ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પાર્ટીને સુપ્રીમ કોર્ટ તરફથી એક મોટો ઝટકો લાગ્યો છે. ‘આપ ગુજરાત’ (AAP Gujarat) ના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ પાર્ટીએ સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ ત્યાંથી પણ તેમને હાલ પૂરતી કોઈ રાહત મળી નથી.
સુપ્રીમ કોર્ટ તરફથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો
ગત 25 એપ્રિલના રોજ આપ ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આદમી પાર્ટી દ્વારા આખા મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને તાત્કાલિક સુનાવણી કરવાની માગ કરવામાં આવી. જોકે સુપ્રીમ કોર્ટે આ માગને ફગાવી દીધી છે અને તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
શા માટે સસ્પેન્ડ થયા AAP ગુજરાતના એકાઉન્ટ્સ?
ઉલ્લેખનીય છે કે, આપ ગુજરાતના સત્તાવાર ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ્સ પર કોપીરાઈટ નિયમોના ઉલ્લંઘનનો આરોપ હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના કોપીરાઈટ ભંગના નિયમો ખૂબ કડક હોય છે, અને તેના જ કારણે પ્લેટફોર્મ દ્વારા કડક કાર્યવાહી કરીને આ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીની દલીલ શું છે?
અરવિંદ કેજરીવાલની પાર્ટીએ એકાઉન્ટ્સ સસ્પેન્ડ થયા બાદ આકરી પ્રતિક્રિયા આપી હતી. પાર્ટીનું કહેવું હતું કે આ કાર્યવાહી સીધી રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા(Freedom of Speech) પરનો હુમલો છે અને તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જોકે, સુપ્રીમ કોર્ટે ઝડપી સુનાવણીનો ઇનકાર કરતા હાલ તો પાર્ટીએ આ કાયદાકીય લડાઈ માટે રાહ જોવી પડશે.

