SIR વિવાદ વચ્ચે મતદારયાદી અપડેટનો ચૂંટણી પંચનો આદેશ

ચૂંટણીપંચે SIR વિવાદ વચ્ચે મતદારયાદીને લઈ નવો આદેશ બહાર પાડ્યો છે. ગુજરાત, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે મતદાર યાદીનું સ્પેશિયલ સમરી રિવિઝન SSR કરાવવાનો આદેશ આપ્યો છે. જેના હેઠળ મતદારયાદી અપડેટ થશે. નવા નામ ઉમેરવામાં આવશે અને પહેલા નોંધાયેલી માહિતીમાં ભૂલો સુધારવામાં આવશે. 1 જાન્યુઆરી 2027 સુધીમાં 18 વર્ષ પૂરા કરનાર યુવાનો પણ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અરજી કરી શકશે.

આ આદેશ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને વિવાદ અને વિરોધ વચ્ચે આવ્યો છે. SIR દરમિયાન 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 13 કરોડ નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ચાલી રહ્યું છે અથવા તાજેતરમાં પૂર્ણ થયું છે, ત્યાં SSRનું શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચ મુજબ, SSRનો હેતુ મતદાર યાદીમાં પાત્ર લોકોનાં નામ ઉમેરવાનો, અગાઉથી નોંધાયેલી માહિતીમાં થયેલી ભૂલો સુધારવાનો અને યાદીને અપડેટ રાખવાનો છે. તેમાં ખાસ કરીને યુવાનો અને પહેલીવાર મતદાન કરનારા લોકોને સામેલ કરવા પર ભાર મૂકવામાં આવશે.

ચૂંટણી પંચે SSR માટે તારીખો નક્કી કરી છે. આના હેઠળ 2 નવેમ્બર 2026 સુધીમાં મતદાન મથકોની વ્યવસ્થામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. ત્યારબાદ 12 નવેમ્બરે મતદાર યાદીની ડ્રાફ્ટ કોપી જાહેર થશે. ડ્રાફ્ટ લિસ્ટમાં નામ અથવા માહિતી અંગે 12 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી દાવાઓ અને વાંધાઓ નોંધાવી શકાશે. એનો નિકાલ 28 ડિસેમ્બર સુધીમાં કરવામાં આવશે. ત્યારબાદ 4 જાન્યુઆરી 2027ના રોજ મતદાર યાદીની આખરી સૂચિ જાહેર થશે.

પંચે મતદાન મથકોની સંખ્યા અને તેમના સ્થળોની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા છે. સામાન્ય રીતે એક મતદાન મથક પર 1,200થી વધુ મતદારો હોવા જોઈએ નહીં. જરૂર પડ્યે નવા મતદાન મથકો બનાવવામાં આવી શકે છે. અધિકારીઓને મતદાન મથકોનું નિરીક્ષણ કરવા અને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે મતદાતાઓને ત્યાં પહોંચવા માટે બે કિલોમીટરથી વધુ અંતર કાપવું ન પડે. હાઇરાઇઝ સોસાયટીઓ, રહેણાંક કોલોનીઓ અને શહેરી ઝૂંપડપટ્ટીઓમાં પણ નવા મતદાન મથકોની જરૂરિયાતનું આકલન કરવામાં આવશે.

SSRની પ્રક્રિયા એવા સમયે ચાલી રહી છે, જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, અને ગોવામાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પાંચેય રાજ્યોમાં પણ SSRના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશની 403 બેઠકો ધરાવતી વિધાનસભાનો કાર્યકાળ 22 મે 2027ના રોજ સમાપ્ત થશે. મણિપુરની 60, ગોવાની 40, પંજાબની 117 અને ઉત્તરાખંડની 70 બેઠકો ધરાવતી વિધાનસભાઓનો કાર્યકાળ માર્ચ 2027માં અલગ-અલગ તારીખે સમાપ્ત થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment