મોડી રાતે આંધ્રપ્રદેશમાં ચક્રવાત અર્નબે વેરી તારાજી, 8ના મોત

આંધ્રપ્રદેશને ચક્રવાત અર્નબે 6 કલાક સુધી સતત ઘમરોળ્યુ, મોડી રાતે આંધ્રપ્રદેશના સમુદ્રીકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયુ હતુ. દરિયાકાંઠે તો ઠીક, આંધ્રપ્રદેશ સહિત આસપાસના રાજ્યોમાં પણ ચક્રવાત અર્નબે કહેર વર્તાવ્યો છે. હજારો ગામડાઓ ચક્રવાત અર્નબની ચપેટમાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઉભો પાક નષ્ટ થયો છે. હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે.

દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ચક્રવાત અર્નબે તારાજી વેરી છે. કાડીનાકા પાસે જ્યારે ચક્રવાત અર્નબ ત્રાટક્યુ હતુ ત્યારે તેની ઝડપ 140 કિમી પ્રતિકલાક નોંધાઈ હતી. ભારે પવન સાથે ત્રાટકેલા અર્નબે માછીમારોની   લાંગરેલી અનેક બોટનો પણ દાટ વાળી દીધો છે. વાવાઝોડા સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓમાં આંધ્રપ્રદેશમાં 8ના મોત થયા છે. મોડી રાતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને પવનના કારણે લાખો ઘરોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી.

બાપટલા અને વિશાખાપટ્ટનમની વચ્ચેના યનમના દક્ષિણમાં કાડીનાકા પાસે વાવાઝોડુ ટકરાવાની શરૂઆત થઈ હતી. આંધ્રપ્રદેશમાં અનેક કાચા મકાનની છત વાવાઝોડામાં ઉડી ગઈ હતી. ભારે વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. કોનાસીમા ક્ષેત્રમાં વરસાદની સૌથી વધારે અસર નોંધાઈ છે. આ વિસ્તારમાંથી લગભગ 20 હજારથી વધુ લોકોનું કાંઠાથી દૂરના વિસ્તારોમાં સ્થળાંતર કરાયુ હતુ. મૃતકોમાં મોટા ભાગના થાંભલા અથવા વીજળી પડવાથી મોતને ભેટ્યા છે. એકનું મકાન ધરાશાયી થવાથી મોત થયુ હતુ, વીજળીના થાંભલા પડતા 2 મહિલાઓના વિશાખાપટ્ટનમમાં મોત થયા છે.

ચક્રવાતની અસર ન માત્ર આંધ્રપ્રદેશમાં પરંતુ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત 15 રાજ્યોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. છત્તીસગઢમાં વાવાઝોડા ચક્રવાતના કારણે આજે શાળા-કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઓડિશામાં પણ 16 જિલ્લાઓમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં આશરે 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના 12 જિલ્લામાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

ઉત્તરાખંડમાં ચક્રવાતી વાવાઝોડા અર્નબની અસર દેખાવા લાગી છે. દેહરાદૂન, રુદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી અને ટિહરીમાં સવારથી અટકી-અટકીને વરસાદ પડી રહ્યો છે. કેદારનાથમાં સવારે હિમવર્ષા બાદ વરસાદ થયો હતો. હવામાન ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટર સેવા રોકી દેવામાં આવી છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, દેહરાદૂને રાજ્યના 10 જિલ્લાઓમાં ગાજવીજ સાથે આંધી-તોફાનનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

બિહારના પટણા, સમસ્તીપુર અને આરામાં હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 26  જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમાં ભોજપુર, અરવલ, ઔરંગાબાદ, રોહતાસ, કેમુર અને બક્સરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની આશંકા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment