ફ્રાન્સમાં ફરી તોફાનો ફાટી નીકળ્યા, લાખો લોકો રસ્તા પર, 1000થી વધુની અટકાયત

યુરોપીય દેશ ફ્રાન્સમાં મોંઘવારી, શિક્ષણની કથળતી સ્થિતિ અને શિક્ષણમાં બજેટ તેમજ સરકારી નીતિઓ સામે લોકોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો છે. લાખો લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા માટે મજબૂર બન્યા છે. ફ્રાન્સમાં સ્થિતિ એટલી ગંભીર બની છે કે હવે વ્યાપર રમખાણો શરૂ થઈ ગયા છે. ઠેર ઠેર આગચંપી, લૂંટફાટ અને તોડફોડના દ્રશ્યો રોજબરોજ સામે આવી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના નિરંકુશ ભાવને લઈને લોકો હવે અકળાઈ ઉઠ્યા છે. વધી રહેલી આર્થિક અસમાનતાને લઈ જનતા વિફરી છે. હિંસક દેખાવ દરમિયાન ફ્રાન્સની પોલીસ અને દેખાવકારો વચ્ચે મોટાપાયે ઘર્ષણ પણ થયુ હતુ, પોલીસને ટિયર ગેસના સેલ અને વોટર કેનનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ફ્રાન્સની પોલીસે થયેલા ઘર્ષણ દરમિયાન 1000થી વધુ લોકોની અટકાયત કરી લીધી છે.

ફ્રાન્સના ગૃહ મંત્રાલય દ્વારા આંકડા જાહેર કરાયા છે કે પેરિસમાં જ 4 લાખથી વધુ લોકો રસ્તા પર દેખાવ કરવા માટે એકઠા થયા હતા અને મોલ્સ, દુકાનો, જાહેર મકાનોમાં તોડફોડ મચાવી હતી, દુકાનોમાં દેખાવકારોએ રિતસરની લૂંટ કરી હતી અને કેટલાક સ્થળે આગ પણ લગાવી દીધી હતી. ફ્રાન્સ સરકારે 70 હજાર જેટલી પોલીસ ફોર્સ તૈનાત કરી હોવા છતાં પણ લાખો લોકો સામે આ પોલીસની સંખ્યા વામણી સાબિત થઈ રહી છે. ફ્રાન્સના મજૂર યુનિયનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે સરકારના આંકડા સામે વાસ્તવિક આંકડો ઘણો વધારે હતો.

પેરીસના પોર્ટ દે વિંસેન વિસ્તારમાં હજારોની મેદની ભેગી થઈ હતી. આ દરમિયાન કેટલાક નકાબપોશ દેખાવકારોએ પોલીસ પર ફટાકડા, કાચની બોટલો અને પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનન, સ્ટન ગ્રેનેડ અને આસું ગેસના ગોળા છોડવાની ફરજ પડી હતી. પેરીસ ઉપરાંત લિયોન, રેન્સ અને માર્સે જેવા મોટા શહેરોમાં પણ ભારે હોબાળો મચ્યો હતો. દેખાવકારોએ રસ્તાઓ પર ટાયરો સળગાવીને આગજની કરી હતી અને દુકાનોમાં તોડફોડ કરી હતી. વાસ્તવમાં શાળાઓની જર્જરિત હાલત, શિક્ષકોની કમી, શાળાઓમાં થયેલા ભારે ફી વધારા સામે ગત સપ્તાહે વિદ્યાર્થીઓએ શરૂ કરેલાં આંદોલનમાં પછીથી જનસામાન્ય પણ જોડાયા હતા. તેથી જીવન જરૂરિયાતની ચીજોના સતત વધી રહેલા ભાવ શિક્ષણમાં ઊંચા ખર્ચા, ગેસ (ઉર્જા) અને વીજળીના ભાવ તથા રોજીંદા વપરાશની ચીજોના ઉંચા ભાવ સાથે સતત વધી રહેલી આર્થિક અસમાનતા સામે જનઆક્રોશ ભભૂકી ઊઠયો છે.

આ વિશાળ દેખાવો દેશના મજૂર યુનિયનો, છાત્ર સંગઠનો અને વામપંથી રાજકીય પક્ષોના સંયુક્ત મોંચાના આહ્વાન પર યોજવામાં આવ્યા હતા. દેખાવકારોઓની મુખ્ય માંગણીઓમાં મોંઘવારી ભથ્થુ, મુખ્ય સવલતો પૂરી પાડવાનો છે. ઘરના ભાડામાં વધારો ન કરવામાં આવે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મોંઘવારી સામે પહોંચી વળવા સરકાર નાગરિકોને દર મહિને કોસ્ટ ઓફ લિવિંગ ભથ્થુ આપે તેવી તેમની માંગ છે.

ફ્રાન્સમાં મોટા પાયે રમખાણો બાદ સ્થાનિક તપાસ એજન્સીઓ અને પોલીસ દ્વારા ગેરકાયદે હથિયારો રાખવા, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા અને ગેરકાયદે ભીડ એકત્ર કરવાના ગુના હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આંદોલનનું નેતૃત્વ કરનારા આયોજકોએ પીછેહઠ કરવાની મનાઈ કરી દીધી છે. આગામી દિવસોમાં દેશવ્યાપી હડતાલને તેજ બનાવવાની પણ ચિમકી આપી છે. રાષ્ટ્રપતિ મેક્રોન સામે હવે વિકટ સ્થિતિ ઉભી થઈ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment