કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ 3 ટકા વધારી 63 ટકા કર્યુ, લાખો કર્મચારીઓને આનંદો

સરકારી નોકરી કરતા લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ (8th Pay Commission)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પગારપંચ માત્ર દર મહિને હાથમાં આવતા પગારમાં જ વધારો નથી કરતું, પરંતુ તે તમારા ભવિષ્યની બચત, મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA) અને નિવૃત્તિ પછી મળતા પેન્શનનો પાયો પણ મજબૂત કરે છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે. કેબિનેટ બેઠકમાં DA વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો. 8મા વેતન પંચના અમલ પહેલાં થયેલા આ વધારા બાદ મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% થઈ જશે. તેનાથી આશરે 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને લાભ થશે. નવા દરો 1 જુલાઈથી લાગુ માનવામાં આવશે.

આ પહેલાં સરકારે એપ્રિલ મહિનામાં કર્મચારીઓના DA અને પેન્શનધારકો માટે મોંઘવારી રાહત (DR)માં 2 ટકાનો વધારો કર્યો હતો. તે વધારા સાથે DAનો દર 60% પર પહોંચી ગયો હતો. હવે 3 ટકાના તાજા વધારા બાદ આ આંકડો 63% થઈ ગયો છે. સરકારના આ નિર્ણયથી તહેવારોની મોસમમાં કર્મચારીઓ અને પેન્શનધારકોને સીધો આર્થિક લાભ મળશે અને પાછલા મહિનાઓનું એરિયર્સ પણ ખાતામાં જમા થશે.

કર્મચારી સંગઠનોએ બજારમાં સતત વધતી મોંઘવારીનો સામનો કરવા માટે બેઝિક પગારમાં મોટા વધારાની માંગ કરી છે. આ માટે બે અલગ-અલગ દરખાસ્તો કમિશન સમક્ષ મૂકવામાં આવી છે. નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) દ્વારા લઘુત્તમ બેઝિક પગાર ₹69,000 અને ફિટમેન્ટ ફેક્ટર 3.833 કરવાની રજૂઆત કરવામાં આવી છે.ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ (BPMS) દ્વારા લઘુત્તમ બેઝિક પગાર ₹72,000 અને ફિટમેન્ટ ફેક્ટર 4ની માંગ કરવામાં આવી છે. આ સાથે જ બંને સંગઠનોએ દર વર્ષે મળતા વાર્ષિક ઇન્ક્રીમેન્ટ (વધારા)નો દર હાલના 3%થી વધારીને 6% કરવાની પણ મજબૂત માંગ કરી છે. જોકે, આ માત્ર દરખાસ્તો છે અને પંચ દ્વારા હજુ સુધી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. અહીં નોંધવું જરૂરી છે કે 7મા પગાર પંચ મુજબ હાલનો લઘુત્તમ બેઝિક પગાર માત્ર ₹18,000 છે. જો નવી માંગણીઓ સ્વીકારાય તો શરૂઆતના પગારમાં જ 3થી 4 ગણો ઉછાળો આવી શકે છે.

કેન્દ્ર સરકાર દર વર્ષે કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં બે વખત સુધારો કરે છે. પહેલો સુધારો સામાન્ય રીતે જાન્યુઆરીથી અને બીજો જુલાઈથી લાગુ થાય છે. આ જાહેરાત જુલાઈના છમાસિક સમયગાળા માટે કરવામાં આવી છે. સરકાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI-IW)ના આંકડાઓના આધારે મોંઘવારીનું મૂલ્યાંકન કરે છે અને તે જ પ્રમાણમાં ભથ્થાં વધારવાનો નિર્ણય લે છે.

ડિયરનેસ અલાઉન્સ (DA) એટલે કે મોંઘવારી ભથ્થું, સરકારી કર્મચારીઓના જીવનનિર્વાહના ખર્ચને સંતુલિત કરવા માટે આપવામાં આવતું અલાઉન્સ છે. તે કર્મચારીના મૂળ પગારની ટકાવારી તરીકે નક્કી કરવામાં આવે છે. જ્યારે, ડિયરનેસ રિલીફ (DR) પણ આ જ પ્રકારનો લાભ છે, જે નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરોને તેમના મૂળ પેન્શન પર આપવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ વધતી મોંઘવારી અને રોજિંદી ચીજવસ્તુઓના વધતા ભાવોની અસરને ઘટાડવાનો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment