જ્યારે વિશ્વાસ સામે એક શંકા ઊભી થાય…એક કર્મચારીના મનમાં ચાલતી લડાઈ, એક માતાની મૌન ચિંતા અને સમાજ માટેનો અરીસો

Innocent Employee Suspicion Workplace

ઓફિસનો દિવસ પૂરો કરીને એક યુવાન ઘરે આવ્યો. દરવાજો ખોલતાં જ માતાનો એ જ રોજનો પ્રેમાળ અવાજ સંભળાયો “આવી ગયો બેટા? જમવાનું ગરમ કરી દઉં?” તેણે ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો અને ધીમેથી કહ્યું “હા મા… થોડી વાર પછી.” પિતાએ અખબાર નીચે મૂકીને સહજતાથી પૂછ્યું “ઓફિસમાં બધું બરાબર છે ને?” સવાલ સામાન્ય હતો, પરંતુ આજે એ સવાલ સીધો તેના હૃદયમાં ઉતરી ગયો. ક્ષણભર માટે મન થયું “કહી દઉં પપ્પાને? કહી દઉં કે આજે મારી સચ્ચાઈ પર જ સવાલ ઊભો થયો છે?” પરંતુ શબ્દો ગળામાં જ અટકી ગયા. “હા… બધું બરાબર છે,” એટલું કહીને તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. દરવાજો બંધ કર્યો. મોબાઇલ હાથમાં લીધો. સામે એક મેસેજ હતો “તમારી સામે કેટલીક શંકાઓ ઊભી થઈ છે, તપાસ માટે સહકાર આપશો.” એ મેસેજ વાંચીને તે થોડી ક્ષણ સ્થિર થઈ ગયો. મનમાં પહેલો સવાલ આવ્યો “મારી સામે શંકા?” પછી બીજો “પણ મેં કર્યું શું છે?” ત્રીજો અવાજ આવ્યો “જો મારી વાત પર વિશ્વાસ નહીં થાય તો?” તેણે પોતાની જાતને સમજાવ્યું “હું ખોટો નથી… મારે ડરવાની જરૂર નથી.” પરંતુ તરત જ અંદરથી બીજો અવાજ આવ્યો “સાચું હોવું સરળ છે… પરંતુ દુનિયા સામે સાચું સાબિત કરવું એટલું સરળ છે?” તેણે કોઈ વાદ કર્યો નહીં. પોતાનો મોબાઇલ અનલોક કરીને તપાસ માટે આપી દીધો. કારણ કે તેને વિશ્વાસ હતો “મારી પાસે છુપાવવા જેવું કંઈ નથી.” પરંતુ ફોન આપ્યા પછી પણ તેના મનમાં એક સવાલ જીવતો રહ્યો “જો તપાસ મને નિર્દોષ સાબિત કરી દેશે, તો આજે મારા નામ સાથે જોડાયેલી શંકાને કોણ સાફ કરશે?” રૂમની બહાર ઘર શાંત હતું, પરંતુ તેના મનમાં જાણે હજારો અવાજો હતા “શું મારી વર્ષોની મહેનત એટલી નાની હતી?” “શું મારી વાત પર વિશ્વાસ કરવો એટલો મુશ્કેલ છે?” “શું એક શંકા મારી આખી ઓળખ કરતાં મોટી બની ગઈ?” આંખોમાં આંસુ નહોતા… પણ હૃદયમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો.

AI Image

રસોડામાં માતા હજુ થાળી તૈયાર કરીને બેઠી હતી. દીકરો આવ્યો નહોતો. તેણે જમવાનું પીરસ્યું, ઢાંક્યું અને થોડીવાર પછી ફરી ઢાંકણ ખોલ્યું. જાણે માતાનું મન કહી રહ્યું હોય “હવે આવશે… બેસીને જમશે.” અંતે તે દીકરાના રૂમ સુધી ગઈ. દરવાજા પર હાથ મૂક્યો. અંદરથી કોઈ અવાજ નહોતો. તેણે ધીમેથી કહ્યુ “બેટા… જમવાનું મૂકી દઉં?” અંદરથી જવાબ આવ્યો “હા મા.” માતા ત્યાં જ થોડી ક્ષણ ઊભી રહી. તેને પૂછવું હતું “શું થયું છે?” પરંતુ માતાનું હૃદય બોલ્યું “હમણાં નહીં… એ જ્યારે તૈયાર થશે ત્યારે પોતે કહેશે.” તે પાછી ફરી, બે પગલાં ચાલી અને ફરી અટકી. બંધ દરવાજા તરફ જોયું. માતાને કંઈ ખબર નહોતી, પરંતુ માતા એટલું સમજી ગઈ હતી કે દીકરો આજે સામાન્ય નથી. રાત્રે પિતાએ પૂછ્યું “જમ્યો?” માતાએ ધીમેથી કહ્યું “ના… પછી ખાશે કહે છે.” થોડું મૌન રહ્યું. પછી માતાએ ધીમેથી કહ્યું “કંઈક થયું છે એને.” પિતાએ કહ્યું “પૂછી લીધું હોત.” માતાની આંખો ભીની થઈ ગઈ “પૂછું છું તો કહે છે કંઈ નથી… પણ માતાને ખબર પડે છે ને, જ્યારે દીકરો અંદરથી દુઃખી હોય.” કેટલું અજબ છે નેબાળપણમાં બાળક પડી જાય ત્યારે માતાના ખોળામાં આવીને રડી લે છે… પરંતુ મોટું થયા પછી એ જ બાળક ઘણી વાર પોતાની પીડા માતાથી છુપાવે છે માતાને બચાવવા માટે. તે રાત્રે કદાચ દીકરો પોતાની શંકા સામે લડી રહ્યો હતો અને માતા પોતાના દીકરાના મૌન સામે.

