Nepal Landslide Mustang Kali Gandaki River Live Video : છેલ્લા કેટલાક સમયથી નેપાળ સતત કુદરતનો માર સહન કરી રહ્યુ છે. સતત વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બનવાનું નેપાળમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યુ છે. ત્યારે રવિવારે નેપાળના મુસ્તાંગ જિલ્લામાં આખેઆખો પહાડનો મોટો હિસ્સો ધસીને કાલી ગંડકી નદીમાં આવ્યો છે. જેનો LIVE વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં 14 ના મોત થયા છે.
પહાડનો મોટો ભાગ ધસી પડવાનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પહાડનો મોટો ભાગ ચટ્ટાન અને માટીનો આખેઆખો કાટમાળ ધસી પડ્યો છે અને કાલીગંડકી નદીમાં ઢોળાવ પરથી પડે છે, જેના કારણે નદીના માર્ગમાં માટીનો કાટમાળ ભરાઈ જાય છે. નેપાળ એક માસમાં બીજી વખત ભયાનક પૂરનો સામનો કરી રહ્યુ છે. 26 ઑગસ્ટે ભોટેકોશી નદીમાં વિનાશક પૂર આવ્યુ હતુ, જેમાં 1400 થી વધુ લોકોના મોત થયા હતા અને 5500 થી વધુ લોકો હજુ પણ ગુમ છે.
નેપાળમાં પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે
અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 200 થી પણ વધુ ઘટનાઓ નોંધાઈ છે. જેમાં 21 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. ભૂસ્ખલનની સૌથી વધુ 100 જેટલી ઘટનાઓ બની છે. ભારે વરસાદ બાદ ગાલકોટ નગરપાલિકાની વોર્ડ કચેરી દારામ નદીમાં ધરાશાયી થઈ ગઈ હતી. ધાપાખેલ વિસ્તારમાં 24 ઈમારતો ભૂસ્ખલન બાદ પડી ગઈ હતી. ચિતવનમાં નારાયણી નદી અને રિઉ નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. વરસાદના કારણે ચિતવનમાં અનેક સ્થળે માટી ધસી પડવાના બનાવો સામે આવ્યા છે. કર્ણાલી પ્રાંતમાં ભૂસ્ખલનના કારણે હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
હિમાલયમાં હિમસ્ખલનની ઘટનામાં 4 ના મોત
નેપાળના મનાંગ જિલ્લામાં 7 હજાર મીટર ઉંચા હિમલુન્ગ પર રવિવારે હિમસ્ખલનની ઘટના બની છે. દુર્ઘટનામાં અત્યાર સુધી ચારના મોત થયા છે અને 12 લોકો હજુ પણ લાપતા છે. રસ્તો એટલો દુર્ગમ અને માર્ગ અવરોધોથી યુક્ત હતો કે રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે પહોંચતા 24 કલાકથી વધુનો સમય લાગ્યો. તમામને સવારે હેલિકોપ્ટર દ્વારા બેઝ કેમ્પ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.









