Indian Vessel Under Attack in Oman: ઓમાનના દરિયા કિનારા નજીક ભારતીય માલવાહક જહાજ MSV અલ યુસુફી પર હુમલો કરવામાં આવ્યો હતો. જહાજમાં સવાર 14માંથી એક ગુજરાતી ગાંધાર નહીમ અઝીઝનું મોત થયુ છે અને અન્ય 13 નાવિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ગાંધાર નહીમ અઝીઝનું ગંભીર ઈજાઓના કારણે મોત થયુ છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સરબાનંદ સોનોવાલે આ અંગે માહિતી આપી છે અને ગુજરાતી નાવિકના મોત પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને મૃતકના પરિજનોને સંવેદના પાઠવી છે.
13 નાવિકોને સુરક્ષિત બચાવાયા
હુમલાની ઘટનાની જાણ થતા જ ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા ત્વરિત કામગીરી કરીને જહાજમાંથી 13 ભારતીય નાવિકોને બચાવી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યુ છે કે ભારતીય વિદેશ મંત્રાલય અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાધિશોના સંપર્કમાં છે, જેથી બચેલા નાવિકોને જરૂરી સહાય પૂરી પાડી શકાય અને મૃતક નાવિકના મૃતદેહને ભારત વહેલી તકે પરત લાવી શકાય.
અત્યાર સુધી 22 ભારતીય નાવિકોના મોત
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધતો જાય છે જેના ભાગરૂપે દરિયામાં અવર-જવર કરતા કમર્શિયલ જહાજો પર પણ હુમલો કરવામાં આવે છે. આ સંઘર્ષની શરૂઆતમાં અત્યાર સુધી 22 ભારતીય નાવિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાંથી 14 નાવિકો દરિયાઈ જહાજો પર કાર્યરત હતા. વધતા જતા જોખમોને ધ્યાનમાં રાખીને ભારતે પોતાના નાગરિકોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કામ કરવા પર પ્રતિબંધ પણ મૂક્યો છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય જળસીમામાં મુક્ત અને સુરક્ષિત જળપરિવહનને અટકાવતા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે.












