ફ્રાન્સમાં વધતા હિંસક આંદોલનો રોકવા હવે કર્ફ્યુનો માર્ગ અપનાવાશે

French government curfew decision: ફ્રાન્સમાં હિંસક આંદોલનો રોકવા હવે સરકાર કર્ફ્યુ લાદવાની તૈયારીમાં છે. હિંસક આંદોલનો બાદ પેરિસ સહિતના શહેરોમાં સરકારે કડક પગલા લીધા છે. ફ્રાન્સનાં વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ સરકારી પ્રતિનિધિઓને આ અંગે નિર્દેશ આપ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મર્યાદિત સમયગાળામાં કર્ફ્યુ લાદવામાં આવે તેવો આદેશો છોડવામાં આવ્યા છે. આ નિર્ણય છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભયંકર હિંસક આંદોલનોને નાથવા માટે લેવામાં આવ્યો છે. જેમાં સમગ્ર દેશમાં સિટી હોલ, અન્ય જાહેર ઇમારતો અને હજારો વ્યવસાયોને નિશાન બનાવવામાં આવ્યા હતાં.

ફ્રાન્સમાં વધતી મોંઘવારી, કથળતી શૈક્ષણિક વ્યવસ્થા અને ખરાબ પબ્લિક સર્વિસ અને આર્થિક સમસ્યાઓને લઈને નાગરિકો રોષે ભરાયા છે. છેલ્લા કેટલાય દિવસોથી ફ્રાન્સમાં હિંસક આંદોલનો, લૂંટફાટ, આગ જેવી ઘટનાઓ બની રહી છે. જેને લઈને હવે સરકારે કડક પગલા લેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. પેરિસ, લિલી, નીસ અને અન્ય કેટલાય શહેરો જ્યાં મોટા પ્રમાણમાં હિંસક આંદોલનો થયા છે ત્યાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. પેરિસમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. કેટલાક શહેરમાં બે દિવસ સુધી રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સગીરોને બહાર નીકળવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ નિર્ણય શહેરના મેયરને સાથે રાખીને લેવામાં આવ્યો છે.

સરકારના ટોચના અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક બાદ પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે ભારે હિંસક આંદોલનો અને સંપત્તિને મોટા પાયે નુકસાન છતા કોઈ પણ નાગરિકનું મોત થયુ નથી. હિંસક ભીડનો સામનો કરી રહેલ પોલીસની કામગીરીને પણ પ્રધાનમંત્રીએ વખાણી હતી. ફ્રાન્સના ગૃહ પ્રધાન લોરેંટ નુનેઝે રાજીનામુ ધરી દીધુ છે, છતાં પ્રધાનમંત્રીએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વર્તમાન સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ગૃહ પ્રધાન લોરેંટ નુનેઝનું તેમના પદ પર ચાલુ રહેવું ખૂબ જ જરૂરી છે. ફ્રાન્સ પ્રમુખે હિંસા રોકવા માટે પોલીસ માટે નવી રણનીતિ ઘડવાનાં પણ નિર્દેશ આપ્યા છે. રવિવારે અનેક શહેરોમાં દેખાવકારોએ રસ્તા પર પડેલી કચરાપેટીઓ, સાયકલો, વાહનોને આગ ચાંપી હતી.

ફ્રાન્સના ગૃહ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી છે કે ફ્રાન્સમાં થયેલા હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધી 2400 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 1 હજારથી વધુ પોલીસકર્મચારીઓ ઘાયલ થયા છે. છેલ્લા વિકેન્ડ દરમિયાન થયેલા અતિહિંસક આંદોલનોએ વેપારીઓને ખૂબ મોટુ નુકસાન કરાવ્યુ છે. 3 હજારથી વધુ દુકાનોમાં લૂંટ મચાવવામાં આવી હતી અને આગ લગાવી દેવામાં આવી હતી. વેપારી સંગઠનોએ સરકાર પાસે સહાયની માંગણી પણ કરી છે.

ફ્રાન્સના પ્રધાનમંત્રીએ ચાલી રહેલા હિંસક આંદોલનોને લઈને આરોપ પણ લગાવ્યા છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા કેટલાક તત્વો ફ્રાન્સમાં અરાજકતાની સ્થિતિ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં ઘુસી ગયેલા આવા વામપંથીઓનું જૂથ અશાંતિ ફેલાવી રહ્યુ છે. હિંસાને રોકવાના પ્રયાસો મુદ્દે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

ન માત્ર ફ્રાન્સ પરંતુ યુરોપના કેટલાય એવા દેશ છે જ્યાં સરકાર સામે આંદોલનો શરૂ થયા છે. ઈટાલી, બેલ્જિયમ, આલ્બાનિયામાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment