Flydubai Omani Pilot Conspiracy: ઓમાની પાયલટ હમામ અલ-હમામીના એક બાદ એક ખતરનાક મનસુબા અંગે ખુલાસા થઈ રહ્યા છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટ દ્વારા પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલાના પ્રકરણમાં તપાસ એજન્સીઓ દ્વારા સખત તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે.
ઓમાની પાયલટ હમામ અલ-હમામીએ એકલા જ ફ્લાઈટને ક્રેશ કરવાનું ષડયંત્ર રચ્યાનો ખુલાસો થયો છે. અત્યાર સુધી કોઈ સંગઠન કે સરકાર સાથે જોડાયા હોવાની વાત અંગે પણ સ્પષ્ટતા થઈ નથી. પાયલટ સ્મિત મચ્છરની હત્યા કરી ફ્લાઈટને તેલ અવીવમાં ઉંચી ઈમારત સાથે 9/11 ની જેમ ટકરાવવાનું ષડયંત્ર રચ્યુ હતુ. એવો પણ ખુલાસો થયો છે કે જ્યારે પોતાનું કાવતરૂ નિષ્ફળ થતુ જણાયુ ત્યારે પ્લેનને રણમાં ક્રેશ કરવાનો પણ વિચાર કર્યો હતો. ઓટો પાયલટ બંધ કરી દેતા વિમાન ઝડપથી નીચે ઉતરવા લાગ્યુ હતુ. હમામીએ વિમાનના એન્જિન બંધ કરવાનો પણ એક વખત પ્રયાસ કર્યો હતો.
અલ-હમામીએ નમાઝ પઢવાના બહાને ઈમરજન્સી માટે રાખેલી કુહાડીનો ઉપયોગ કર્યો હતો. હમામ અલ-હમામીએ કરેલા જીવલેણ હુમલામાં કેપ્ટન સ્મિત મચ્છરને ગંભીર ઈજા પહોંચી હતી. કેપ્ટન સ્મિતે કોકપિટમાં ઝપાઝપી કરી દરવાજો ખોલી દેતા ક્રુ અને મુસાફરો મદદ માટે આવી પહોંચ્યા હતા.
હમામ અલ-હમામીના ખતરનાક મનસૂબાના કારણે ફ્લાઈટને સાઉદી અરેબિયામાં તાબૂકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઈમરજન્સી લેન્ડિંગ બાદ કેપ્ટન સ્મિત મચ્છરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અને કો-પાયલટ હમામ અલ-હમામીને સાઉદી અરેબિયન અધિકારીઓને સોંપવામાં આવ્યો.
હમામ અલ-હમામી ઓમાની નાગરિક છે અને કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે. ઓમાનમાં જ કટ્ટરપંથી વિચારધારાને કારણે પાયલટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.









