વર્ષ 2026 પ્રાકૃતિક અને માનવીય સંઘર્ષોથી ભરેલુ વર્ષ સાબિત થઈ રહ્યુ છે. ક્યાંક યુરોપમાં ભીષણ ગરમી તો ક્યાંક અતિશય ભારે વરસાદ. ભારતથી 5000 કિમી દૂર જાપાનમાં ટાયફૂન દુજુઆનનો ખતરો તોળાઈ રહ્યો છે. જેની અસર એશિયન ગેમ્સ 2026 પર પણ જોવા મળી રહી છે.
એશિયન ગેમ્સ વચ્ચે જાપાનમાં ખતરનાક ટાયફૂનનું એલર્ટ આપવામાં આવ્યુ છે. દુજુઆન નામનું ટાયફૂન જાપાન સામે ગંભીર ખતરો બનીને ઉભુ રહી ગયુ છે. જાપાનમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, પૂર અને પર્વતીય વિસ્તારોમાં લેન્ડ સ્લાઈડનું એલર્ટ આપવામાં આવ્યુ છે. જાપાનમાં અત્યાર સુધી ટાયફૂનના ખતરાને જોતા 300 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે, તો હજારો ઘરોમાં વિજળી પણ ડૂલ થઈ ગઈ છે અને લોકોને ઘર ખાલી કરી સલામત સ્થળે પહોંચવાની સલાહ અપાઈ છે.
જાપાનના પેસેફિક કિનારે સૌથી વધુ તબાહીની આશંકા
ટાયફૂન દુજુઆન જ્યાં ત્રાટકવાનું છે તે પેસેફિક દરિયાકિનારા આસપાસના કાંતો પ્રદેશમાં સૌથી વધુ અસર થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં તો 25 ઈંચ સુધી વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે પૂરની શક્યતા પણ નકારી શકાય નહી. તદુપરાંત 130- 144 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે ટાયફૂનના કારણે રાજધાની ટોક્યો આસપાસ રહેતા વિસ્તારોના 16 લાખ લોકો પ્રભાવિત થવાની શક્યતા છે. ટોક્યોની સાથે ચિબા, કાનાગાવા અને શિજુઓકા વિસ્તારોમાં પણ તબાહીની આશંકા છે. આ વિસ્તારોમાં ભૂસ્ખલનની પણ ચેતવણી આપવામાં આવી છે. ટાયફૂનના કારણે જાપાનના રેલ વિભાગે રેલવે સેવાઓ પણ થોડા સમય માટે અટકાવી દીધી છે. ટાયફૂનના કારણે જાપાનમાં મંગળવાર અને બુધવાર એમ બે દિવસ રેકોર્ડબ્રેક વરસાદ વરસી શકે છે.
એશિયન ગેમ્સ 2026 પર અસર
ટાયફૂન દુજુઆન આઈચી નાગોયામાં પણ અસર કરે તેવી શક્યતા છે. આઈચી નાગોયા વિસ્તારમાં જ એશિયન ગેમ્સ 2026 રમાઈ રહી છે. જેમાં ઘોડેસવારીની સ્પર્ધા અટકાવી દેવાની ફરજ પડી છે. ટાયફૂનના કારણે વિશ્વના સૌથી મોટા વીડિયો ગેમ ટ્રેડ ફાયરમાંથી ટોક્યો ગેમ શોને પણ બંધ કરવાની ફરજ પડી છે. ચિબામાં યોજાનાર મ્યુઝિકલ ફેસ્ટિવલ અને બેઝબૉલ મેચ પણ ટાયફૂનના કારણે રદ્દ કરવામાં આવી છે. ભારત અને જાપાન વચ્ચે રમાનાર T-20 મેચ પર પણ ખતરો તોળાઈ રહ્યો છે.
જાપાન સરકાર એલર્ટ મોડ પર
ટાયફૂન દુજુઆનને લઈ જાપાન સરકાર સતત એલર્ટ મોડ પર છે. અંદાજે 2 મિલિયનથી વધુ લોકોને ઘર ખાલી કરી સલામત સ્થળે ખસી જવાની સૂચના સરકારે અગાઉથી જ આપી દીધી છે. ઓશિમા વિસ્તારમાં 10 શેલ્ટર હોમ શરૂ કરવામાં આવ્યા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સરકારે સૂચના આપી છે.










