હોર્મૂઝ સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલા કુવૈતના ધ્વજવાળા MT અલ દસમા પર અજાણ્યા પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ પર હુમલા સમયે 21 ભારતીય ક્રુ મેમ્બર્સ સવાર હતા. હુમલા બાદ જહાજમાં આગ પણ લાગી હતી જેને બુઝાવવામાં આવી હતી. જહાજ પર સવાર તમામ ભારતીય અને અન્ય ક્રુ મેમ્બર્સ સુરક્ષિત છે. છેલ્લા એક માસમાં જ ભારતીય નાવિકો પર હુમલાની આ સતત પાંચમી ઘટના છે.
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને લઈને ભારતે કમર્શિયલ જહાજો અને તેમાં સવાર નાવિકો માટે અવારનવાર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે વેપારી જહાજો પર થતા હુમલાને કાયદાકીય અને નૈતિકતાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાવ્યા છે. સમુદ્રમાં કામ કરતા નાવિકોની સુરક્ષા અને દરિયાઈ માર્ગો પરથી જહાજોની અવરજવરની આઝાદી જાળવી રાખવી જરૂરી છે. વિદેશ મંત્રાલયે વેપારી જહાજો, નાવિકો અને સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા માળખા પરના હુમલા તાત્કાલિક રોકવાની અપીલ કરી છે. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી વેપારી જહાજોની સુરક્ષિત અને અવરોધરહિત અવરજવર સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો છે. ભારતીય નાવિકોને લગતી ઘટનાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ માટે જહાજોનું સંચાલન કરતી કંપનીઓ સાથે સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે, જેથી નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન પર હુમલા શરૂ કર્યા ત્યારથી હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવરને અસર થઈ છે. ઈરાને આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર પ્રતિબંધો મૂક્યા છે અને અનેક જહાજો પર હુમલા પણ થયા છે. તેના કારણે ઘણી શિપિંગ કંપનીઓ આ માર્ગ પરથી જહાજો મોકલવાનું ટાળી રહી છે. 7 ઑક્ટોબરે હોર્મુઝમાંથી માત્ર 7 માલવાહક જહાજો પસાર થયાં હતાં. જોકે, આ માર્ગ પરથી જહાજોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ નથી. કેટલાક જહાજો હજુ પણ પસાર થઈ રહ્યાં છે, પરંતુ યુદ્ધ પહેલાંની સરખામણીએ તેમની સંખ્યા ઘણી ઓછી છે.









