Air India Ahmedabad hijack signal: જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી Air India ની ફ્લાઈટ AI 2030 માં આજે સવારે વિચિત્ર ઘટનાને કારણે ચર્ચામાં આવી છે. ફરી એક વખત ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવીવની ફ્લાઈટ જેવી ઘટના થતા રહી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટને દિલ્હીના બદલે જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ. ફ્લાઈટમાંથી અમદાવાદ ATC ને હાઈજેકનો કોડ મોકલવામાં આવ્યો હોવાના કારણે ફ્લાઈટને જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.
અમદાવાદ ATC ને મળ્યા હતા સિગ્નલ
અમદાવાદ ATC દ્વારા જયપુર ATC ને માહિતી મોકલવામાં આવતા ફ્લાઈટને જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ. ફ્લાઈટ જેવી ભારતના એરસ્પેસમાં પ્રવેશી તેવા તરત જ હાઈજેકના સિગ્રનલ મળતા થોડા સમય માટે અફરા-તફરી મચી જવા પામી હતી.
જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી
વિમાને 13 ઓક્ટોબર 9.45 ના રોજ જર્મનીના ફ્રેન્કફર્ટથી ઉડાન ભરી હતી અને 14 ઓક્ટોબર સવારે 10.40 વાગ્યે દિલ્હી લેન્ડિંગ કરવાની હતી ફ્લાઈટ, પરંતુ આ ફ્લાઈટમાંથી હાઈજેકિંગનો કોડ મળતા તેને દિલ્હીને બદલે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયુ હતુ. 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઈટમાંથી પણ હાઈજેકનો કોડ 7500 મોકલવામાં આવ્યો હતો. જો કે આ વિમાનને કો-પાયલટે હાઈજેક કરી અને ક્રેશ કરવાનો પ્લાન ઘડ્યો હતો, જે કેપ્ટન સ્મિત મચ્છરે નિષ્ફળ બનાવી દીધો હતો.
શરૂઆતમાં બોમ્બની આશંકા વ્યક્ત કરાઈ હતી
ફ્લાઈટ AI 2030 નું ઈમરજન્સી લેન્ડિંગ બાદ શરૂઆતમાં બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે બાદમાં તેવુ સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે આ કોઈ બોમ્બ હોવાની ધમકી નહી, પરંતુ હાઈજેક સંબંધિત સિગ્નલ મોકલવામાં આવ્યુ હતુ. એરપોર્ટ અધિકારીએ જણાવ્યુ હતુ કે હજુ આ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ ચાલુ છે અને હાલમાં કંઈ કહેવુ એ ઉતાવળિયુ બની રહેશે. ફ્લાઇટની તપાસ બાદ એજન્સીઓએ તેને દિલ્હી જવાની મંજૂરી આપી દીધી છે
જયપુર એરપોર્ટ ખાતે સઘન તપાસ કરાઈ
જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફ્લાઈટને સલામત લેન્ડિંગ કરાવ્યા બાદ CISF, રાજસ્થાન પોલીસ, બોમ્બ સ્કવોડની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. મુસાફરોના સામાનમાં પણ ઝીણવટભર્યુ ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને પણ ઘટના અંગે માહિતગાર કરવામાં આવી હતી. મુસાફરો અને ક્રુ મેમ્બર્સને સલામત ફ્લાઈટ બહાર કાઢી એરપોર્ટના હોલ્ડિંગ એરિયામાં લઈ જવામાં આવ્યા હતા.
ફ્લાઈટમાં સવાર તમામ 306 મુસાફરો સુરક્ષિત
જયપુર એરપોર્ટના વડા ચરણસિંહે જણાવ્યુ હતુ કે ફ્લાઈટમાં સવાર તમામ 306 મુસાફરો સુરક્ષિત છે અને સવારે 9.35 એ તેમનું સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ. મુસાફરોને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે.
ફ્લાઈટના પાયલટથી ભૂલથી સિગ્નલ મોકલાયાની આશંકા
આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ પ્રકારે સામે આવી રહી છે કે ફ્લાઈટના પાયલટથી ભૂલથી હાઈજેકિંગનો કોડ મોકલી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ ઘટના પાછળની હકીકત જાણવા માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન અને ઉડ્ડયન સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાને હવામાં અચાનક ‘Squawk 7500’ કોડ ટ્રાન્સમિટ કર્યો હતો. આ ચેતવણી અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને મોકલવામાં આવી હતી. વિમાન ઉડ્ડયન ક્ષેત્રે ‘Squawk 7500’ એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત એવો ટ્રાન્સપોન્ડર કોડ છે, જેનો ઉપયોગ પાયલટ ત્યારે જ કરે છે જ્યારે વિમાન હાઇજેક થયું હોય અથવા પ્લેનમાં કોઈ ગેરકાયદેસર દખલગીરી થઈ રહી હોય. મુસાફરોના જણાવ્યા મુજબ, આ ઘટનાને કારણે વિમાનમાં સવાર તમામ લોકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.














