્દુઓને અતિરેક કહી રહ્યા છે. આ નિવેદન બાદ ફરી એક વખત દેશમાં હિન્દુ-મુસ્લિમ વિવાદ છંછેડાઈ ગયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિવેદનને અનુચિત ગણાવ્યુ છે. યોગીએ જણાવ્યુ છે કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના વિચારો ભારત અને ભારતીય પરંપરા માટે બિહામણા છે. ઉપરાષ્ટ્રપતિના પદ પર બિરાજેલા વ્યક્તિ પાસેથી આવા વકતવ્યની આશા નહોતી તેવુ પણ યોગીએ નિવેદન આપ્યુ છે. ભાજપે રાહુલ ગાંધીના જૂના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસની વિચારસરણી અંગે આરોપ લગાવ્યો હતો.
VHP નેતા વિનોદ બંસલ બોલ્યા નહેરુવાદી વિચારમાંથી બહાર આવો
પૂર્વ ઉપરાષ્ટ્રપતિના નિવેદન અને વિવાદ બાદ VHP પણ મેદાનમાં આવ્યુ છે. વિનોદ બંસલે નિવેદન અંગે તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યુ કે હામિદ અંસારીએ નહેરુવાદી અને હિન્દુ વિરોધી વિચારસરણીથી બહાર આવી જવુ જોઈએ. બંસલે વધુમાં જણાવ્યુ છે કે હિન્દુ બહુમતિ સમાજ ધરાવતા ભારતમાં હિન્દુઓને જ ખતરો ગણાવતા પહેલા હામિદ અંસારીએ પોતાના સાર્વજનિક જીવન પર નજર ફેરવવી જોઈએ.











