US–India steel industry collaboration: અમેરિકાના આયોવામાં ભારતની સૌથી મોટી સ્ટીલ કંપની Essar ગૃપ અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે. આ માટે કંપનીએ 15 અરબ ડોલરના પ્લાન્ટની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જ આ પ્રોજેક્ટ અંગે જાહેરાત કરી છે.
ભારતનું Essar ગૃપ અમેરિકામાં જંગી રોકાણ કરવા જઈ રહ્યુ છે. વ્હાઈટ હાઉસમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ રોકાણ માત્ર અમેરિકાના સ્ટીલ ઉદ્યોગનું ચિત્ર જ નહીં બદલે, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતીય બિઝનેસ હાઉસનું વર્ચસ્વ પણ સાબિત કરશે. એસ્સાર ગ્રૂપ પોતાની માલિકીની યુએસ સ્થિત કંપની ‘મેસાબી મેટાલિક્સ’ મારફતે આયોવા (Iowa) રાજ્યમાં અદ્યતન સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરશે.
રોજગારીનું મોટુ સર્જન થશે
વ્હાઈટ હાઉસે જાહેરાત કરી હતી કે આ પ્લાન્ટના કારણે 1750 નોકરીઓ ઉભી થઈ શકે છે. પ્લાન્ટના પ્રથમ તબક્કા દરમિયાન 6 હજાર કન્સ્ટ્રક્શન જોબનું સર્જન થશે. મિનેસોટા ફેસિલિટીમાં હાલમાં 200 થી વધુ લોકો કાર્યરત છે, જે પૂર્ણ ક્ષમતાએ પહોંચતા વધુ 350 લોકોને રોજગારી પૂરી પાડશે. આ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં જ જંગી આર્થિક પ્રતિભાવ આપશે.
દેશમાં જ સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇનનું નિર્માણ
ભારતીય જૂથે માત્ર સ્ટીલ ઉત્પાદન પૂરતું સીમિત ન રહેતાં અમેરિકાની ધરતી પર સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ સપ્લાય ચેઇન તૈયાર કરવાનો માસ્ટરપ્લાન બનાવ્યો છે. મિનેસોટા ખાતે શરૂ થયેલી આ કામગીરી છેલ્લા લગભગ 50 વર્ષોમાં યુએસમાં શરૂ થનારી પ્રથમ નવી આયર્ન ઓર ખાણ અને પેલેટ પ્લાન્ટ છે. 16,000 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આ સુવિધા જ્યારે પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થશે, ત્યારે તે દર વર્ષે 7 મિલિયન ટન સુધીના ડાયરેક્ટ રિડક્શન ગ્રેડના આયર્ન ઓર પેલેટ્સનું ઉત્પાદન કરશે. મિનેસોટાની ખાણોમાંથી નીકળતો આ કાચો માલ આયોવાના પ્લાન્ટમાં સ્ટીલ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે.










