ભારતમાં ભલે 5G નેટવર્કે પગપેસારો કરી લીધો છે, પરંતુ હજુ પણ ભારતમાં એવા કેટલાય ગામડા અને ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ઈન્ટરનેટ પહોંચાડવુ એ લોઢાના ચણા ચાવવા સમાન છે. આ પ્રકારના અંતરિયાળ વિસ્તારો, રણ વિસ્તારના ગામડાઓ, સમુદ્રી સ્થળો, દ્વીપ જેવા ક્ષેત્રોમાં ઈન્ટરનેટ સેવાઓ મળી રહે તે માટે રિલાયન્સ જિઓ નવા સેટેલાઈટ અવકાશમાં છોડવાની તૈયારી કરી રહ્યુ છે. રિલાયન્સ જિઓએ 1600 સેટેલાઈટ છોડવાની અને 23 ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની યોજના જાહેર કરી છે.
ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈલોન મસ્કના આરોપ પર જણાવ્યુ હતુ કે, ભારત કોઈ પણ ક્ષેત્રમાં મોનોપોલીનો સ્વીકાર કરતુ નથી. અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ભારતમાં સ્ટારલિંકની સ્થાપના માટે આવતા અવરોધોને લઈને આરોપ મુક્યા છે. જેને લઈને ફરીથી ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સરકારે ઈલોન મસ્કની સ્ટારલિંકની સાથે રિલાયન્સ ગૂ્રપની જિયો અને ભારતી જૂથની યુલેટસેટ વનવેબને સેટેલાઈટ ઈન્ટરનેટનું લાઈસન્સ આપ્યું છે.
રિલાયન્સ જિઓ 2027માં પ્રથમ ટેસ્ટ લોન્ચ કરશે, અને 2035 સુધીમાં લગભગ 1,600 સેટેલાઈટ્સની સંપૂર્ણ કન્સ્ટેલેશન તૈયાર કરવાની યોજના છે. શરૂઆતમાં 90–100 સેટેલાઈટ્સ મૂકીને 2028થી ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ થશે. પ્રસ્તાવિત યોજનામાં લગભગ ૧,૬૦૦ લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ પણ સામેલ છે. આ સેટેલાઈટ પૃથ્વીની નીચલી કક્ષામાં રહીને નેટવર્ક કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. આ નેટવર્કને જમીન પર હયાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડવા માટે ભારતમાં ૨૩ ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની પણ કંપનીની યોજના છે. આ સ્ટેશન સેટેલાઈટ નેટવર્ક અને ધરતી પરના વર્તમાન કમ્યુનિકેશન સિસ્ટમ વચ્ચે કડીનું કામ કરશે.
ભારતના અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પહોંચાડવી એ ખર્ચાળ અને મુશ્કેલ પ્રક્રિયા છે. સેટેલાઈટ બનાવવો, અવકાશમાં લૉન્ચ કરવો અને તેના માટેનું ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ ખર્ચાળ છે. સ્પેક્ટ્રમ અને ઓર્બિટલ સ્લોટ્સ માટે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન પાસેથી મંજૂરી પણ લેવી પડે છે.











