ઉત્તરપ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે પર જેવર નજીક ભયાનક અગ્નિકાંડ બન્યો છે. ખાનગી સ્લિપર બસમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 9 જીવતા ભડથું થઈ ગયા છે. ઘટનાસ્થળે જ તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કેટલાક મુસાફરો બારીમાંથી કુદીને જીવ બચાવ્યો હતો. સ્લિપર બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે મુસાફરોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો ન હતો અને 9 મુસાફરોના મોત થયા છે. બસમાં 40 થી 50 લોકો સવાર હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તે માટે તમામ આદેશ કર્યા છે.
45 મિનિટના ખેલમાં 9 લોકોની જીવનયાત્રા અટકી ગઈ
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં મધરાતે ભયાનક ઘટના બની ગઈ હતી. યમુના એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી બસમાં અચનાક આગ ભભૂકી ઉઠી હતી અને ક્ષણભરમાં તો બધુ હતુ નહતુ થઈ ગયુ. રાજ કલ્પના ટ્રાવેલ્સની બસ નોઈડાથી મહોબા જઈ રહી હતી. અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અંદાજિત 45 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ ત્યાં સુધી 9 નિર્દોષ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયુ નથી, પ્રત્યક્ષદર્શીઓના મતે આગના બે કારણો હોઈ શકે છે. એક તો શોર્ટ સર્કિટ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે બસમાંથી ફટાકડા ફૂટે તે પ્રકારના અવાજ આવી રહ્યા હતા.
બસમાં આગનું કારણ સ્પષ્ટ નહી, પરમિટ અને ફિટનેસ અંગે તપાસ
યમુના એક્સપ્રેસ વે પર લાગેલી આગમાં આઠ પુરુષ અને એક મહિલા સહિત 9ના કમકમાટીભર્યા મોત થયા છે. જીવિત મુસાફરોના કથન પ્રમાણે, આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે બસમાંથી બહાર નીકળવાનો મોકો જ કેટલાક મુસાફરોને ન મળ્યો. લોકો બસની બારી તોડીને બહાર આવી રહ્યા હતા. દુર્ઘટનાને લઈ જેવર ટોલ અને ફલેદા કટ પાસે લગભગ 20 મિનિટ સુધી ટ્રાફિકને રોકી રાખવામાં આવ્યો હતો. પોલીસ બસની પરમિટ, ડ્રાઈવર, લાયસન્સ તથા વિવિધ દસ્તાવેજો અંગે તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે બસનું રજિસ્ટ્રેશન બિહારથી છે.












