Meerut Blue Drum Murder Case Verdict: ઉત્તર પ્રદેશના બહુચર્ચિત મેરઠના બ્લુ ડ્રમ મર્ડર કેસમાં આરોપીઓને જિલ્લા અદાલતે ફાંસીની સજા ફટકારી છે. સૌરભ રાજપૂતની હત્યા કેસમાં તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને પ્રેમી સાહિલ શુકલાને મૃત્યુદંડની સજાનો નિર્ણય કોર્ટે સંભળાવ્યો છે. ચકચારી મચાવનાર સૌરભ રાજપૂતના હત્યા કેસમાં હત્યારી પત્નીને લઈ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. ચુકાદા સમયે દોષિતોને જેલમાંથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડવામાં આવ્યા હતા. જ્યારે સૌરભની માતા રેણુ રાજપૂત અને તેનો ભાઈ કોર્ટરૂમમાં હાજર રહ્યાં હતાં.
આ કેસ 4 માર્ચ, 2025ના રોજ થયેલી સૌરભ રાજપૂતની હત્યા સાથે જોડાયેલો છે. આરોપ મુજબ, મુસ્કાન અને સાહિલે સૌરભની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ટુકડા કર્યા હતા અને અવશેષોને સિમેન્ટ ભરેલા વાદળી ડ્રમમાં છુપાવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી હતી. તપાસ દરમિયાન પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી હતી. ત્યારબાદ કેસની સુનાવણીમાં સરકારી પક્ષે પુરાવા અને સાક્ષીઓ રજૂ કર્યા હતા.
ચુકાદા પહેલાં મુસ્કાનનાં માતા-પિતાએ અદાલતમાં લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે તેમની દીકરીને ફાંસીની સજા આપવામાં આવે તો પણ તેમને વાંધો નથી. તેમણે સૌરભને સારો યુવક ગણાવ્યો હતો. બીજી તરફ, સૌરભની માતા રેણુ રાજપૂતે ચુકાદા પહેલાં ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી અને બંને દોષિતોને ફાંસી આપવાની માગ કરી હતી. સજા જાહેર થયા બાદ કોર્ટરૂમમાં ‘ભારત માતા કી જય’ના નારા પણ લાગ્યા હતા. આ ચુકાદા સાથે દેશભરમાં ચર્ચામાં રહેલા મેરઠના બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં સજાના તબક્કાનો મહત્ત્વનો નિર્ણય આવ્યો છે.
સૌરભ અને મુસ્કાનના લવ મેરેજ થયા હતા. બંનેને એક પુત્રી હતી. સૌરભ મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા અને પછી વિદેશમાં કામ કરવા ગયા હતા. અહીં ભારતમાં તેમની પત્ની મુસ્કાનને સાહિલ નામના છોકરા સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ સૌરભને રસ્તામાંથી હટાવવાનું પ્લાનિંગ કરી લીધું. સૌરભ જ્યારે ભારત આવ્યા ત્યારે થોડા દિવસ પોતાના પરિવાર સાથે રહ્યા. બાદમાં સાહિલ અને મુસ્કાને ઊંઘની દવા ખવડાવીને સૌરભની હત્યા કરી દીધી અને થોડા દિવસ પછી સૌરભનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળ્યો.












