કુદરતે આપણને સમજાવેલ છે કે ઘઉં, ચોખા, બાજરી જેવા અનાજ વર્ગના પાકમાં ખેતીમાં પાક તૈયાર થાય એટલે દાણા સુકાવાની પ્રક્રિયા થાય છે. જે કુદરતી ઘટના છે. સારી રીતે સુકાયેલો દાણો આપણે આખુ વર્ષ ખાઈ શકીએ છે. એટલે કે કુદરતે આપણને સમજાવ્યુ છે કે ખેતીની કોઈ પણ પેદાશને સુકવણી કરવાથી એટલે કે ડિહાઈડ્રેશન કરવાથી એને લાંબો સમય સુધી સ્ટોર કરીને ખાઈ શકાય છે અને અન્ય ઉપયોગમાં પણ લઈ શકાય છે.
ભારતના આજના સમયમાં ખેડૂતોની વિવશતા એવી છે કે શાકભાજી અને ફળોનો પાક વાતાવરણની સાથે તાલ મેળવીને એક જ માસમાં એકસાથે આખા ખેતરમાં પાક તૈયાર થઈ જાય છે, એટલે એકસાથે તૈયાર થયેલો માલ જ્યારે માર્કેટમાં વેચાવા આવે છે ત્યારે ખરીદદારીના અભાવે સપ્લાય વધુ અને ડિમાન્ડ ઓછીના વેપારના સિદ્ધાંતના કારણે ખેડૂતોને તળિયાના ભાવો મળે છે. એટલે ભારતમાં ખેતી નફાકારક નથી. આજના સમયમાં ટેક્નોલોજીએ એટલો સરસ વિકાસ કરેલ છે કે ખેડૂતો માત્ર ખેતી ન કરતા પોતાની પેદાશને એક જ સાથે બજારમાં ન વેચતા સુકવણી એટલે કે ડિહાઈડ્રેશન કરીને થોડો થોડો કરીને પોતાનો વિશાળ જથ્થાનો માલ બજારમાં વેચવાથી એને સારી બજાર કિંમત પણ મળે છે અને લાંબા સમય સુધી વેચાણની તક મળે છે.
ખેડૂતોએ હવે સમજવુ અને શીખવુ પડશે કે ડિહાઈડ્રેશનની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાના શાકભાજી અને ફ્રૂટ્સને પોતાના જ ખેતરમાં કુદરતી રીતે સોલાર ઉર્જાની મદદથી સુકવણી કરીને, કારણ કે ખેડૂત પાસે જમીન પણ છે અને સૂર્ય ઉર્જા પણ છે એટલે પોતાના શાકભાજી અને ફળોને પોતે જાતે જ સુકવણી કરીને ચિપ્સ કે પાવડર બનાવીને સાચવવાની જરૂર છે અને થોડો થોડો માલ કરીને બજારમાં સમયાંતરે વેચવાથી ખેડૂતોને એની સારી બજાર કિંમત પણ લાંબા સમય સુધી મળે છે.
ભારતમાં થતા પરંપરાગત કેરી, ચીકુ, જામફળ, શેતુર, જાંબુ, કેળા, કોઠા જેવા વિપુલ માત્રામાં થતા રોજિંદા ફળોને સિઝન દરમિયાન ડિહાઈડ્રેટ ખૂબ જ સરળ રીતે ખેડૂત પોતાના ખેતરમાં જ સૂર્યઉર્જાની મદદથી કરી શકે છે. ટામેટા, તમામ પ્રકારની ભાજી, કોબીજ, ફુલાવર, મોરિંગા, કંદમૂળ, મરચા-આદુ જેવા મસાલા પાકો પોતાના જ ખેતરમાં સુકવણી કરીને ડિહાઈડ્રેટ આસાનીથી કરી શકે છે.
ડુંગળી, લસણ, ટામેટા માટે ટ્રે ડ્રાયિંગ કે સ્પ્રે ડ્રાયિંગનો ઉપયોગ કરી શકાય છે. જેના માટે માત્ર એક ટ્રેની જરૂર રહે છે. સૂર્ય ઉર્જા કે ઈલેક્ટ્રિક ડ્રાયિંગનો પણ ઉપયોગ કરી શકાય છે. જો કમર્શિયલ વેચાણ માટે મોટા જથ્થો હોય તો ઈલેક્ટ્રિક ડ્રાયિંગનો ઉપયોગ વધારે ઝડપી અને ફાયદાકારક છે.
21 મી સદીમાં યુરોપ-અમેરિકા જેવા પશ્ચિમના ખંડ અને દેશોમાં જ્યાં હાઈટેક અને સુપરફાસ્ટ જિંદગીમાં કોઈ પણ ફોરેનર્સને ઘરે રસોઈ કરવી નથી અને રેડી ટુ કુક અને રેડી ટુ ઈટ ફૂડની જરૂર હોય છે ત્યારે ત્યાં આ પ્રકારની પ્રોડ્ક્ટ્સ ખેડૂતને આર્થિક રીતે ખૂબ સારો એવો ફાયદો કરાવી શકે છે. જાપાન અને સિંગાપોર જેવા દેશો કે જ્યાં ખેતપેદાશો થતી જ નથી, ત્યાં આ પ્રકારની ફૂડ આઈટ્મ આશીર્વાદ સમાન થઈ રહે છે. એટલે કે ડિહાઈડ્રેટેડ પ્રોડ્ક્ટ્સની આવા દેશમાં નિકાસ પણ કરી શકાય છે.
આજના સમયના ખેડૂતના બાળકોએ ભણીગણીને કુદરતે શીખવેલી અનાજને સુકવણી કરીને એક વર્ષ સુધી ખાવાની જે અમૂલ્ય જ્ઞાન આપણને આપેલ છે તે જ્ઞાનનો ડિહાઈડ્રેશન ટેકનોલોજી થકી ઉપયોગ કરીને પરંપરાગત દાદા, પરદાદા અને પિતાજીએ કરેલ ખેતીમાં ભણતરનો ઉપયોગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતે ઉપજની સારી કિંમત અને પોતે પગભર થવા માટે ડિહાઈડ્રેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તાતી જરૂરિયાત છે. જેથી કરીને બાપદાદાઓએ કરેલી કાળી મજૂરીનું ફળ તેમને નહોતુ મળતુ, તે નવી પેઢી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લઈ શકે છે.
દરેક ખેડૂતે ખેતીમાં મશિનરી, ડ્રિપ ઈરિગેશન, ફુવારા પદ્ધતિ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો પ્રોડક્શન માટે ઉપયોગ કરવો જોઈએ. એવી રીતે વધુ એક ટેકનોલોજી તૈયાર ખેતપેદાશોને પણ ટેકનોલોજી દ્વારા ડિહાઈડ્રેશન દ્વારા એક પગલુ વધુ ઉપર ચઢવુ પડશે. તો જ સ્વાવલંબી બની શકાશે.
આજના ગુગલના જમાનામાં તમે સર્ચ કરો તો મોટાભાગના ફળો અને લગભગ બધા જ શાકભાજી અને ભાજીપાલા પણ કટિંગ કરીને સૂર્ય ઉર્જાની મદદથી સુકવણી કરી શકાય છે. પદાર્થમાંથી 80 ટકા કરતા વધારે ભેજ ઉડી જાય એટલે એમાં બેક્ટેરિયલ પ્રોસેસ કે તે બગડવાની ક્રિયા થતી નથી. એટલે સુકવણી બાદ સારી રીતે પેકિંગ કરીને એને લાંબો સમય સુધી સાચવી અને ખાઈ શકાય છે.
ભારતના મેટ્રો સિટી જેવા કે દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, ચંદીગઢ, અમદાવાદ જેવા શહેરોમાં કે જ્યાં રોજિંદી ભાગદોડમાં તાજા શાકભાજી લાવીને તેને સાફ કરવાની કંટાળાજનક ઝંઝટમાંથી મુક્તિ મેળવવી હોય તો આ ડિહાઈડ્રેટેડ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.













