Election Commission Controversy: ચૂંટણીપંચમાં વિવાદ વધુ ને વધુ ઘેરો બનતો જાય છે. બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીની નારાજગી બાદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વધુ ને વધુ વિવાદોમાં ફસાતા જાય છે. છેલ્લા 10 માસમાં બંનેએ 14 વખત મુખ્ય ચૂંટણી કમિશનર સામે ગંભીર ફરિયાદો નોંધાઈ છે. ચૂંટણીપંચમાં વિવાદને લઈને દેશના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. સમગ્ર વિવાદે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને વિવાદના કેન્દ્રમાં લાવી દીધા છે.
શા માટે થયો વિવાદ ?
સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR અને ચૂંટણીપંચની કેટલીક પ્રક્રિયાઓને લઈને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીએ છેલ્લા 10 મહિનાઓથી જ્ઞાનેશ કુમાર સામે ફરિયાદોનો ખડકલો કરી દીધો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે 14 મુદ્દાઓને લઈ નારાજગી દર્શાવી છે. રિપોર્ટ બહાર આવતા જ વિપક્ષે જ્ઞાનેશ કુમાર અને તેમની કાર્યશૈલી પર પ્રહારો શરૂ કરી દીધા છે અને ચૂંટણીપંચની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. સમગ્ર મુદ્દે ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે કેટલાક નિર્ણયો લેતા સમયે લેખિત ટિપ્પણી, કેટલીક વખત મુદ્દાઓમાં ભેદ અને કેટલીક વખત સૂચનો આપવામાં-લેવામાં આવતા હોય છે તે સ્વાભાવિક અને લોકતાંત્રિક પ્રક્રિયા છે.
આવો જાણીએ કોણ છે જ્ઞાનેશ કુમાર ?
1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી છે જ્ઞાનેશ કુમાર, તેમનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ખૂબ પ્રભાવશાળી છે. IIT KANPUR થી સિવિલ એન્જિનિયરીંગમાં B.Tech નો અભ્યાસ કર્યો છે. ICFAI થી બિઝનેસ ફાઈનાન્સનો અને અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાવર્ડ યુનિવર્સિટીમાંથી એન્વાયરમેન્ટલ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે.
કેવો રહ્યો જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ ?
જ્ઞાનેશ કુમાર એનીકુલમના જિલ્લા કલેક્ટર અને કોંચ્ચના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. ગૃહ મંત્રાલયમાં પૂર્વોત્તર અને જમ્મુ-કશ્મીરના મુદ્દાઓની જવાબદારી સંભાળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જ કશ્મીરમાં વર્ષ 2019માં 370 હટાવવામાં આવી હતી. આ દરમિયાન તેમની વિશિષ્ટ અને મહત્વની ભૂમિકા રહી છે. ગૃહ મંત્રાલયમાં પણ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં ટ્રસ્ટ નિર્માણ પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ચૂંટણીપંચમાં સામેલ થતા પહેલા તેઓ સહકારિતા મંત્રાલયમાં સચિવ તરીકે પણ કાર્યરત હતા. 19 ફેબ્રુઆરી 2025 થી દેશના 26 મા મુખ્ય ચૂંટણી કમિશનર છે.
શું વિવાદ માત્ર સામાન્ય પ્રક્રિયા છે ?
કલેક્ટરથી લઈ કેન્દ્રના ગૃહ મંત્રાલય સુધી વિવિધ ભૂમિકા ભજવનાર જ્ઞાનેશ કુમાર હાલ આપત્તિઓમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વિપક્ષી દળો 14 મુદ્દાઓને આધાર બનાવીને જ્ઞાનેશ કુમારનું રાજીનામુ માંગી રહ્યા છે તો વળી ચૂંટણીપંચ અને કેન્દ્ર તરફથી એ સ્પષ્ટતાઓ કરવામાં આવી રહી છે કે એક જ સંસ્થામાં જ્યાં એક કરતા વધારે લોકો પદ પર હોય ત્યારે વિચારો અલગ અલગ હોવા તે એક સામાન્ય બાબત છે.
કયારે ક્યારે થયો છે વિવાદ ?
માર્ચ 2024 માં જ્ઞાનેશ કુમારની નિમણૂંક પર અધીર રંજન ચૌધરીએ સવાલ ઉઠાવ્યા હતા
ફેબ્રુઆરી 2025 માં CEC બનતા જ રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો
ઑગસ્ટ 2025 માં બિહારમાં SIR અને વોટ ચોરીને લઈ વકર્યો વિવાદ
19 ઑગસ્ટ 2025 આગ્રામાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
ફેબ્રુઆરી 2026 મમતા બેનરજી અને જ્ઞાનેશ કુમાર આમને-સામને
માર્ચ 2026 માં સંસદમાં પહેલી વખત જ્ઞાનેશ કુમારને હટાવવાનો પ્રસ્તાવ
6 એપ્રિલે બંને ગૃહના અધ્યક્ષે નોટિસનો અસ્વીકાર કર્યો
24 એપ્રિલે ફરીથી 73 સભ્યોએ ગૃહમાં મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની નોટિસ આપી
સપ્ટેમ્બર 2026માં ચૂંટણીપંચમાંથી જ આંતરિક વિવાદ સામે આવ્યો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લગાવ્યા આરોપ
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ પક્ષ સતત ત્રણ વર્ષોથી પુરાવા સાથે મતચોરીનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. ભારતની સૌથી મોટી રાજકીય તાકત ક્યાં ગાયબ થઈ ગઈ છે. તેના અમે જવાબ શોધી રહ્યા હતા અને અંતે અમને એનો જવાબ મળ્યો. મત આપણા દેશનો પાયો છે. આ અમારા વોટ પર હુમલો છે. આ દરેક નાગરિકની અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર હુમલો છે. અમે સતત કહી રહ્યા છીએ કે મત સાથે કોઈ ન કોઈ તકલીફ છે. ચૂંટણીપંચ તેને સુરક્ષિત રાખે છે.
તો ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાજકારણ અંગેનું જ્ઞાન શૂન્ય હોવાનો દાવો કર્યો.
