AI Image

બીજા દિવસે તે ફરી ઓફિસ ગયો. ચહેરા પર સામાન્ય ભાવ રાખ્યો. કામ કર્યું. સહકર્મચારીઓ સાથે વાત કરી. પરંતુ અંદરથી એક અલગ જ દુનિયા ચાલી રહી હતી. કોઈ સહકર્મચારી હસીને વાત કરે તો મન કહે “શું એને કંઈ ખબર છે?” કોઈ થોડું શાંત રહે તો મન પૂછે “શું એ પણ મારા વિશે કંઈ વિચારે છે?” માણસ પર બહારથી લાગેલો આરોપ ઘણીવાર અંદર જઈને માણસને પોતાની જ નજરમાં પ્રશ્ન બનાવી દે છે. તે પોતાના મનને પૂછતો “મારે કામ કરવું છે કે મારી નિર્દોષતા સાબિત કરવી છે?” પછી પોતે જ જવાબ આપતો “મારે કામ જ કરવું છે. મારી મહેનત મારી ઓળખ છે.” ફરી અંદરથી અવાજ આવતો “પણ જો લોકોની નજરમાં તું પહેલેથી જ શંકાસ્પદ બની ગયો હોય તો?” આ જ તો સૌથી મોટી લડાઈ છે બહારની શંકા સામે નહીં, અંદરના તૂટતા વિશ્વાસ સામે લડવાની. તેથી કોઈ કર્મચારી સામે શંકા થાય ત્યારે તપાસ થવી જોઈએ, પરંતુ શંકાને સજા ન બનાવવી જોઈએ. સત્ય શોધવું સંસ્થાની ફરજ છે, પરંતુ સત્ય બહાર આવે ત્યાં સુધી માણસની પ્રતિષ્ઠા બચાવવી પણ સંસ્થાની જ જવાબદારી છે. જો કર્મચારી ખોટો હોય તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ; પરંતુ જો તે નિર્દોષ હોય તો તેની ઉપર પડેલી શંકાની છાયા દૂર કરવી પણ એટલી જ જરૂરી છે. કારણ કે કર્મચારી માત્ર ઓફિસમાં કામ કરતો માણસ નથી તે કોઈનો દીકરો છે, કોઈની આશા છે, કોઈ માતાની દુનિયા છે અને પોતાના પરિવાર માટે આવતીકાલનું સ્વપ્ન છે.

AI Image

આ ઘટનાનો એક કડવો પરંતુ જીવનભર કામ આવે એવો પાઠ એ યુવાને પણ શીખવો જોઈએ નોકરીને દિલથી કરવી, પરંતુ આખું જીવન નોકરીને સોંપી દેવું નહીં. કંપની માટે શ્રેષ્ઠ આપો, પરંતુ પોતાની જાતને કંપનીના નામમાં ખોવાઈ ન જવા દો. નવી કળા શીખો, તમારી કાબેલિયત વધારો, અનુભવને તમારી શક્તિ બનાવો, આર્થિક રીતે થોડા મજબૂત બનો અને આવતીકાલે પરિસ્થિતિ બદલાય તો ફરીથી ઊભા થઈ શકો એવી તૈયારી રાખો. કારણ કે માતા-પિતાને માત્ર એટલું નથી જોઈતું કે તેમનો દીકરો કેટલો મોટો પગાર મેળવે છે; તેમને એ જોઈતું હોય છે કે મુશ્કેલી આવે ત્યારે તેમનો દીકરો તૂટી ન જાય. નોકરી છૂટી શકે છે, પદ છૂટી શકે છે, કંપની બદલાઈ શકે છે, લોકો બદલાઈ શકે છે… પરંતુ જો માણસ પોતાની જાત પરનો વિશ્વાસ ગુમાવી બેસે તો ફરીથી ઊભું થવું સૌથી મુશ્કેલ બની જાય છે. એટલે કંપની માટે વફાદાર રહો, પરંતુ પોતાના જીવન માટે પણ વફાદાર રહો. કંપનીને સમય આપો, પરંતુ પરિવારને ભૂલીને નહીં. કામમાં સફળતા મેળવો, પરંતુ એવી સફળતા નહીં કે ઘરે પાછા ફર્યા પછી પોતાના જ લોકો સાથે વાત કરવા માટે સમય ન બચે. કંપનીને તમારો શ્રમ જોઈએ છે, પરંતુ તમારા માતા-પિતાને તમારું અસ્તિત્વ જોઈએ છે.

