બાળપણમાં લેશન ન કર્યું હોય તો શિક્ષકની બીક લાગતી હતી. આજે જીવન લેશન આપે છે, પણ શિક્ષક કોઈ નથી. ત્યારે પ્રશ્નના જવાબ પુસ્તકમાં મળી જતા હતા, આજે પ્રશ્નો જ પ્રશ્નો છે અને જવાબ આપણે જાતે શોધવાના છે. એક સમય એવો હતો જ્યારે સ્કૂલમાંથી ઘરે આવતાં જ બેગ એક ખૂણામાં ફેંકી દેવાની અને મિત્રો સાથે ક્રિકેટ રમવા દોડી જવાનું. લેશન કર્યું કે નહીં, કાલે કયો પાઠ છે, કયા વિષયનો પિરિયડ છે એ બધું પછી! બસ, પહેલા ક્રિકેટ. સાંજ પડી જાય અને ઘેરથી માતાની બૂમ આવે, “ચાલ, હવે ઘરે આવ.” અને જો બીજા દિવસે લેશનનો પિરિયડ હોય તો અંદરથી ખબર પડી જતી આજે તો આપણો વારો! કારણ કે આખી સાંજ તો રમવામાં ગઈ હતી. છતાં એ દિવસોમાં ચિંતા નાની હતી અને ખુશીઓ મોટી. શિક્ષક પૂછે તો પાઠ્યપુસ્તક ખોલીને જવાબ મળી જતો. આજે જિંદગીના પાઠમાં કોઈ પુસ્તક નથી. નોકરીનો પ્રશ્ન હોય, પૈસાની ચિંતા હોય, પરિવારની જવાબદારી હોય, સંબંધોમાં મૂંઝવણ હોય કે પોતાના ભવિષ્યનો નિર્ણય દરેક સવાલનો જવાબ આપણે જ શોધવાનો. કદાચ ત્યારે આપણે લેશનથી ભાગતા હતા અને આજે સમજાય છે કે એ લેશન તો જીવનના મોટા પ્રશ્નો માટેની નાની તૈયારી હતી.

યુવાની આવે છે ત્યારે બેગનું વજન ઓછું થાય છે, પરંતુ જવાબદારીઓનું વજન વધી જાય છે. એક યુવાન જ્યારે નોકરી માટે ઘરથી બહાર નીકળે છે ત્યારે સાથે માત્ર કપડાં અને ડિગ્રી નથી લઈ જતો; સાથે માતાની ચિંતા, પિતાની આશા અને પરિવારનું ભવિષ્ય પણ લઈને નીકળે છે. તે મહેનત કરે છે કારણ કે તેને પોતાના માતા-પિતાને સુખ આપવું છે, પરિવારને સંભાળવો છે, પોતાનું ઘર બનાવવું છે અને પોતાના સપનાઓને સાચા કરવા છે. પરંતુ આ દોડમાં ઘણીવાર એ પોતે જ થાકી જાય છે. માતા પૂછે, “બેટા, બધું સારું છે ને?” અને જવાબ આવે, “હા.” પિતા પૂછે, “કામ કેવું ચાલે છે?” અને જવાબ આવે, “બરાબર.” પરંતુ એ બે શબ્દોની પાછળ કેટલી ચિંતા છુપાયેલી છે એ કદાચ કોઈને ખબર નથી. તેથી માતા-પિતાએ સંતાનની સફળતાને માત્ર પગાર કે પદથી ન માપવી જોઈએ. બાળક નાનું હોય ત્યારે પૂછીએ છીએ, “સ્કૂલમાં શું થયું?” પરંતુ મોટું થાય ત્યારે પણ પૂછવું જોઈએ “તારા મનમાં શું ચાલી રહ્યું છે?” યુવાનને દરેક વખતે સલાહની જરૂર નથી હોતી; ક્યારેક માત્ર કોઈ એવું માણસ જોઈએ છે જે તેની વાત પૂરી સાંભળે અને કહે, “ચિંતા ન કર, અમે તારી સાથે છીએ.” અને યુવાનોએ પણ સમજવું જોઈએ કે માતા-પિતાની ચિંતા બંધન નથી, ઘણીવાર એ પ્રેમનું બીજું નામ છે. મતભેદ થાય તો વાત બંધ નહીં, વાતચીત વધારવી જોઈએ.
