Air companies Can Increase/Decrease Prices: હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 1 જાન્યુઆરી, 2027થી હવાઈ મુસાફરી મોંઘી બનશે. કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડ્યુ છે. નવા નિયમો પ્રમાણે 1 જાન્યુઆરી, 2027થી કેન્દ્ર સરકાર એરલાઈન્સના ભાડા બાબતે દખલગીરી નહી કરે. ટિકિટના દર વધારવા કે ઘટાડવા અંગે એરલાઈન્સ કંપનીઓ વચ્ચે સરકારે દખલગીરી કરવાની મનાઈ કરી દીધી છે. સાથે જ એરલાઈન્સ કંપનીઓ પોતાનો સંચાલન ખર્ચ ધ્યાનમાં રાખીને મરજી પ્રમાણે ભાડું નક્કી કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવશે.
સરકારે નોટિફિકેશન બહાર પાડી સ્પષ્ટતા કરી
કેન્દ્ર સરકારે ઈન્ડિયન એવિએશન રૂલ્સ 2026નું નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે. નવી એરફેર પોલિસી 1 જાન્યુઆરી, 2027થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ નિયમો બાદ સરકાર તરફથી એરલાઈન્સ પર ભાડુ વધારવા કે ઘટાડવા પર દબાણ રહેશે નહી. જો અસાધારણ પરિસ્થિતિ સર્જાય તો સરકાર હસ્તક્ષેપ કરી શકે છે. નવા નિયમો હેઠળ ભાડુ વસૂલવા અંગે છૂટ મળશે, પરંતુ પારદર્શિતા જાળવવાની કડક સૂચના આપવામાં આવી છે.
પારદર્શિતા જાળવવા DGCA ને સંપૂર્ણ વિગતો આપવાની રહેશે
એરલાઈન્સે પોતાના ઓપરેશનલ ખર્ચ મુજબ ભાડુ વસૂલવાનું રહેશે અને તેની વિગતો DGCA ને આપવાની રહેશે. ગ્રાહકોને પારદર્શિતા અંગે જાણ થાય તે માટે ભાડા અંગેનું માળખુ ઓફિશિયલ વેબસાઈટ પર મુકવાનું રહેશે. બેઝફેર, વિવિધ ટેક્સ, અન્ય ફી, કેન્સલેશન ચાર્જ, રિફંડની તમામ વિગતો પણ દર્શાવવાની રહેશે. એરલાઈન્સ કંપનીઓના સંચાલન ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ચાર્જમાં સતત વધારો થઈ રહ્યો છે.