અને હવે વાત માત્ર આ યુવાનની નથી… વાત આપણા સમાજની છે. કોઈની સામે શંકા ઊભી થાય ત્યારે અફવા ફેલાવવી નહીં સત્યની રાહ જોવી એ આપણી ફરજ છે. કોઈ યુવાન અચાનક ચૂપ થઈ જાય ત્યારે તેને નબળો ગણવો નહીં એક વાર તેની પાસે જઈને પૂછવું, “તું ખરેખર ઠીક છે?” કોઈ માતાની આંખોમાં ચિંતા દેખાય ત્યારે તેને એકલી ન છોડવી. કોઈ સંસ્થામાં તપાસ ચાલી રહી હોય ત્યારે પહેલેથી જ પોતાનો ચુકાદો ન આપી દેવો. અને સૌથી અગત્યનું કોઈની સચ્ચાઈ પર સવાલ કરતાં પહેલાં એક ક્ષણ માટે વિચારવું કે સામે ઊભેલો માણસ આપણા પોતાના ઘરના દીકરા જેવો હોત તો આપણે શું કરતા? આજે કોઈ બીજાનો દીકરો પોતાના રૂમનો દરવાજો બંધ કરીને પોતાની સાથે લડી રહ્યો છે; કાલે કદાચ એ આપણા ઘરમાં હશે. આજે કોઈ માતા બંધ દરવાજા તરફ જોઈને ચિંતિત છે; કાલે કદાચ એ દરવાજાની બહાર આપણે ઊભા હોઈશું. તેથી સમાજની ફરજ માત્ર દોષિત શોધવાની નથી; નિર્દોષ માણસને શંકાના ભાર નીચે તૂટતો અટકાવવાની પણ છે. કોઈના મૌનને તેની નબળાઈ ન ગણીએ. કોઈની પીડાને અફવા ન બનાવીએ. કોઈની તપાસને જાહેર ચુકાદો ન બનાવીએ. કોઈ યુવાનને એકલો ન છોડીએ. કારણ કે મુશ્કેલીમાં માણસની બાજુએ ઊભા રહેવું ઉપકાર નથી આપણી સામાજિક ફરજ છે.

છેલ્લે એક વાત…કદાચ એ યુવાન કાલે ફરી ઓફિસ જશે. એ જ રસ્તો હશે. એ જ ટેબલ હશે. એ જ લોકો હશે. એ જ કામ હશે. બહારથી બધું પહેલાં જેવું દેખાશે… પરંતુ કદાચ અંદરથી તે પહેલાં જેવો નહીં હોય.

કદાચ તે હવે શીખી ગયો હશે કે દરેક સંબંધમાં વિશ્વાસ રાખવો, પરંતુ પોતાની જાત પરનો વિશ્વાસ સૌથી પહેલાં રાખવો.કદાચ તેની માતા હજુ પણ દરવાજા તરફ જોઈને પૂછશે “આવી ગયો બેટા?”અને કદાચ આ વખતે તે માત્ર “હા મા” નહીં કહે…કદાચ માતાની બાજુમાં બેસીને ધીમેથી કહેશે “મા… આજે થોડી તકલીફ છે.”અને માતા કદાચ કોઈ પ્રશ્ન નહીં પૂછે.માત્ર દીકરાનું માથું પોતાના ખોળામાં લઈ લેશે.

કારણ કે ક્યારેક માણસને ઉકેલ કરતાં પહેલાં એક ખોળાની જરૂર હોય છે… અને સમાજને નિર્ણય કરતાં પહેલાં એક હૃદયની જરૂર હોય છે.આપણે એવો સમાજ બનાવવો છે જ્યાં તપાસ થાય, પરંતુ અપમાન નહીં;શંકા થાય, પરંતુ ચુકાદો નહીં;સત્ય શોધાય, પરંતુ માણસાઈ ગુમાય નહીં.કારણ કે કોઈની જિંદગીમાં શંકા એક ક્ષણમાં પ્રવેશે છે,પરંતુ એ શંકાનો ઘા ક્યારેક વર્ષો સુધી રહે છે.આથી કોઈના જીવનમાં શંકા ઉમેરતા પહેલાં એકવાર વિચારજો કદાચ સામે ઊભેલો માણસ માત્ર કર્મચારી નથી…કોઈ માતા-પિતા નો દીકરો છે.

— ધ્રુવિલ જૉષીની કલમે

Join WhatsApp

Join Now

Leave a Comment