આ વાત માત્ર પરિવાર પૂરતી નથી; સમગ્ર સમાજને પણ એક નાની વિનંતી છે. ક્યારેક કોઈ યુવાન નોકરી પરથી ઘરે પાછો આવે અને તેના ચહેરા પર થાક દેખાય, મન ઉદાસ લાગે, વાતચીત કરવાની ઈચ્છા ન હોય અથવા કંઈક ચિંતા તેને અંદરથી ખાઈ રહી હોય એવું લાગે, તો તરત તેને પ્રશ્નોથી ઘેરી ન નાખો અને નાની વાતમાં ઠપકો પણ ન આપો. થોડું તેની આંખોમાં જુઓ અને પ્રેમથી પૂછો “બેટા, શું થયું? કોઈ પ્રોબ્લેમ છે? બધું બરાબર છે ને?” કદાચ એ સમયે તેને ઉપદેશની નહીં, સમજણની જરૂર હોય. ક્યારેક એ ઘરે મોડો પહોંચે તો “ક્યાં રખડતો હતો?” કે “આટલી વાર કેમ કરી?” એવું ગુસ્સાથી પૂછવાને બદલે એક વાર પ્રેમથી પૂછજો “કેમ બેટા, આજે લેટ થઈ ગયો? બધું બરાબર છે ને?” અને સાથે એક ગ્લાસ પાણી આપજો. કદાચ એ પાણી માત્ર પાણી નહીં હોય; એ યુવાનને લાગશે કે “હા, આ ઘરમાં કોઈ એવું છે જે મને પૂછ્યા વગર પણ મારી આંખો વાંચી લે છે.” કદાચ તે કંઈ નહીં કહે, કદાચ “કંઈ નથી” કહીને રૂમમાં જતો રહેશે, પરંતુ તમારા એ એક પ્રશ્નથી તેને અંદરથી એક વિશ્વાસ મળશે કે મુશ્કેલીમાં પણ હું એકલો નથી. સમાજમાં પણ આ સંવેદનશીલતા જરૂરી છે. દરેક ઉદાસ ચહેરાને આળસુ ન ગણો, દરેક મૌન માણસને ઘમંડી ન ગણો અને દરેક મોડા આવતા યુવાનને બેદરકાર ન ગણો. કોઈની અંદર કઈ લડાઈ ચાલી રહી છે એ આપણને ખબર નથી હોતી. એટલે નિર્ણય આપતા પહેલાં પૂછો, ઠપકો આપતા પહેલાં સાંભળો અને સમજાવતાં પહેલાં સમજવાનો પ્રયત્ન કરો. ક્યારેક કોઈને બચાવવા માટે મોટી મદદની જરૂર નથી હોતી સમયસર પૂછાયેલું એક “શું થયું?” પણ પૂરતું હોય છે.


આપણે પરિવાર માટે કમાઈએ છીએ, પરંતુ ક્યારેક પરિવાર સાથે જીવવાનું ભૂલી જઈએ છીએ. માતા કહે છે, “બે મિનિટ બેસ,” આપણે કહીએ છીએ, “હમણાં બહુ થાક્યો છું.” પિતા વાત શરૂ કરે છે, આપણે મોબાઇલમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. બાળક કહે છે, “મારી સાથે રમશો?” આપણે કહીએ છીએ, “પછી.” જીવનસાથી આખા દિવસની વાત કરવા માંગે છે, પરંતુ આપણે આવતીકાલના કામની ચિંતામાં હોઈએ છીએ. આપણે પરિવાર માટે બધું કરવા માંગીએ છીએ, પણ ઘણીવાર પરિવારને સૌથી જરૂરી વસ્તુ આપણી હાજરી આપી શકતા નથી. તેથી આજે એક નક્કી કરીએ પરિવાર માટે સમય “બચે ત્યારે” નહીં, પરંતુ સમય “ફાળવીને” આપીએ. અઠવાડિયામાં થોડો સમય એવો રાખીએ જ્યારે મોબાઇલ બાજુ પર હોય, કામની વાત ન હોય અને પરિવાર સાથે માત્ર પરિવાર બનીને બેસીએ. માતા-પિતાને ફોન કરવા માટે કોઈ ખાસ કારણની રાહ ન જોઈએ. બાળક કંઈ કહે ત્યારે તેની વાત પૂરી સાંભળીએ. જીવનસાથી સાથે થોડો સમય નિરાંતે વાત કરીએ. અને ઘરમાં કોઈના ચહેરા પર ઉદાસી દેખાય તો તરત નિર્ણય ન આપીએ પહેલા પૂછીએ, “શું થયું?” કારણ કે ઘર એ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં માણસ પોતાની બહારની દુનિયાની લડાઈ જીતીને નહીં, હારીને પણ આવી શકે. જ્યાં તેને પ્રશ્નો કરતાં પહેલાં પાણી મળે, ઠપકા કરતાં પહેલાં પ્રેમ મળે અને સલાહ કરતાં પહેલાં કોઈ તેની બાજુમાં બેસે. પૈસા ફરી કમાઈ શકાય છે, વસ્તુઓ ફરી ખરીદી શકાય છે, પરંતુ પોતાના માણસને એ ક્ષણે આપેલો વિશ્વાસ ફરીથી ખરીદી શકાતો નથી.

કદાચ આ જ જીવનનું સૌથી મોટું લેશન છે જવાબદારી નિભાવતા નિભાવતા સંબંધો ગુમાવી ન બેસવું. યુવાનોને એક વાત સપના જુઓ, મહેનત કરો, આગળ વધો, પરંતુ પોતાની જાતને પણ સમય આપો અને મુશ્કેલી હોય તો પોતાના માણસો સાથે વાત કરો. માતા-પિતાને એક વાત સંતાન સફળ થાય એવી ઈચ્છા રાખો, પરંતુ તે તમારી સામે પોતાની નિષ્ફળતા પણ કહી શકે એવી જગ્યા આપો. સમાજને એક વાત કોઈને તેના ચહેરા પરથી જજ ન કરો; ક્યારેક પૂછો, “બધું બરાબર છે ને?” અને દરેક પરિવારને એક નાનું આહ્વાન આજથી ઘરે એક એવી સંસ્કૃતિ બનાવીએ જ્યાં કોઈ થાકીને આવે તો તેને પહેલાં પ્રેમ મળે અને પછી પ્રશ્ન. આજે સાંજે ઘરે જાઓ ત્યારે મોબાઇલ થોડો સમય બાજુ પર મૂકો. માતા-પિતા પાસે બેસો. પૂછો, “આજે તમારો દિવસ કેવો રહ્યો?” બાળક સાથે બેસો. જીવનસાથીની વાત સાંભળો. અને જો ઘરમાં કોઈ યુવાન આજે થોડો ચૂપ હોય, તો તેની ચુપ્પીને અવગણશો નહીં. તેની પાસે જઈને માત્ર એટલું કહો“બેટા, કંઈ થયું છે? કહેવું હોય તો હું સાંભળું છું.” કદાચ તે તરત નહીં કહે, પણ તેને એટલું તો લાગશે કે “મારા ઘરમાં મને સમજવાનો પ્રયત્ન કરનાર કોઈ છે.” સ્કૂલમાં લેશન ન કરીએ તો બીજા દિવસે શિક્ષક સામે ઊભા રહેવું પડતું હતું; જીવનમાં કોઈ જવાબપત્ર નથી. અહીં પ્રશ્નો આવતા જ રહેવાના છે. પરંતુ જો દરેક યુવાનને એક એવું ઘર મળે જ્યાં તેને સાંભળનાર માતા-પિતા હોય, એક એવો પરિવાર મળે જ્યાં તેને સમજણ મળે અને એક એવો સમાજ મળે જ્યાં મુશ્કેલીમાં તેને ઠપકો નહીં પરંતુ સહારો મળે તો કદાચ જીવનનું આ મુશ્કેલ લેશન થોડું સરળ બની જાય. કારણ કે અંતે માણસને માત્ર એ યાદ નથી રહેતું કે કોણે તેને કેટલી સલાહ આપી; માણસને સૌથી વધુ યાદ રહે છે કે જ્યારે તે અંદરથી તૂટેલો હતો ત્યારે કોણે તેની બાજુમાં બેસીને પૂછ્યું હતું “બેટા, શું થયું?”
— ધ્રુવિલ જોષીની કલમે










