સિક્કાની બે બાજુ હોય છે… માણસની એક વાતથી આખી કહાની નક્કી ન કરો

કોઈ માણસ તમને કડવું બોલે ત્યારે શું તમે તરત નક્કી કરી દો છો કે “આ માણસ ખરાબ છે”? કોઈ ગુસ્સે થાય ત્યારે ક્યારેય વિચાર્યું છે કે કદાચ એ ગુસ્સો તમારી સામે નહીં, પરંતુ એની અંદર ચાલી રહેલી કોઈ એવી લડાઈનું પરિણામ છે, જેના વિશે તમને કંઈ ખબર જ નથી? આપણે માણસને સમજવામાં ઘણી વાર ઉતાવળ કરીએ છીએ. એક શબ્દ સાંભળીએ છીએ, એક વર્તન જોઈએ છીએ અને આખા માણસનો નિર્ણય કરી દઈએ છીએ. પરંતુ માણસ માત્ર તેની દેખાતી ક્ષણ નથી. એની પાછળ પરિવાર છે, જવાબદારીઓ છે, નિષ્ફળતાઓ છે, અધૂરાં સપનાં છે અને એવી અનેક ચિંતાઓ છે, જે તે દુનિયાથી છુપાવીને જીવે છે.

સિક્કાની બે બાજુ હોય છે. એક આપણને દેખાય છે અને બીજી સિક્કો ફેરવીએ ત્યારે દેખાય છે. માણસની પણ બે બાજુ હોય છે એક દુનિયાને દેખાય છે અને બીજી તેના હૃદયમાં છુપાયેલી રહે છે. સિક્કો ફેરવવો સરળ છે, પરંતુ માણસની બીજી બાજુ સમજવા માટે થોડું રોકાવું પડે છે.

Why We Should Not Judge People Quickly | AI Image

એક સાંજે બસ સ્ટેન્ડ પર એક વૃદ્ધ ટિકિટના કાઉન્ટર પાસે ઊભા હતા. લાંબી લાઇન હતી. તેમણે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને બે-ત્રણ વાર ગણ્યા. પાછળ ઊભેલા એક યુવાને કંટાળીને કહ્યું, “કાકા, બે રૂપિયાની ટિકિટ માટે આટલો સમય કેમ કરો છો? આગળ જવા દો ને!” વૃદ્ધ કંઈ બોલ્યા નહીં. બાજુએ થઈ ગયા. થોડા સમય પછી તેમનો ફોન વાગ્યો. તેમણે ધીમેથી કહ્યું, “બેટા, મારા માટે દવા પછી લઈ આવજે… પહેલાં તારી મમ્મીની દવા લઈ આવજે.” ફોન મૂક્યો અને ફરી શાંતિથી ઊભા રહ્યા. ત્યારે સમજાયું કે તેઓ સમય બગાડતા નહોતા, કદાચ પૈસાનો એક-એક રૂપિયો ક્યાં વાપરવો એની ગણતરી કરતા હતા.

કોઈની નાની હરકત પાછળ મોટી જવાબદારી છુપાયેલી હોઈ શકે. શાળાની બહાર એક બાળક પરીક્ષા પૂરી કરીને પિતા પાસે આવ્યું. પિતાએ પૂછ્યું, “કેમ ગયું?” બાળક ધીમેથી બોલ્યું, “સારું નથી ગયું.” પિતાને ગુસ્સો આવ્યો, “તારી પાસેથી કંઈ નહીં થાય!” બાળક ચૂપ થઈ ગયું. ઘરે પહોંચ્યા પછી માતાએ કહ્યું, “ગઈ કાલે રાત્રે એને ખૂબ તાવ હતો. છતાં પરીક્ષા ચૂકી ન જાય એ માટે સવારે ઊઠીને ગયો હતો.” પિતા થોડા સમય સુધી કંઈ બોલ્યા નહીં. પછી બાળક પાસે જઈને પૂછ્યું, “હવે તાવ તો નથી ને?” બાળક હળવું સ્મિત કરીને બોલ્યું, “ના પપ્પા.”

ક્યારેક પરિણામ કરતાં પ્રયત્નને જોવો વધુ જરૂરી હોય છે. હોસ્પિટલની બહાર એક યુવાન સતત ફોન પર પૈસાની વ્યવસ્થા કરી રહ્યો હતો. કોઈ પૂછે તો એક જ જવાબ “કંઈ નથી.” થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું, “તમારી માતાની સ્થિતિ હવે સ્થિર છે.” યુવાને આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લીધો અને ખુરશી પર બેસી ગયો. બાજુમાં ઊભેલા માણસને ત્યારે સમજાયું કે “કંઈ નથી” ખરેખર કંઈ નહોતું, નહીં એ માણસ આખી પરિસ્થિતિ પોતાના અંદર સંભાળી રહ્યો હતો.

