18 મા BRICS શિખર સંમેલનનું દિલ્હીના ભારત મંડપ ખાતે આયોજન થઈ રહ્યુ છે. વિશ્વના ટોચના નેતાઓનું દિલ્હી ખાતે આવાગમન શરૂ થઈ ગયુ છે. ત્યારે દિલ્હીના રાજકીય ગલિયારામાં પણ ચહલપહલ તેજ થઈ ગઈ છે.
PM મોદીએ X પર પોસ્ટ કરી દિગ્ગજોનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં આવનાર તમામ વૈશ્વિક મહેમાનોનું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્વાગત કર્યુ છે. PM મોદીએ BRICS સમિટમાં સકારાત્મક ચર્ચા અંગે પણ આશા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા X પર સંસ્કૃત શ્લોક પણ પોસ્ટ કર્યો છે. सद्भिरेव सहासीत सद्भिः कुर्वीत सङ्गतिम्। सद्भिर्विवादं मैत्रीं च नासद्भिः किंचिदाचरेत्॥ જેનો અર્થ થાય છે, મનુષ્યોએ હંમેશા સજ્જનોની સંગતિ કરવી જોઈએ. સજ્જનો સાથે જ વિચાર-વિમર્શ અને મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ, કારણ કે સંવાદ અને સદ્ભાવથી જ શાંતિ અને સહયોગ સાધી શકાય છે.
VVIP મહેમાનોના આવાગમનને લઈ રાજધાની કિલ્લામાં પરિવર્તિત થઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય મહેમાનનોની હાજરીને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હીમાં 11 થી 13 સપ્ટેમ્બર સુધી 35 રૂટ અને 11 હોટેલ સુરક્ષા ઘેરામાં રહેશે. અંદાજે 15 હજાર પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળોની 200 કંપનીઓ, 500 થી વધુ CCTV થી સજ્જ કરવામાં આવ્યુ છે. 100 NSG કમાન્ડો અને 1000થી વધુ સ્વાટ કમાન્ડો તૈનાત છે. સુરક્ષા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ સક્રિય કરાઈ છે. દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, મલેશિયા, રશિયા, ઈન્ડોનેશિયા, ઈથોપિયા, ચીન સહિતના દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ સમિટમાં ઉપસ્થિત.
BRICS શિખર સંમેલનમાં દ્વિપક્ષીય બેઠકો
બે દિવસ સુધી ચાલનારી BRICS સમિટમાં વિશ્વના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે, ત્યારે સૌની નજર ગલવાન હિંસા બાદ પ્રથમ વખત ભારત આવી રહેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પર છે. સમિટ દરમિયાન PM મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે સંરક્ષણ, ઊર્જા અને પરમાણુ સહયોગ તેમજ દ્વિપક્ષીય સંબંધો પર મહત્ત્વપૂર્ણ ચર્ચા, તેમજ શનિવારે સાંજે PM મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગને પણ મળશે, જેમાં સીમા વિવાદ અને વેપાર જેવા મુદ્દાઓ પર મંથન થશે. ઓડિશાના પુરી ખાતે જાણીતા કલાકાર માનસ કુમાર સાહુએ આકર્ષક સેન્ડ આર્ટ (રેત શિલ્પ) તૈયાર કરીને ભારતની પરંપરા મુજબ અનોખો આવકાર આપ્યો છે. આ વૈશ્વિક મહાસંમેલન અંતિમ ચરણમાં ‘ન્યૂ દિલ્હી ડિક્લેરેશન’ સાથે પૂર્ણ થશે.












