Ajay Devgan on Vimal ad Controversy: બોલીવુડ અભિનેતા અજય દેવગણે વિમલ ઈલાયચીની જાહેરાત કરવા બદલ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા ફટકારવામાં આવેલ શો-કોઝ નોટિસને માત્ર એક દેખાડો અને ઔપચારિકતા ગણાવીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઈકોર્ટની બેન્ચ આ અંગે 4 નવેમ્બરે સુનાવણી કરે તેવી શક્યતા છે.
FDA ખુલાસો ધ્યાનમાં લીધા વગર નોટિસ પાઠવી
અભિનેતા અજય દેવગણે બોમ્બે હાઈકોર્ટમાં કરેલી રિટ અરજીમાં જણાવ્યુ છે કે FDA દ્વારા તેમનો ખુલાસો ધ્યાને લીધા વિના જ વિમલ ઈલાયચીની જાહેરાતને વિમલ પાન મસાલાના પ્રમોશન તરીકે માનીને પહેલેથી જ પોતાનો નિર્ણય લઈ લીધો છે. 16 ઓગસ્ટે આપેલી કારણ દર્શાવો નોટિસ પણ ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધમાં હોવાનો અજય દેવગણે આરોપ લગાવ્યો છે. તદુપરાંત એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આ નોટિસ પૂર્વયોજિત હતી. 16 ઓગસ્ટે મહારાષ્ટ્ર FDA દ્વારા અજય દેવગણ, શાહરૂખ ખાન અને ટાઈગર શ્રોફને નોટિસ પાઠવવામાં આવી હતી. FDA દ્વારા આ અંગે દાવો કરવામાં આવ્યો હતો કે આ એક સરોગેટ એડવર્ટાઈઝિંગ છે કારણ કે વિમલ બ્રાન્ડ મુખ્યત્વે પાન મસાલા અને ગુટખા સાથે જોડાયેલી છે, જે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત છે.
દૂર થવાનો આદેશ બંધારણના મૂળભૂત અધિકાર છીનવવા સમાન
અજય દેવગણે પોતાના ખુલાસામાં જણાવ્યુ છે કે તેમણે વિમલ ઈલાયચીની જ જાહેરાત કરી છે, જેનું વેચાણ મહારાષ્ટ્રમાં કાયદેસર છે અને બજારમાં મુક્તપણે વેચાય છે. તેના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. FDA એ ઈલાયચીને પાન મસાલામાં ગણીને ભૂલ કરી છે. કાયદેસરના ઉત્પાદનની જાહેરાતમાંથી દૂર થવાનો આદેશ આપવો તે ભારતીય બંધારણ હેઠળ તેમને મળેલા વ્યવસાય અને રોજગારના મૂળભૂત અધિકારો પર અયોગ્ય પ્રતિબંધ સમાન છે.













