મધ્યપ્રદેશના શ્યોપુર વિસ્તારના જંગલમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. 19 મહિનાના નર ચિત્તા KNG22 પર ફાયરિંગની ઘટના બની છે. સારવાર દરમિયાન ચિત્તાનું મોત થયુ છે. 25 ઓક્ટોબરે શ્યોપુર ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના કમ્પાર્ટમેન્ટ નંબર 748માંથી ચિત્તો ઘાયલ સ્થિતિમાં મળી આવ્યો હતો. તાત્કાલિક સર્જરી કરીને તેના શરીરમાંથી બંદૂકના 5 છરા બહાર કાઢવામાં આવ્યા હતા, જો કે તેને બચાવી શકાયો નથી. રાજ્ય સરકારે આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે વન વિભાગ અને પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
મુખ્ય વન સંરક્ષક ડૉ. સમીતા રાજોરાના જણાવ્યા પ્રમાણે 25 ઓક્ટોબરે ચિત્તો ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો, 19 માસનો નર ચિત્તાને તાત્કાલિક સારવાર માટે એનિમલ કેર હોસ્પિટલમાં રેસ્ક્યુ કરીને ખસેડાયો હતો. શરૂઆતના એક્સ-રે રિપોર્ટમાં ચિત્તાના શરીરના જુદા-જુદા ભાગમાં બહારની શંકાસ્પદ વસ્તુઓ હોવાનું સામે આવ્યુ હતુ,. નિષ્ણાંતોના માર્ગદર્શન બાદ ચિત્તાની વધુ ઉંડાણપૂર્વક સારવાર કરવા માટે જબલપુર ખાતે નાનાજી દેશમુખ પશુ ચિકિત્સા વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયના સર્જરી અને રેડિયોલોજી વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં કરવામાં આવેલા સીટી સ્કેન પરથી સ્પષ્ટ થયું કે શરીરમાં ઘૂસેલા બંદૂકના છરાના કારણે ચિત્તાના આંતરિક અંગો, સ્નાયુઓ, હાડકાં અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. સ્થિતિ અત્યંત નાજુક હોવાથી ડૉક્ટરોએ તાબડતોબ ઈમરજન્સી સર્જરી હાથ ધરી હતી. સર્જરી દરમિયાન ચિત્તાના શરીરમાંથી બંદૂકના 5 છરા બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓ અને આંતરિક અંગોને થયેલા ભારે નુકસાનના કારણે વેટરનરી ડૉક્ટરોની ટીમના પ્રયાસો છતાં ચિત્તાનો જીવ બચાવી શકાયો નહોતો.
ચિત્તાના મોતના પગલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતા વન વિભાગ અને પોલીસ અધિકારીઓની સંયુક્ત સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે. ચિત્તા પર ગોળી કોણે ચલાવી, કયા સંજોગોમાં ફાયરિંગ થયું અને આ શિકારનો પ્રયાસ હતો કે કેમ, તે તમામ બાબતોની તપાસ આ ટીમ કરશે. હાલ વન વિભાગ તરફથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને સમગ્ર વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે.
વન વિભાગના સત્તાવાર નિવેદન મુજબ, KNG22ના મોત બાદ હવે ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા ઘટીને 58 થઈ ગઈ છે. હાલ દેશમાં બચેલા ચિત્તાઓ પૈકી 52 ચિત્તા કૂનો નેશનલ પાર્કમાં, 4 ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં અને 2 વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વમાં વસવાટ કરી રહ્યા છે.












