Kedarnath Landslide Rescue: ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સ્થિતિ ભયાવહ બની છે. કેદારનાથ યાત્રા માર્ગ પર પણ ભક્તો ફસાયા હતા. 1500 જેટલા યાત્રાળુઓ પ્રભાવિત માર્ગ પર ફસાયા હતા, જેમને SDRF, NDRF, DDRF ની ટીમે રેસ્ક્યુ કર્યા છે. જોખમી ચીડબાસા વિસ્તારમાંથી સુક્ષિત ગૌરીકુંડ સુધી પહોંડ્યા છે. ટ્રેકિંગ માટે ગયેલા ટ્રેકર્સ પણ ભૂસ્ખલન અને ભારે વરસાદનો માર સહન કરી રહ્યા છે. 100 થી વધુ ટ્રેકર્સન બચાવવા માટે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે, અત્યાર સુધી 29 ટ્રેકર્સને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
ઉત્તરાખંડ હાલમાં ત્રણ કુદરતી આફતોનો એકસાથે સામનો કરી રહ્યુ છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને હિમવર્ષા. ત્રણેની માર સહન કરી રહેલા ઉત્તરાખંડ વાસીઓનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે. આ કુદરતી આફતોના કારણે કેદારનાથ યાત્રા પણ પ્રભાવિત થઈ છે. કેદારનાથ યાત્રાના માર્ગ પર 1500 થી વધુ ભક્તો ફસાયા હતા, જેમને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો વળી ઉત્તરાખંડ ટ્રેકર્સ માટે પણ અત્યંત પ્રખ્યાત છે, કાલિંદી ટ્રેક પર 100 થી વધુ ટ્રેકર્સ ફસાયા છે, જેમાંથી 29 ને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરાયા છે અન્યને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિને લઈને ચારધામ યાત્રા થોભાવી દેવાની ફરજ પડી છે.
કેદારનાથના ચીડબાસા વિસ્તારમાં સ્થિતિ અત્યંત વિકટ છે, કારણ કે ત્યાં સતત ભૂસ્ખલન થઈ રહ્યુ છે અને હેલિપેડ વિસ્તાર પણ ભૂસ્ખલનના કાટમાળથી ભરાઈ ગયો છે. પહાડો પરથી સતત જોખમી પથ્થરો નીચે પડવાનો સિલસિલો યથાવત જ છે, આ વચ્ચે પણ રેસ્ક્યુ ટીમોએ અદ્ભુત સાહસ અને તાલમેલ રાખીને શ્રદ્ધાળુઓને ગૌરીકુંડ પહોચાડ્યા હતા. ઉત્તરાખંડના રસ્તાઓ પર ભૂસ્ખલન થવાના કારણે ઘણા રસ્તા પ્રભાવિત થયા છે. બદ્રીનાથ-ઋષિકેશ હાઈવે લેન્ડ સ્લાઈડના કારણે બંધ કરવાની ફરજ પડી છે. રસ્તા પર ગાડીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે.
કુદરતી આફત સચિવે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, કાલિંદી ટ્રેક પર 23 સપ્ટેમ્બરે ટ્રેકર્સ આગળ વધ્યા હતા. હવામાન વિભાગે 26 સપ્ટેમ્બરે ખરાબ હવામાનનું એલર્ટ આપ્યુ હતુ, હેલિકોપ્ટરની મદદથી 29 ટ્રેકરોને બચાવી લેવાયા છે. જરૂર પડ્યે વાયુસેનાની પણ મદદ લેવામાં આવશે. આ ઉપરાંત ઓડેન કોલ ખાતે ફસાયેલા અન્ય ટ્રેકર્સને પણ રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે.












