હુથીઓનો સાઉદીના તેલ ઠેકાણા અને એરપોર્ટ પર હુમલાનો દાવો

Hoothies attack in Saudi Airports and Oil Facilities: યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર મોટાપાયે હુમલો કર્યાનો દાવો કર્યો છે. હુથીઓ દ્વારા નિવેદન જાહેર કરીને આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. તેમણે સાઉદી અરેબિયાના પાંચ મહત્વપૂર્ણ સ્થળોને ટાર્ગેટ બનાવ્યા હોવાની વાત કરી હતી. પાંચ મથકોને ડ્રોન અને મિસાઈલ દ્વારા નિશાન બનાવ્યા હતા. હુથીઓના આ દાવા પર સાઉદી દ્વારા સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના તેલ મથકો અને એરપોર્ટ પર હુમલો કર્યો હતો. સાઉદી તેલ કંપનીનું અરામ્કોનું યાન્બુ મથક, રાબિગ તેલ રિફાઈનરી, રિયાધ, દમામ અને નજરાન એરપોર્ટ પર અટેક કરવામાં આવ્યો હતો. સાઉદી સિવિલ ડિફેન્સે પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા અને મદીના તરફ છોડવામાં આવેલી 2 બેલેસ્ટિક મિસાઈલને આકાશમાં જ તોડી પાડી હતી. આ મિસાઈલોનો કાટમાળ મક્કા નજીકના વાદી અલ મુગમસ વિસ્તારમાં પડ્યો હતો.

રાજધાની રિયાધ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, દમામનું કિંગ ફહાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, નજરાન એરપોર્ટ અને ખમીસ મુશૈતના એરબેઝ પર હુથીઓ દ્વારા અટેક કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. આ મહિને હુથીઓ દ્વારા સાઉદી પર 6 મોટા હુમલા કરવામાં આવ્યા છે. 10 ઓક્ટોબરે રિયાધ એરપોર્ટ પર કરવામાં આવેલા હુમલામાં 13 ના મોત થયા છે.

હુથીઓની સેનાએ અદનમાં સૈન્ય કેમ્પ અને નૌસેનાના અડ્ડાને જ્યાં સાઉદી સેનાની દેખરેખ હતી તેને નિશાન બનાવ્યા. અદન એ યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારનું વચગાળાનું કેન્દ્ર છે. અહીં તાજેતરના દિવસોમાં પણ હુમલા થયા છે. 15 ઑક્ટોબરે અદનમાં રાષ્ટ્રપતિ ભવન પરિસર પર મિસાઇલ હુમલો થયો હતો. યમનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમાં પાંચ લોકોનાં મોત થયાં અને 16 લોકો ઘાયલ થયા. વડાપ્રધાન શાયા અલ-જિંદાની અને સરકારના અન્ય અધિકારીઓ સુરક્ષિત રહ્યા. 16 ઑક્ટોબરે અદન એરપોર્ટ પરિસરમાં પણ બે મિસાઇલો પડી હતી. યમનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિસાઇલો કાહિરા જવા માટે તૈયાર એક મુસાફર વિમાનથી આશરે 500 મીટર દૂર પડી હતી. આ ઘટનામાં કોઈનાં મોત કે ઘાયલ થયાના અહેવાલ નથી.

જો હુમલાની પુષ્ટિ થાય તો મિડલ ઈસ્ટમાં સંઘર્ષ ફરી તેની ચરમસીમાએ પહોંચી જશે અને વિશ્વમાં તેલ સપ્લાય પર અસર થશે. સાઉદી અરેબિયા વિશ્વના અગ્રણી ક્રૂડ ઓઈલ ઉત્પાદકો પૈકીનું એક હોવાથી તેના તેલ મથકો અને એરપોર્ટ પર જોખમ ઊભું થતાં વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાઈ જવાની અને તેલના ભાવ ભડકે બળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે આ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

હુથી યમનનું એક સશસ્ત્ર સંગઠન છે, જેને ‘અંસાર અલ્લાહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે યમનની રાજધાની સના સહિત દેશના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવે છે. હુથીઓનો આરોપ છે કે યમનમાં સાઉદી અરેબિયાના સૈન્ય હસ્તક્ષેપને કારણે સામાન્ય લોકોને મોટો ભોગ બનવું પડ્યું છે. બીજી તરફ સાઉદી અરેબિયા આ જૂથની વધતી સૈન્ય તાકાતને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો માને છે.

આ સંઘર્ષની શરૂઆત યમનના ગૃહયુદ્ધથી થઈ હતી. યમનમાં હુથીઓએ 2014માં રાજધાની સના પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ 2015માં સાઉદી અરેબિયાએ અનેક દેશો સાથે મળીને તેમની વિરુદ્ધ સૈન્ય અભિયાન શરૂ કર્યું. સાઉદી અરેબિયા ઇચ્છતું હતું કે, યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર ફરીથી સત્તામાં આવે અને હુથીઓનો કબજો સમાપ્ત થાય. ત્યારબાદ ઘણા વર્ષો સુધી યમનમાં હવાઈ હુમલા થતા રહ્યા. પરંતુ હુથીઓને સંપૂર્ણપણે પાછળ ધકેલવામાં સાઉદી ગઠબંધન સફળ થઈ શક્યું નહીં. હુથી હજુ પણ યમનના મોટા ભાગમાં પોતાની પકડ જાળવી રાખી રહ્યા છે. તેમની લડાઈની અસર હવે સાઉદી અરેબિયાની સુરક્ષા પર પણ પડી રહી છે.

પશ્ચિમ એશિયામાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે લાંબા સમયથી સ્પર્ધા ચાલી રહી છે. ઈરાનને હુથી બળવાખોરોનું મુખ્ય પ્રાદેશિક સમર્થક માનવામાં આવે છે, જે તેમને હથિયાર, ટેકનિકલ સહાય અને ડ્રોન ટેક્નોલોજી પૂરી પાડતું હોવાના આક્ષેપો છે. આ પ્રાદેશિક હરીફાઈને કારણે યમનનું આંતરિક યુદ્ધ હવે આખા મિડલ ઈસ્ટ માટે સુરક્ષાનો મોટો પ્રશ્ન બની ગયું છે.

Join WhatsApp

Join Now

Leave a Comment