બિહારના જમુઈમાં હચમચાવી દેતો છેડતીકાંડ, આરોપીનું એન્કાઉન્ટર

બિહારના જમુઈમાં હચમચાવી દેતો છેડતીકાંડ, આરોપીનું એન્કાઉન્ટર

હજુ પણ ભારતના કેટલાક વિસ્તારો એવા છે, જ્યાં મિત્ર તરીકે ફરવુ એક ગુનો બની જાય છે. મહિલા અને પુરુષને એકલા જોઈને તેમનો ટોર્ચર કરવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં તો પોલીસ પોતે પણ જવાબદાર હોય છે. જ્યારે દેશમાં આવી ઘટનાઓ બને છે ત્યારે થોડા સમય માટે ઉહાપોહ મચે છે અને પછી બધુ શાંત થઈ જાય છે અને ફરી પાછી આવી ઘટના થાય છે. દિલ્હીનો નિર્ભયાકાંડ હોય કે બિહારનો જમુઈ છેડતીકાંડ, માનસિકતા તો તમામની એકસમાન જ હોય છે.

બિહારના જમુઈમાં શર્મનાક ઘટના

બે દિવસ પૂર્વેની આ વાત છે. સગીર-સગીરા કોચિંગ ક્લાસ પતાવી ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેટલાક શખ્સોના ટોળુ તેમને ભટકાયુ અને પછી શરૂ થયો તેમની જિંદગીનો સૌથી બિહામણો-ડરામણો ખેલ. યુવકોએ સગીર અને સગીરાને અટકાવીને સગીરાને ઉંચકીને અશ્લીલ હરકતો કરી, સગીરાના મિત્રએ સગીરાને તેમની પાસેથી છોડાવીને બચાવી, તો સગીરને જ યુવકોએ શર્ટ પકડીને માર માર્યો અને ફરીથી સગીરા સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. લગભગ અડધો કલાક સુધી સગીર અને સગીરા આ માનસિક બિમાર શખ્સોના ઘેરામાં રહ્યા, જે તેમના જીવનનો સૌથી ભયાનક અડધો કલાક બની રહ્યો છે. વાયરલ વીડિયોમાં પહેલા બંને સગીર-સગીરાને રોકીને નામ-સરનામું પૂછવામાં આવે છે. છોકરી તેમના સવાલોના જવાબ આપે છે, તે દરમિયાન બંનેને અલગ કરી દેવામાં આવે છે. યુવકો સગીરાને અભદ્ર રીતે સ્પર્શ કરે છે અને ઉંચકીને ઘસડીને લઈ જાય છે. આ બધુ થઈ રહ્યુ હોય છે, ત્યારે કેટલાક યુવકોનું ટોળુ બંન્નેને બચાવવા આવે છે, પરંતુ થોડીવાર પછી કેટલાક યુવકો સગીરાને પાછી લઈ જાય છે. વાયરલ વીડિયોમાં સગીર ઘરે જાણ હોવાનું પણ કહે છે, તો બદમાશો તેનું શર્ટ પકડીને માર મારતા દ્રશ્યમાન થાય છે. આ ઘટનાક્રમ લગભગ અડધો કલાક સુધી ચાલે છે.

પીડિત પરિવારે ફરિયાદ ન નોંધાવી

બંને સગીર અને સગીરા ઘરે આવ્યા બાદ સમગ્ર હકીકત જણાવી, પરિવારે બદનામીના ડરથી કોઈ ફરિયાદ ન નોંધાવી. પરંતુ સોશિયલ મીડિયા પર આ છેડતી અને ધાક-ધમકીનો વીડિયો વાયરલ થઈ ગયો અને પોલીસના ધ્યાને આવ્યો. પોલીસે પીડિતોને શોધી કાઢ્યા અને તેમની મદદથી આરોપીઓને પણ ઝડપી લીધા. વાયરલ વીડિયોમાં સગીરા સાથે બદમાશો દુર્વ્યવહાર કરતા સ્પષ્ટ નજરે આવી રહ્યા છે. કોઈ તેને ગંદી રીતે ટચ કરે છે, તો કોઈ તેને ખોળામાં ઉઠાવી લે છે. સગીરાને ઘસડવામાં પણ આવી હોવાનું વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થાય છે.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સફાળી જાગેલી પોલીસે સાત લોકોને તાબડતોબ દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી ત્રણ પણ સગીર છે. જમુઈ એસપીએ જણાવ્યુ કે વિદ્યાર્થિની અને તેનો મિત્ર બંને સગીર છે અને બંને સહાધ્યાયીઓ છે. ધોરણ 10માં અભ્યાસ કરે છે. અને બંને જમુઈના જ રહેવાસી છે. વાયરલ વીડિયોના આધારે એસપીએ જણાવ્યુ કે આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે તમામ માહિતી પણ એકત્ર કરી લીધી છે. આ અંગે નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા ત્રણે આરોપીની ઉંમર 14 થી 17 વર્ષની વચ્ચેની છે. અત્યાર સુધી પોલીસે 7ની ધરપકડ કરી છે અને કેટલાક આરોપીઓની ધરપકડ હજુ બાકી છે, તેઓને પણ ઝડપથી પકડી પાડવામાં આવશે. મહિલા અધિકારી દીપ્તિ મોનાલીના નેતૃત્વમાં એક SIT ની રચના કરવામાં આવી છે. પોલીસે POCSO અને જૂવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. સગીરોની ઓળખ છતી કરતા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ સામે પણ પોલીસે બ્લોક કરવાની કડક કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય આરોપી નંદન યાદવને પોલીસે પગમાં ગોળી મારી

પોલીસ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી નંદન યાદવ, જે મોઢા પર કપડું બાંધીને અશ્લીલ હરકત કરતો દેખાય છે, તેને પોલીસે પગમાં ગોળી મારી છે. આરોપી નંદન ભાગવાનો પ્રયાસ કરતો હતો તે દરમિયાન પોલીસે પગમાં ગોળી મારી હતી અને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજા આરોપી હરેરામ યાદવનો પગ તૂટ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ઘટના બની તે વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે આ પહેલી ઘટના નથી, આરોપીઓ પ્લાનિંગ કરીને આ પ્રકારની છેડતીની ઘટનાને અંજામ આપે છે. અગાઉ પણ ઘટના બની છે, પરંતુ કોઈ ફરિયાદ ન કરતુ હોવાથી આરોપીઓને છૂટો દોર મળી જાય છે.

આ ઘટના નૈતિકતાના નામે દાદાગીરીનું ઉદાહરણ છે.

બિહારના જમુઈની આ ઘટના મોરલ પોલીસિંગનું ઘૃણાસ્પદ ઉદાહરણ છે. આવા બદમાશોના ટોળાં યુવક-યુવતીઓને વારંવાર પરેશાન કરે છે અને કેટલાક કિસ્સામાં તો પોલીસ પણ પરેશાની કરતી હોય તેવા ઉદાહરણ સમાજમાં આપણી સામે જ છે.

ભારતીય બંધારણની કલમ પ્રમાણે કોઈ પણ નાગરિકને દેશમાં બેરોકટોક હરવા-ફરવાનો અધિકાર છે. યુવક-યુવતી સાથે ફરતા હોય તો તેમને રોકી શકાય નહી.

બિહારના જમુઈની ઘટના બાદ રાજકારણમાં પણ ગરમાવો

JDU નેતા ઉમેશ કુશવાહાએ જઘન્ય ઘટનાને નાની-મોટી ઘટના ગણાવી દેતા, ભારે ઉહાપોહ મચી ગયો છે વિવિધ પક્ષના રાજકીય નેતાઓ તેમના નિવેદનને સખત વખોડી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યુ બેચેન કરી દેતો વીડિયો

સોશિયલ મીડિયા X પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે બિહારના જમુઈની આ ઘટના અને વાયરલ વીડિયો હચમચાવી દેનારો છે. આ લોકોને ગેરવર્તણુક કરવાનો અધિકાર કોણે આપ્યો ?  આ સંસ્કૃતિ નથી.

તેજસ્વી યાદવે રાજ્યમાં ગુંડારાજ ચાલતુ હોવાનો સરકાર પર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ઘટનાની આકરી નિંદા કરી દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી છે. જમુઈના સાંસદ અરૂણ ભારતીએ કહ્યુ કે નાગરિકોને ડરાવનારી ઘટના નાની ન હોઈ શકે, આ ઘટના સહન કરવાને યોગ્ય નથી, કાયદાથી કોઈ બચી શકે નહી. જમુઈના ધારાસભ્ય શ્રેયસી સિંહે ઝીરો ટોલરન્સની નીતિનો ઉલ્લેખ કર્યો, પીડિતોની ઓળખ છતી ન થાય તેવા વીડિયો કે તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરવા અપીલ કરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment