બાળકોને ઈન્ટરનેટ વપરાશને લઈને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઈન્ટરનેટ આજના સમયમાં વિજળી અને પાણીની જેમ આવશ્યક થઈ ગયુ છે. 21 મી સદીમાં સામાન્ય જનજીવન માટે ઈન્ટરનેટ અનિવાર્ય માધ્યમ બની ગયુ છે. ટિકીટ બુકિંગથી લઈ પેમેન્ટ કરવા સુધી તદુપરાંત સ્વજનો સાથે વાત કરવા માટે પણ ઈન્ટરનેટ જરૂરી છે.
સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે ઇન્ટરનેટ એક્સેસને ફંડામેન્ટલ રાઇટ ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે બાળકો સહિત તમામ નાગરિકો માટે ઇન્ટરનેટ મેળવવું એ મૌલિક અધિકાર છે. પોતાના આ મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના આર્ટિકલ 19 અને આર્ટિકલ 21નો ખાસ ઉલ્લેખ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાળકોની સુરક્ષાના નામે તેમને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે વંચિત રાખી શકાય નહીં. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે નોંધ્યું કે બાળકોની સુરક્ષા અને તેમની સ્વતંત્રતા એકબીજાના વિરોધમાં નથી, પરંતુ બાળકો બંનેનો અધિકાર ધરાવે છે.
બેન્ચે જણાવ્યું કે ઇન્ટરનેટ સુધી પહોંચવાનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 અને અનુચ્છેદ 19(1)(A) હેઠળ સંરક્ષિત છે. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં માત્ર પોતાની વાત કહેવાનો જ નહીં, પરંતુ માહિતી મેળવવાનો, વિચારો જાણવાનો અને માહિતીની આપ-લે કરવાનો અધિકાર પણ શામેલ છે.
બાળકો માટે ઈન્ટરનેટ અતિમહત્વનું છે. બાળકોની વિચારશક્તિ, સર્જનાત્મક શક્તિ, અભિવ્યક્તિનું એક મોટુ માધ્યમ છે ઈન્ટરનેટ. બાળકો માટે ઇન્ટરનેટ શીખવા અને માહિતી મેળવવાનો એકમાત્ર સ્ત્રોત હોઈ શકે છે. આ ઉપરાંત, વિશેષ જરૂરિયાતો ધરાવતા (દિવ્યાંગ) બાળકો માટે પણ ઓનલાઇન ફોરમ ખૂબ મહત્વપૂર્ણ છે. આ માધ્યમથી તેઓ સમાન પરિસ્થિતિ ધરાવતા અન્ય લોકો સાથે જોડાઈ શકે છે અને દોસ્તી તથા સંવાદની તકો મેળવી શકે છે.










