નશો ટ્રેન્ડ નથી… જિંદગીનો એન્ડ છે

Nasho Trend Nathi Jindagi No End

નોકરી પરથી ઘરે આવવાનો સમય હોય ત્યારે રસ્તામાં રોજનું એક જાણીતું દૃશ્ય જોવા મળે છે. એ જ રસ્તો, એ જ ટ્રાફિક, એ જ દુકાનો અને રસ્તાની બાજુમાં ઊભેલા એ જ પાનના ગલ્લા. ઘણીવાર હું નોકરી પરથી ઘરે આવતો હોઉં ત્યારે મારી નજર ત્યાં ઊભેલા છોકરાઓ પર પડી જાય છે. કોઈ સ્કૂલના યુનિફોર્મમાં હોય, કોઈ કોલેજનો વિદ્યાર્થી હોય, કોઈ કોલેજની યુવતી હોય કે પછી નોકરી કરતો યુવાન હોય. ઉંમર જોઈને લાગે કે હજી તો જીવનની શરૂઆત છે, પરંતુ હાથમાં ક્યારેક સિગારેટ હોય છે અને ક્યારેક મસાલાની નાની પડીકી.

એક દિવસ ઘરે આવતાં આવું જ એક દૃશ્ય જોયું. રસ્તાની બાજુના ગલ્લા પાસે બે-ત્રણ છોકરાઓ ઊભા હતા. એમાંથી એકે ખિસ્સામાંથી નાની પડીકી કાઢી, ફાડી અને મસાલો મોઢામાં નાખ્યો. બાજુમાં ઊભેલા મિત્રે સહજતાથી કહ્યું, “લાવ , મને પણ આપ.” એણે પડીકી એની તરફ કરી. બન્ને હસ્યા અને વાતો કરતાં ઊભા રહ્યા. થોડે દૂર એક બીજો છોકરો સિગારેટ સળગાવીને ઊભો હતો. બધું એટલું સામાન્ય લાગતું હતું કે જાણે આ કોઈ ખાસ વાત જ ન હોય.

હું ત્યાંથી આગળ નીકળી ગયો, પરંતુ એ દૃશ્ય મારા મનમાં અટકી ગયું. ખબર નહીં કેમ, એ ક્ષણે મારી નજર મસાલાની પડીકી કે સિગારેટ પર નહોતી રહી… મારી નજર એની ઉંમર પર અટકી ગઈ. મનમાં એક જ સવાલ આવ્યો “આ ઉંમરે આ બધું આટલું સામાન્ય કેવી રીતે બની ગયું?”

થોડા સમય પહેલાં સુધી મને લાગતું હતું કે નશો કરવો એ કોઈ વ્યક્તિની પોતાની પસંદગી છે. પરંતુ હવે રસ્તામાં આવા દૃશ્યો વારંવાર જોઉં છું ત્યારે લાગે છે કે વાત માત્ર એક વ્યક્તિની પસંદગીની નથી રહી. વાત આપણા સમાજની પણ છે. કારણ કે જ્યારે સ્કૂલમાં ભણતા બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોની વચ્ચે સિગારેટ, મસાલો અને પાનમસાલો સામાન્ય દેખાવા લાગે, ત્યારે આપણે થોભીને વિચારવું જ પડે કે આપણે આપણા યુવાનોને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ.

મને સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે કોઈ કહે છે, “અરે, આ તો ટ્રેન્ડ છે.” મને સમજાતું નથી કે નશો ટ્રેન્ડ કેવી રીતે બની શકે? ટ્રેન્ડ તો એ હોવો જોઈએ જે આપણને આગળ લઈ જાય. કંઈક નવું શીખવું ટ્રેન્ડ હોય, રમતગમતમાં જોડાવું ટ્રેન્ડ હોય, પુસ્તકો વાંચવાં ટ્રેન્ડ હોય, પોતાના સપના માટે મહેનત કરવી ટ્રેન્ડ હોય અને પોતાના માતા-પિતાને ગર્વ થાય એવું કરવું ટ્રેન્ડ હોય. પરંતુ જે વસ્તુની ટેવ આપણને પોતાના શરીર, સમય અને પૈસાથી દૂર લઈ જાય એને ટ્રેન્ડનું નામ આપીને આપણે શું મેળવી રહ્યા છીએ?

