ભારતમાં અશાંતિ ફેલાવવા માટે CJP ને વિદેશી ફંડિગ મળી રહ્યુ હોવાનો અમેરિકી સિંગરે આરોપ લગાવ્યો છે. હોલીવુડ સિંગર મેરી મિલબેને આરોપ લગાવ્યો છે કે ભારતમાં અરાજકતા ફેલાવવા માટે વિદેશી ભંડોળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. PM નરેન્દ્ર મોદીના વિરોધી અમેરિકન ડોનર્સ અભિજિત દીપકેને પૈસા મોકલી રહ્યા છે, તેવો આરોપ હોલીવુડ સિંગરે લગાવ્યો છે. મિલબેને X પર પોસ્ટ કરીને ભારતના યુવાનોને અવાજ ઉઠાવવાની અપીલ કરી. તેમણે લખ્યું, ‘આ ચૂપ રહેવાનો સમય નથી.’
મિલબેને દાવો કર્યો કે કેટલાક US ડોનર્સ વિશ્વભરના રૂઢિચુસ્ત નેતાઓને નિશાન બનાવવાની એક નિશ્ચિત રીત અપનાવે છે. તેમણે આરોપ લગાવ્યો, ‘તેઓ તે દેશમાંથી અમેરિકામાં અભ્યાસ કરેલી કોઈ વ્યક્તિને શોધે છે, તેને કટ્ટરવાદી બનાવે છે, પાછા દેશમાં મોકલે છે અને અરાજકતા તથા તબાહી ફેલાવવા માટે ભંડોળ પૂરું પાડે છે.’ મિલબેને વડાપ્રધાન મોદીનો બચાવ કરતાં કહ્યું કે તેઓ 25 વર્ષથી સરકારમાં રહીને લોકોની સેવા કરી રહ્યા છે અને 12 વર્ષથી વડાપ્રધાન છે. તેઓ અમેરિકાથી આવતી તે શક્તિઓ સામે ઝૂકશે નહીં.
મિલબેને PM મોદી સાથે પહેલી મુલાકાતમાં તેમના પગ સ્પર્શ કર્યા હતા. મેરી મિલબેન અમેરિકન ગાયિકા અને અભિનેત્રી છે. ભારતમાં તેમને 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઓળખ મળી હતી. જૂન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તેમણે ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાયું હતું. આ દરમિયાન તેમણે મોદીના પગ પણ સ્પર્શ કર્યા હતા, ત્યારબાદ ભારતમાં તેમની ઘણી ચર્ચા થઈ હતી.
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ વિદેશી ફંડિંગના આરોપોને ફગાવી દીધા છે. CJPના આંદોલનોના ખર્ચ અંગે દીપકેએ કહ્યું હતું કે તેઓ અને તેમના મિત્રો મળીને પૈસા એકત્રિત કરે છે. તેમના જણાવ્યા અનુસાર, સંગઠનને કોઈ બાહ્ય દાતા અથવા મોટા ઉદ્યોગપતિ પાસેથી આર્થિક મદદ મળી નથી. તેમણે આગળ ક્રાઉડફંડિંગ દ્વારા પૈસા એકત્રિત કરવાની યોજના પણ જણાવી હતી. વિદેશી ફંડિંગના આરોપો અંગે દીપકેએ ગૃહમંત્રી અમિત શાહને પણ સવાલ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો આંદોલનમાં વિદેશી નાણાં આવ્યા છે, તો તેની તપાસની જવાબદારી ગૃહ મંત્રાલયની છે.









