Cyclone Murasu: બંગાળની ખાડીમાં સર્જાયેલુ ચક્રવાત મુરાસુ આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાઈ ગયુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરિયાકિનારે અને નજીકના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે ફ્લાઈટ અને રેલવે સેવાઓ પર મોટી અસર થઈ છે.
લેન્ડફોલ સમયે 110 કિલોમીટરની હતી ઝડપ
હવામાન વિભાગે નકશા દ્વારા સમજાવ્યુ છે કે આ ગંભીર ચક્રવાત ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે આંધ્રપ્રદેશના નેલ્લોર અને નરસપુર વચ્ચે વાવાઝોડુ ત્રાટક્યુ છે. એંગોલ નજીકથી વાવાઝોડુ પસાર થયુ ત્યારે પવનની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. સાયક્લોનના આગળનો વોલ ક્લાઉડનો મોટો ભાગ જમીન પર આવી ચૂક્યો છે.
ફ્લાઈટ્સ કેન્સલ અને ટ્રેન રદ્દ
ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. વીજળીના થાંભલા પણ તૂટીને પડ્યાના અહેવાલો આવી રહ્યા છે. વિશાખાપટ્ટનમના ઋષિકોંડા દરિયાકાંઠે બોટ ફસાઈ ગઈ હતી. આંધ્રપ્રદેશના ત્રણ એરપોર્ટ પર 19 ફ્લાઈટ રદ્દ કરી દેવાઈ છે. જ્યારે ચેન્નાઈ એરપોર્ટથી 11 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ઓરિસ્સામાં વાવાઝોડાની સંભવિત ચેતવણીને લઈ 1.16 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 30 ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે.
NDRF ની 37 ટીમો પાંચ રાજ્યોમાં તૈનાત
ચક્રવાત મુરાસુની ભયાનકતાના કારણે પાંચ રાજ્યોમાં NDRF ની 37 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે જેમાંથી 13 ટીમ આંધ્રપ્રદેશમાં તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી માછીમારોને દરિયામાં જવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. વાવાઝોડાને લઈ દક્ષિણ-પૂર્વ અને મધ્ય રેલવે દ્વારા 32 ટ્રેન રદ્દ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનના રૂટ્સ બદલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આવતીકાલ સુધી ડુંગરાળ પ્રદેશ એવા ઘાટ રોડ પર મુસાફરી કરવા માટે સાવચેતીના ભાગરૂપે મનાઈ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ભૂસ્ખલન અને પહાડો પરથી પથ્થરો ઘસી પડવાનો ખતરો રહે છે.
તેલંગણામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ
તેલંગણામાં પણ વાવાઝોડા મુરાસુની અસરો જોવા મળી છે. ખમ્મમ, નલગોંડા. સૂર્યાપેટ, મહેબૂબનગર, વાનાપર્થી, નાગરકુરનૂલ જિલ્લામાં વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. હૈદરાબાદ, રંગારેડ્ડી, મેડયલ, વારંગલ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતે નામ આપ્યુ છે ચક્રવાતને
ચક્રવાત મુરાસુનું નામ ભારતે આપેલુ છે. તમિલ ભાષામાં મુરાસુનો અર્થ યુદ્ધનું નગારુ એમ થાય છે. મુરાસુએ 1 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કર્યુ હતુ. 24 જ કલાકમાં ગંભીર ચક્રવાતમાં પરિણમ્યુ હતુ. દેશમાં માત્ર એક જ સપ્તાહમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલુ આ બીજુ ચક્રવાત છે. સતત ચક્રવાતના કારણે દરિયાકિનારાના રાજ્યો ભારે પ્રભાવિત થયા છે.















