Rajasthan 8 Labour Died: રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં કમકમાટીભરી ઘટના સામે આવી છે. ઉદયપુરવાટી વિસ્તારના છાપોલી ગામમાં આજે સવારે રસ્તો બનાવી રહેલા 8 શ્રમિકોના વીજ કરંટ લાગવાથી મોત થયા છે. ઉપરાંત 5 લોકો પણ દાઝી ગયા હતા. ઘાયલોને ઉદયપુરવાટી CHC માં સારવાર ચાલી રહી છે. રોડ નિર્માણના કાર્ય વખતે એક મશીન હાઈવોલ્ટેજ લાઈનના સંપર્કમાં આવી ગયુ હતુ, જેના કારણે 8 શ્રમિકો કરંટના કારણે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા.
રોડ બનાવવાનું મશીન હાઈ ટેન્શન તારને અડી જતા દુર્ઘટના
આ કમકમાટીભરી ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને ભય ફેલાઈ ગયો છે. સમગ્ર વિસ્તાર શોકમય માહોલમાં ફેરવાઈ ગયો છે. વાયુવેગે ઘટના ફેલાતા ગામના લોકો પણ ભેગા થઈ ગયા હતા. કપચી પાથરતુ મશીન 11 હજાર વૉલ્ટની વીજલાઈનને અડી ગયુ હતુ, જેના લીધે કરંટ ફેલાઈ ગયો હતો અને શ્રમિકો તેની અડફેટે ચઢી ગયા હતા.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ
શ્રમિકોના મોતને લઈ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ છે. ઘટના બાદ ગ્રામજનો ધરણાં પર ઉતરી ગયા છે. છાપોલીમાં કદમ કુંડ તરફ જતો રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યુ હતુ, ત્યારે કરૂણાંતિકા સર્જાઈ છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે કોઈને બચવાનો મોકો જ ના મળ્યો અને ઘટનાસ્થળે એક સાથે આટલી લાશો જોઈને કરુણ દૃશ્યો સર્જાયા હતા. હાલ આ મામલે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.













