યુદ્ધ છતાં, ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પઝેશ્કિયાન અમેરિકા જશે

iran-us-new-york-pezeshkian-visit-un-general-assembly

આવનારા સપ્તાહે ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ અસેમ્બ્લીમાં ભાગ લેવા ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પઝેશ્કિયાન અમેરિકા જશે. અમેરિકાએ રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના વિઝા મંજૂર કર્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પઝેશ્કિયાન સંયુક્ત રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ફેબ્રુઆરી માસથી યુદ્ધ ચાલી રહ્યુ છે. તેમ છતાં પણ ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી આવનારા સપ્તાહમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ અસેમ્બ્લીમાં ભાગ લેવા માટે અમેરિકા જશે. આ માટે અમેરિકાએ તે બંનેને વિઝા પણ આપી દીધા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સની 81 મી જનરલ અસેમ્બ્લીમાં ભાગ લેશે બંને રાજનેતાઓ. યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ ઘટના હશે કે ઈરાનના ટોચના રાજકીય નેતાઓ અમેરિકાની ધરતી પર પહોંચશે. અમેરિકાના વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી, કે ઈરાનના પ્રતિનિધિમંડળનું કદ આ વર્ષે નાનુ રાખવામાં આવ્યુ છે અને તેમના પર પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે.

રાજકીય સ્થિતિ શું છે ?

ફેબ્રુઆરી માસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ પર કબજો જમાવવાના કારણે બંને દેશો વચ્ચે તથા મિડલ ઈસ્ટમાં અશાંતિ વધી ગઈ છે. અમેરિકા-ઈરાન સંઘર્ષની અસર પહેલેથી જ તેલ બજાર અને દરિયાઈ વેપાર પર પડી ચૂકી છે. એવા સમયે પેઝેશ્કિયાનની ન્યૂયોર્ક હાજરી અને અમેરિકી અધિકારીઓ સાથેના સંભવિત સંપર્ક પર દુનિયાભરની નજર રહેશે. UNGAના મંચ પર થનારી દરેક મુલાકાત અને દરેક નિવેદનને આ વખતે યુદ્ધ અને કૂટનીતિ, બંનેના દૃષ્ટિકોણથી જોવામાં આવશે.

અમેરિકામાં ઈરાની રાષ્ટ્રપતિની ધરપકડ કેમ ન થઈ શકે ?

સંયુક્ત રાષ્ટ્રસંઘ માટે અમેરિકાની અલગ જવાબદારીઓ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નેતાઓને સુરક્ષા અને સુવિધા પૂરી પાડવી એ અમેરિકાની જવાબદારીમાં આવે છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રનું કાર્યાલય છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને વિશેષ કાનૂની સુરક્ષા વ્યવસ્થા મળે છે. કોઈ દેશના વર્તમાન રાષ્ટ્રપતિને બીજા દેશમાં સામાન્ય આરોપીની જેમ ધરપકડ કરાવી શકાય નહી, આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ રાષ્ટ્રપ્રમુખને તેમના પદ પર રહેતા વિશેષ સુરક્ષા મળે છે. આ જ કારણ છે કે પઝેશ્કિયાન અને અરાઘચીને અમેરિકાના વિઝા મળ્યા છે. પરંતુ મુસાફરી અને ખરીદી પર પ્રતિબંધ રહેશે. વિદેશ મંત્રાલય મુજબ ન્યૂયોર્કમાં મર્યાદિત અવરજવર રહેશે, કેટલાક સ્થળો સુધી જવાની જ મંજૂરી આપવામાં આવશે. વૈભવી સામાન અને વસ્તુઓની ખરીદી પર રોક રહેશે.

શું બંને દેશો વચ્ચે વાત થશે ?

UN ની જનરલ અસેમ્બ્લી દરમિયાન દુનિયાની નજર બંને દેશો પર ખાસ રહેશે. બંને દેશો વચ્ચે કોઈ પ્રકારની વાતચીત થાય છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કાર્યક્રમને સૌ કોઈ સંવાદના અવસર તરીકે પણ જોવે છે. બીજી તરફ ફિલિસ્તાની રાષ્ટ્રપતિ અબ્બાસને વિઝા મળ્યા નથી. ફિલિસ્તાની રાષ્ટ્રપતિ આ વર્ષે પણ વીડિયો લિંક દ્વારા મહાસભાને સંબોધન કરશે.

UNGAમાં યુદ્ધ, તેલ અને વૈશ્વિક અર્થતંત્ર પર ચર્ચા થશે

આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે દુનિયા એકસાથે અનેક મોટા સંકટોનો સામનો કરી રહી છે. અમેરિકા-ઈરાન યુદ્ધ, રશિયા-યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયામાં વધતો તણાવ અને વૈશ્વિક અર્થતંત્ર પરનું દબાણ બેઠકના મુખ્ય મુદ્દાઓમાં સામેલ રહેશે.

Join WhatsApp

Join Now

Leave a Comment