બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત અર્નબ વધુ પ્રચંડ બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ આવતીકાલે આ વાવાઝોડુ ટકરાશે. આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકી શકે છે. લેન્ડફોલ સમયે પવનની સતત ઝડપ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને પવનના ઝાપટા 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને જનજીવન ખોરવાવાની આશંકા છે. વહીવટી તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીનાં પગલાં તેજ કર્યા છે.
ચક્રવાતી તોફાન અર્નબના જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. સમુદ્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બચાવ દળોને સતર્ક રાખવામાં આવ્યા છે. તોફાન આવતીકાલે કિનારે ટકરાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પુડુચેરી ઉપરાંત બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં તમામ શાળાઓ બંધ રહેશે. આંધ્ર પ્રદેશ સરકારે રાહત અને બચાવ કામગીરી માટે 20 જિલ્લાઓને 27 કરોડ રૂપિયા જારી કર્યા છે. રાજ્યમાં NDRF ની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું હવામાનનું દબાણ ક્રમશઃ ડીપ ડિપ્રેશન અને ચક્રવાતમાં ફેરવાયું હતું. ત્યારબાદ તેની તીવ્રતા વધતાં તે અત્યંત પ્રચંડ ચક્રવાતી વાવાઝોડું બન્યું છે. વાવાઝોડું વિશાખાપટ્ટનમથી આશરે 350 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હોવાનું જણાવાયું હતું. વાવાઝોડું દરિયાકાંઠા તરફ આગળ વધતાં પવનની ઝડપ અને વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લેન્ડફોલ બાદ તેની અસર આંધ્રપ્રદેશ ઉપરાંત ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે.
વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અત્યાર સુધીમાં આશરે 89 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાની અસરને પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરી છે. NDRF અને SDRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે, જ્યારે જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ સક્રિય કરીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. માછીમારોને 29 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.