મજબૂત દેખાતો માણસ પણ ક્યારેક માત્ર તૂટવાનું ટાળી રહ્યો હોય છે. એક ઓફિસમાં એક કર્મચારીથી ભૂલ થઈ. અધિકારીએ બધાની સામે તેને ઠપકો આપ્યો. કર્મચારી ચૂપ રહ્યો. સાંજે સહકર્મચારીએ પૂછ્યું, “આજે બહુ ચુપ છો?” તેણે કહ્યું, “ઘરે પપ્પાની સર્જરી છે… મન ત્યાં છે. “સહકર્મચારીએ બીજા દિવસે અધિકારીને વાત કરી. અધિકારીએ તેને બોલાવીને કહ્યું, “ભૂલ સુધારવી પડશે, પરંતુ ગઈકાલે જે રીતે મેં વાત કરી એ યોગ્ય નહોતું. ” કર્મચારીએ માથું હલાવ્યું. વાત પૂરી થઈ ગઈ, પરંતુ બંને વચ્ચે સમજણની એક નવી શરૂઆત થઈ.

કઠોરતા શિસ્ત આપી શકે છે, પરંતુ સમજણ સંબંધ બચાવે છે.એક મિત્ર ઘણા દિવસથી ફોન ઉઠાવતો નહોતો. મિત્રો વચ્ચે વાત થઈ, “હવે બહુ બદલાઈ ગયો છે.” એક મિત્ર તેના ઘરે ગયો. ત્યાં ખબર પડી કે થોડા દિવસ પહેલાં તેના પિતાનું અવસાન થયું હતું. તેણે ધીમેથી કહ્યું, “ફોન આવે ત્યારે શું બોલું એ જ સમજાતું નથી.” મિત્રએ કોઈ સલાહ ન આપી. માત્ર તેની બાજુમાં બેસી રહ્યો. થોડા સમય પછી બંનેએ ચા પીધી. વાત બહુ ઓછી થઈ, પરંતુ મિત્રને કદાચ એટલું જ જોઈએ હતું કોઈ એની સાથે બેસે.

દરેક દુઃખનો ઉકેલ શબ્દોમાં નથી હોતો; કેટલીક વાર હાજરી જ પૂરતી હોય છે. આવા પ્રસંગો આપણા આસપાસ રોજ બને છે. કોઈ દુકાનદાર કડક બોલે છે, કોઈ ડ્રાઇવર ગુસ્સે થાય છે, કોઈ કર્મચારી ચીડિયેલો લાગે છે, કોઈ મિત્ર અચાનક દૂર થઈ જાય છે. આપણે તરત કારણ નક્કી કરી દઈએ છીએ. પરંતુ કારણ જાણ્યા વગરનો નિર્ણય ઘણી વાર અધૂરો હોય છે.

સોશિયલ મીડિયાએ તો આ ઉતાવળ વધારે કરી છે. કોઈનું એક વાક્ય વાંચીને આખા માણસ વિશે મત બનાવી લઈએ છીએ. કોઈની સફળતા જોઈને એની પાછળનો સંઘર્ષ ભૂલી જઈએ છીએ અને કોઈની નિષ્ફળતા જોઈને તેની મહેનત. પરંતુ ફોટો ચહેરો બતાવે છે, જીવન નહીં.

એટલે માણસને સમજવાનો અર્થ તેની દરેક ભૂલને સાચી ઠેરવવી નથી. ખોટું હોય ત્યાં ખોટું કહેવું જોઈએ. અન્યાય સામે ઊભા રહેવું જોઈએ. પરંતુ એક ભૂલને આખી ઓળખ ન બનાવીએ. એક ખરાબ દિવસને આખી જિંદગીનો નિર્ણય ન બનાવીએ.

કોઈ યુવાન કહે, “મારાથી નહીં થાય,” ત્યારે તરત “તું નબળો છે” ન કહીએ. કદાચ પૂછીએ, “શું થયું?” કોઈ મિત્ર ચૂપ હોય તો “ઘમંડ આવી ગયો” ન કહીએ. એક વાર પૂછીએ, “તકલીફ છે?” કોઈ બાળક ઓછા માર્ક્સ લાવે તો “તારાથી નહીં થાય” નહીં, “ચાલ, ફરી પ્રયત્ન કરીએ” કહીએ.

સમાજમાં બદલાવ મોટા ભાષણોથી નહીં, આવી નાની સમજણોથી શરૂ થાય છે. આપણે દરેકની સમસ્યા ઉકેલી શકતા નથી. પરંતુ કોઈની મુશ્કેલીમાં તેને એકલો ન છોડીએ એટલું તો કરી શકીએ.

આજે કોઈ એક માણસને પૂછો “બધું બરાબર છે ને?”જો જવાબ આવે, “હા, બધું બરાબર છે…”તો એક ક્ષણ રોકાઈને કહેજો “સાચું કહેજે… હું સાંભળવા માટે છું.”કદાચ આટલી જ વાત કોઈને પોતાના મનનો ભાર ઉતારવાની જગ્યા આપી દે.સિક્કાની બે બાજુ હોય છે… માણસની પણ.નિર્ણય કરતાં પહેલાં થોભો.વાત કરતાં પહેલાં સમજો.અને માણસને જોતા પહેલાં એના હૃદયની બીજી બાજુ જોવાનો પ્રયત્ન કરો.

— ધ્રુવિલ જોષીની કલમે

Join WhatsApp

Join Now

Leave a Comment