નશાની શરૂઆત ઘણીવાર બહુ નાની હોય છે. કોઈ મિત્ર કહે, “એક વાર લઈ લે.” બીજો કહે, “બધા જ ખાય છે.” કોઈ કહે, “એક સિગારેટથી શું થશે?” અને માણસ પણ વિચારે કે “માત્ર પાંચ-દસ કે વીસ રૂપિયા જ તો છે.” પરંતુ જીવનમાં મોટા ખર્ચા ઘણીવાર આવા જ નાના ખર્ચામાંથી ઊભા થાય છે.

આજે પાંચ રૂપિયા ગયા, કાલે દસ ગયા, પછી વીસ અને પછી રોજના ત્રીસ રૂપિયા. રોજના ત્રીસ રૂપિયા આપણને નાના લાગે, પરંતુ મહિને એ જ રકમ લગભગ નવસો રૂપિયા થાય છે અને વર્ષે દસ હજારથી વધુ. પાંચ વર્ષમાં આ રકમ પચાસ હજારથી પણ વધુ થઈ જાય અને દસ વર્ષમાં એક લાખથી પણ વધુ. જો કોઈ માણસ આખી જિંદગી આ રીતે ખર્ચતો રહે તો માત્ર આજના ભાવ પ્રમાણે જ લાખો રૂપિયા આ ટેવ પાછળ જતા રહે. અને આ તો માત્ર એક ઉદાહરણ છે. વસ્તુના ભાવ વધે તેમ ખર્ચ પણ વધતો જાય. પરંતુ મને અહીં માત્ર પૈસાનો હિસાબ નથી કરવો. મને તો એ વિચાર આવે છે કે આ જ રૂપિયા જો બચાવ્યા હોત તો?

આજે જે રૂપિયા પડીકીમાં ગયા છે એ જ રૂપિયા કાલે કોઈ બાળકની ફી ભરવામાં કામ આવી શક્યા હોત. કોઈ પુસ્તક ખરીદી શક્યા હોત. ઘરની કોઈ જરૂરિયાત પૂરી કરી શક્યા હોત. કોઈ મુશ્કેલીના દિવસે પરિવારના કામ આવી શક્યા હોત. અથવા કદાચ કોઈ નાના સપનાની શરૂઆત બની શક્યા હોત.

આપણે ઘણીવાર મોટી બચત કરવાની વાત કરીએ છીએ, પરંતુ બચતની શરૂઆત મોટી રકમથી થતી નથી. રોજના થોડા રૂપિયા પણ જો ખોટા ખર્ચમાંથી બચી જાય અને યોગ્ય જગ્યાએ સાચવવામાં આવે તો વર્ષો પછી એ જ રકમ મોટી બની શકે છે. પ્રશ્ન માત્ર પૈસા કેટલા છે એનો નથી; પ્રશ્ન એ છે કે આપણે એ પૈસાનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છીએ. આ વાત મને કોરોનાના દિવસોમાં વધારે સમજાઈ હતી.લોકડાઉનનો સમય આજે પણ યાદ આવે છે. રસ્તાઓ ખાલી હતા, ધંધા બંધ હતા, ઘણા લોકોની આવક અટકી ગઈ હતી. ઘરમાં પૈસા કેટલા છે અને કેટલા દિવસ ચાલશે એની ચિંતા હતી. જરૂરી વસ્તુ ખરીદતાં પહેલાં પણ લોકો બે વાર વિચારતા હતા. ઘણા પરિવારો માટે એ સમય રોજિંદા જીવન સાથે સંઘર્ષ કરવાનો હતો.

પરંતુ એ જ સમયમાં મેં લોકોને પાનમસાલાની અને વિમલ જેવી પડીકીઓ માટે 50-50 રૂપિયા અને 100-100 રૂપિયા ખર્ચતા જોયા હતા. કોઈ આખી ખાતું હશે, કોઈ અડધી ખાતું હશે, પરંતુ ટેવ હતી એટલે લેવી જ પડતી. એ સમયે મારા મનમાં એક સવાલ આવ્યો હતો “જ્યારે ધંધો બંધ છે, આવક બંધ છે અને ઘરમાં પૈસાની જરૂર છે, ત્યારે નશા માટેના પૈસા આપણે કેવી રીતે કાઢી શકીએ છીએ?”

કદાચ એ સમય આપણને પોતાની કેટલીક ટેવો છોડવાની તક પણ આપી રહ્યો હતો. બહારની દોડધામ બંધ હતી. માણસ પાસે પોતાની જાત વિશે વિચારવાનો સમય હતો. પોતાની આદતો વિશે વિચારવાનો સમય હતો. કદાચ આપણે ત્યારે કહી શકતા હતા, “હવે આ ટેવ છોડવી છે.” પરંતુ ઘણીવાર માણસ મુશ્કેલીમાંથી પાઠ લેવાને બદલે પોતાની જૂની ટેવોને પણ સાથે લઈને બહાર આવે છે.

કોરોનાના એ દિવસોએ મને એક બીજી વાત પણ ખૂબ નજીકથી સમજાવી હતી પૈસા કમાવા જેટલું જ મહત્વ પૈસા બચાવવાનું છે. કારણ કે જીવન ક્યારે કઈ પરિસ્થિતિ સામે ઊભું કરશે એ કોઈને ખબર નથી.

મેં ઘણા લોકોને પોતાના સ્વજનો ગુમાવતા જોયા છે. કોઈએ પિતા ગુમાવ્યા, કોઈએ માતા, કોઈએ ભાઈ તો કોઈએ પોતાનો ખૂબ નજીકનો માણસ. હોસ્પિટલની બહાર પરિવારજનો ચિંતામાં ઊભા રહેતા. કોઈ દવા માટે દોડતું, કોઈ સારવાર માટે પૈસા ભેગા કરતું, કોઈ ફોન પર મદદ માગતું. એ સમયે માણસને પૈસાની સાચી કિંમત સમજાતી હતી પૈસા માત્ર સુખ ખરીદવા માટે નથી હોતા; ક્યારેક મુશ્કેલીની ઘડીએ પોતાના માણસ માટે કંઈક કરી શકાય એ માટે પણ હોય છે.

કોરોનાના સમયમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે માંગ અને અછતના દિવસો પણ મને યાદ છે. તેની માંગ વધતાં કેટલાક સ્થળોએ ઊંચા ભાવે વેચાણ અને કાળાબજારીના બનાવો પણ સામે આવ્યા હતા. એ સમયની પરિસ્થિતિ જોઈને મારા મનમાં એક વિચાર આવ્યો હતો “જો વર્ષોથી સિગારેટ, મસાલા અને પાનમસાલા પાછળ ખર્ચાતા પૈસા આપણે બચાવ્યા હોત તો?”કદાચ એ બચત આપણા હાથમાં હોત. કદાચ આપણા પોતાના કોઈ સ્વજનને મુશ્કેલીના સમયે દવા કે સારવારની જરૂર પડી હોત તો એ પૈસા કામ આવી શક્યા હોત. કદાચ એ પૈસાથી પરિસ્થિતિ બદલાઈ જાય કે નહીં એ કોઈ કહી શકે નહીં, પરંતુ હાથમાં બચત હોય તો મુશ્કેલીની ઘડીએ પોતાના માણસ માટે કંઈક કરવાની શક્તિ તો રહે.અને કદાચ એ જ બચતનો સાચો અર્થ છે.બચત એટલે માત્ર પૈસા ભેગા કરવાનું નામ નથી. બચત એટલે આવતીકાલની મુશ્કેલી સામે આજે થોડો સહારો તૈયાર રાખવો.

