ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને જોતા સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીયેના અધિકારીઓ તહેરાન પહોંચ્યા છે. તહેરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન સાથે તમામે બેઠક યોજી હતી. ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાને એવો મત વ્યક્ત કર્યો હતો કે યુદ્ધ અટકાવવા માટે મુસ્લિમ દેશોએ એકજૂથ થઈને કામ કરવુ પડશે અને તો જ પ્રાદેશિક સુરક્ષા જળવાઈ રહેશે. આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ટૂંક સમયમાં હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે.
તહેરાનમાં યોજાયેલી બેઠક દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાને નિવેદન આપ્યુ છે કે પરસ્પર મતભેદોનો વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. આ વિસ્તારના દેશોએ પોતાના લોકો સામેના ખતરાનો ભેગા મળીને સામનો કરવો જોઈએ. પરસ્પર સહયોગ વધારવા અંગે પણ પઝેશ્કિયાને ભાર મૂક્યો હતો. પઝેશ્કિયાને વધુમાં જણાવ્યુ હતુ કે આ બેઠકોમાં થતો કોઈપણ એવો કરાર, જેનાથી વિસ્તારમાં એકતા, પરસ્પર સંકલન અને સહયોગ વધશે, તેને ઈરાનનું સંપૂર્ણ સમર્થન મળશે.
બેઠકમાં સાઉદી અરેબિયાના ડિફેન્સ મિનિસ્ટર પ્રિન્સ ખાલિદ બિન સલમાન, પાકિસ્તાનના ડિફેન્સ ફોર્સિસના ચીફ આસિમ મુનીર અને તુર્કીના ઇન્ટેલિજન્સ ચીફ ઇબ્રાહિમ કાલિન તેહરાનમાં યોજાયેલી બેઠકમાં સામેલ થયા. ઈરાન તરફથી રાષ્ટ્રપતિ પઝશકિયાન ઉપરાંત વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મેજર જનરલ મોહસેન રેઝાઈ પણ હાજર રહ્યા હતા. આ પહેલાં સાઉદી રક્ષામંત્રી, તુર્કીના ગુપ્તચર પ્રમુખ અને પાકિસ્તાની સેનાપ્રમુખે રેઝાઈ સાથે અલગથી બેઠક કરી હતી. બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે ચારેય દેશો ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પરસ્પર સહયોગ વધારવા અને વાતચીત ચાલુ રાખવા પર સંમત થયા છે.
ટ્રમ્પે 23 ઑક્ટોબરે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન કહ્યું હતું, ‘અમે વધુ એક નાનું ઑપરેશન એપિક ફ્યુરી કરી શકીએ છીએ.’ અમેરિકન સેનાએ 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. તેને ‘એપિક ફ્યુરી’ નામ આપવામાં આવ્યું હતું. જોકે, ટ્રમ્પે ફરી હુમલો ક્યારે અથવા કયા પ્રકારનો હશે તે જણાવ્યું નથી. બીજી તરફ, ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલ ફરી હુમલો કરશે તો તે ખાડી દેશોમાં સમુદ્રની નીચે બિછાવવામાં આવેલી ઇન્ટરનેટ કેબલને નિશાન બનાવશે. તેનાથી ઇન્ટરનેટ સેવાઓ, બેન્કિંગ અને ઑનલાઇન વેપાર પર અસર પડી શકે છે.









