નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવ્યા બાદ અસરકારક કામગીરી શરૂ કરી છે. કેન્સર વિરોધી 543 દવાઓના મહત્તમ રિટેલ ભાવમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડેલા ભાવ 1 નવેમ્બરથી અમલમાં આવશે. કેન્સરની દવાના રીતસરની લૂંટ મચાવતા ભાવોને લઈને સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યુ હતુ, કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકારની સૂચનાના આધારે NPPA એ આ પગલુ લીધુ છે. તેની સાથે કેન્દ્રએ પણ કેન્સરની દવાઓના માર્જિન 30 ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય પણ લીધો છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી સુધારેલી દવાઓની યાદીનું પ્રતિબિંબ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 27 ઓક્ટોબર 2026થી અમલી બનાવવાનું શરુ કરવું પડશે. તેના પછી તેણે કેન્સરવિરોધી દવાઓના ભાવમાં સુધારો કરવો પડશે, એમ રસાયણ અને ખાતર મંત્રલયના ફાર્માસ્યુટિકલ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું. આમ એનપીપીએ કેન્સરની દવાઓના ભાવમાં 80 થી 90 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
આ ભાવઘટાડો એનપીપીએ 17 ઓક્ટોબરના રોજ 137 કેન્સર વિરોધી દવાઓના ટ્રેડ માર્જિન નક્કી કર્યા પછીનું બીપું પગલું છે. સત્તાવાર યાદી મુજબ કેટલીક કેન્સર વિરોધી દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય તેમ મનાય છે. આરપીજી લાઇફ સાયન્સ લિમિટેડની પાંચ એમએલ વાયલનો ભાવ રૂ. 26,072થી ઘટીને રૂ. 5491 થશે. જ્યારે એબોટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડની બેવાસિજેબ (4 એમએલ વાયલ)નો ભાવ રૂ. 21,767 થી ઘટીને રૂ 5930 થશે.
આરપીજી લાઇફ સાયન્સીઝની ઇન્યુટાના 28 કેપ્સ્યુલ્સનો ભાવ રૂ. 6578 થી ઘટીને રૂ. 2232 થશે. જ્યારે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝની એઝાસિટિન (પેક-10નો ભાવ પણ રૂ. 6337 થી ઘટીને રૂ. 1495 થશે. આ ઉપરાંત નેટકો ફાર્માની ડેસન્ટ 20ના 60 ટેબ્લેટના પેકનો ભાવ રૂ. 2812 થી ઘટીને રૂ. 1085 થશે. એનારઝોલની કિંમત રૂ. 695 થી ઘટાડીને રૂ. 73 કરવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે ટ્રેડ માર્જિન સીમા નક્કી કરવાનો અને કિંમતોની સમીક્ષા કરવાનો હેતુ દર્દીઓ સુધી જરૂરી દવાઓ વધુને વધુ વાજબી ભાવે પહોંચાડવાનો છે. નવા દર લાગુ થયા પછી આખા દેશમાં કેન્સરની સારવાર સાથે જોડાયેલી દવાઓ પહેલાની તુલનાએ ઘણા ઓછા ભાવે હાજર રહેશે
કેન્સરની દવાઓના ભાવમાં ઘટાડા છતાં સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક અત્યંત મોંઘી દવાઓની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં ઇમ્યુનોથેરાપીની દવા કીટ્રુડા પણ સામેલ છે. કીટ્રુડાનો ઉપયોગ 21થી વધુ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. હજુ પણ તેની કિંમત 2,16,500 રૂપિયા જ છે. સ્તન કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી રિબોસાયક્લિબની કિંમત પણ 24,435 રૂપિયા પર જ સ્થિર છે. ટેગ્રિસો, ટેસેન્ટ્રિક, ડાર્ઝાલેક્સ અને ઇમ્ફિંજી જેવી દવાઓની કિંમતોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કેન્સરની દવાઓની કિંમતોમાં તફાવતનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ ઉઠ્યો હતો. 29 સપ્ટેમ્બરે એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે 2,700 રૂપિયાની કેન્સરની દવા પર MRP 27,000 રૂપિયા કેમ છે. કોર્ટે દવાઓની કિંમતો પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ નરસંહાર છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે દવાઓની કિંમત અને જેનેરિક દવાઓ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરી હતી. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે દવાની ખરીદી કિંમત અને દર્દી પાસેથી વસૂલવામાં આવતી રકમ વચ્ચેનો આટલો મોટો તફાવત કેવી રીતે યોગ્ય ઠેરવી શકાય. આ મામલે કોર્ટે દર્દીઓ પર સારવારના વધતા આર્થિક બોજ અને દવાઓની કિંમતોને નિયંત્રિત કરવાની વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે જ્યારે કેન્સરની દવાઓ પર માર્જિન નક્કી કરી શકાય છે, તો અન્ય દવાઓની કિંમતો પર નિયંત્રણ કેમ નથી.












