Colombia illegal gold mine landslide: દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં ભૂસ્ખલન થતા 14 ના મોત થયા છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. ઈક્વાડોર સરહદ નજીક આવેલા નારિનો નામના વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો છે. સ્થાનિક અધિકારીઓની જણાવ્યા પ્રમાણે કાટમાળમાંથી મૃતદેહો અને બચી ગયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
સ્થાનિક ગવર્નરના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળની ભૌગોલિક પરિસ્થિતિ રાહત અને બચાવ કાર્યમાં અવરોધરૂપ બનતી હતી, તદુપરાંત સમગ્ર વિસ્તારમાં ગુનાહિત ગેંગની હાજરીના કારણે રાહત અને બચાવ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.
કોલંબિયામાં સરકારી નિયમો અને સુરક્ષા ધોરણોના અભાવે આવી ખાણ દુર્ઘટનાઓ અવારનવાર સર્જાય છે. નારિનો વિસ્તાર ગેરકાયદે ખાણકામ, ડ્રગ્સની તસ્કરી અને વસૂલી ચલાવતા ગેરકાયદે જૂથોનો ગઢ માનવામાં આવે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, રોજીરોટીના અન્ય કોઈ સાધનો ન હોવાથી સ્થાનિક લોકો પોતાના જીવના જોખમે આવા જોખમી ગેરકાયદે ખાણકામ સાથે જોડાવા મજબૂર બને છે.