એટલે જ્યારે હું કોઈ યુવાનને સિગારેટ પીતા જોઉં છું ત્યારે મને માત્ર ધુમાડો દેખાતો નથી. મને એ ધુમાડામાં જતા પૈસા પણ દેખાય છે. અને એ પૈસાની પાછળ કોઈ પરિવારની જરૂરિયાત, કોઈ માતાની દવા, કોઈ પિતાની ચિંતા, કોઈ બાળકની ફી અને કોઈ અધૂરું સપનું પણ દેખાય છે.

આ વાત માત્ર યુવાનોને કહેવાની નથી. માતા-પિતાએ પણ પોતાના બાળકો સાથે વાત કરવી પડશે. માત્ર “ભણ્યું કે નહીં?” કે “કેટલા માર્ક્સ આવ્યા?” એટલું નહીં. ક્યારેક એમની બાજુમાં બેસીને પૂછવું પડશે, “કોઈ તને કંઈ ખોટું કરવા માટે દબાણ તો નથી કરતું ને?” “તારા મનમાં કંઈ ચિંતા છે?” “તને કોઈ વાત પરેશાન કરે છે?”

કારણ કે ક્યારેક બાળકને ઉપદેશની નહીં, સાંભળનારની જરૂર હોય છે.મિત્રોની પણ જવાબદારી છે. મિત્ર એટલે જે ખોટી ટેવમાં સાથ આપે એ નહીં, પરંતુ જે ખોટા રસ્તે જતા મિત્રને રોકવાની હિંમત કરે એ. કોઈ મિત્રને નશાની શરૂઆત કરતા જોઈને “બધા કરે છે” કહીને પ્રોત્સાહન આપવાને બદલે “ભાઈ, આ છોડ” કહી શકે એ સાચી મિત્રતા છે.

અને અહીં સરકારની જવાબદારી પણ ખૂબ મોટી છે. મારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એક લેખક તરીકે મારી નમ્ર વિનંતી છે કે શાળા અને કોલેજોની આસપાસ તમાકુ, સિગારેટ, મસાલા, પાનમસાલા અને આવા પદાર્થોના વેચાણ અંગેના નિયમોનો કડક અને સતત અમલ થાય. સગીરો સુધી આવા પદાર્થો સરળતાથી ન પહોંચે તેની ખાસ કાળજી લેવામાં આવે.શાળા-કોલેજોની આસપાસ નિયમિત તપાસ થાય અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદા મુજબ અસરકારક કાર્યવાહી થાય.

સાથે સાથે નશા વિરોધી જાગૃતિ પણ માત્ર એક દિવસના કાર્યક્રમ પૂરતી ન રહે. વિદ્યાર્થીઓ સાથે સતત વાતચીત થાય, તેમને માત્ર ડરાવવામાં નહીં પરંતુ સમજાવવામાં આવે અને જે યુવાનો આવી આદતમાં ફસાઈ ગયા છે તેમને બહાર આવવા માટે યોગ્ય માર્ગદર્શન અને સહાય મળે.

કારણ કે એક યુવાનને નશાથી બચાવવો એટલે માત્ર એક યુવાનને બચાવવો નહીં… કદાચ આપણે એક માતાની આશા બચાવી રહ્યા છીએ, કોઈ પિતાની મહેનત બચાવી રહ્યા છીએ અને કદાચ કોઈ આખા પરિવારનું આવતીકાલ બચાવી રહ્યા છીએ.

હું જ્યારે નોકરી પરથી ઘરે આવું છું અને રસ્તામાં કોઈ સ્કૂલનો છોકરો મસાલાની પડીકી ખોલતો જોઉં છું અથવા કોઈ યુવાન સિગારેટ સળગાવતો જોઉં છું ત્યારે હવે મારી નજર માત્ર એ વસ્તુ પર નથી અટકતી. મને એની પાછળનું આખું ઘર દેખાય છે. મને કોઈ માતાની આશા દેખાય છે. મને કોઈ પિતાની મહેનત દેખાય છે. મને એ યુવાનના પોતાના સપનાં દેખાય છે.

અને મનમાં એક જ વાત આવે છે “ભાઈ, તારી જિંદગી આટલી સસ્તી નથી.”જો તમે સિગારેટ પીતા હો, મસાલો કે પાનમસાલો ખાતા હો, તો આજે જ એક નિર્ણય લો આ ટેવ છોડવાની શરૂઆત કરો. “કાલથી” નહીં. કોઈ ખાસ દિવસની રાહ નહીં. શરૂઆત આજે જ કરો.રોજ નશામાં જતા રૂપિયા બચાવો. એ પૈસા પોતાના પરિવાર માટે રાખો. પોતાના ભવિષ્ય માટે રાખો. પોતાના કોઈ સપના માટે રાખો. કારણ કે જે પૈસા આજે ધુમાડામાં ઉડી જાય છે, એ જ પૈસા કાલે તમારા પોતાના માણસની જરૂરિયાતમાં કામ આવી શકે છે.માતા-પિતા, તમારા બાળકો સાથે વાત કરો. શિક્ષકો, વિદ્યાર્થીઓને માત્ર સમજાવો નહીં તેમને સાંભળો. મિત્રો, મિત્રને નશાની તરફ ધકેલવાને બદલે રોકો. અને સરકાર, શાળા-કોલેજોની આસપાસ નશાકારક વસ્તુઓની સરળ ઉપલબ્ધિ અટકાવવા માટે નિયમોનો કડક અમલ કરો.

આપણે સૌ સાથે મળીને એક વાત બદલી શકીએ છીએ નશાને “ટ્રેન્ડ” માનવાની માનસિકતા.યુવાની ધુમાડામાં વેડફવાની નથી. પૈસા પડીકીમાં નાખવાના નથી. સપનાઓને નશા કરતાં નાના બનાવવાના નથી.

આજથી નશો નહીં સપનું પસંદ કરો. આજથી ધુમાડો નહીં દિશા પસંદ કરો. આજથી નશામાં ખર્ચ નહીં ભવિષ્ય માટે બચત કરો. અને સૌથી અગત્યનું આજથી પોતાની જિંદગી પસંદ કરો. મને આજે પણ રસ્તામાં કોઈ નાની ઉંમરના છોકરાના હાથમાં સિગારેટ કે મસાલાની પડીકી દેખાય ત્યારે એક જ વિચાર આવે છે કે આ હાથમાં નશો ન હોવો જોઈએ…આ હાથમાં કોઈ સપનું હોવું જોઈએ. કારણ કે એ હાથમાં માત્ર એક પડીકી નથી હોતી એની પાછળ કોઈ માતાની આશા હોય છે, કોઈ પિતાની મહેનત હોય છે અને એક આખા પરિવારનું ભવિષ્ય હોય છે.

એટલે આજે એકવાર પોતાને પૂછીએ “હું જે વસ્તુ આજે મારા શરીરમાં નાખી રહ્યો છું અને જે પૈસા આજે તેમાં ખર્ચી રહ્યો છું, એ ખરેખર મારા ભવિષ્યને કંઈ આપી રહી છે?” જો જવાબ ના હોય, તો શરૂઆત આજે જ કેમ નહીં? જિંદગી આપણને ફરીથી મળવાની નથી.એટલે નશો છોડવાનો સમય “ક્યારેક” નથી.

સમય આજે છે. આજે એક પડીકી નહીં ખરીદીએ.આજે એક સિગારેટ નહીં સળગાવીએ. આજે એ જ પૈસા બચાવીને ઘરે લઈ જઈએ. કદાચ રકમ નાની હશે.પણ કદાચ એ નાની બચત આપણને એક દિવસ યાદ અપાવશે કે “મેં મારી જિંદગીના પૈસા ધુમાડામાં ઉડાડ્યા નહોતા… મેં મારા ભવિષ્ય માટે સાચવ્યા હતા.”એટલે નશો નહીં, જીવન પસંદ કરો.ધુમાડો નહીં, સપનું પસંદ કરો. પડીકી નહીં, ભવિષ્ય પસંદ કરો.

કારણ કે નશો ટ્રેન્ડ નથી…
જિંદગીનો એન્ડ છે.

— ધ્રુવિલ જોષીની કલમે

Join WhatsApp

Join Now

Leave a Comment