Research Lab Virus Outbreak: ચીનના વુહાનની લેબમાંથી લીક થયેલા વાયરસે દુનિયાભરમાં ભયાનકતા ફેલાવી હતી, 6 વર્ષ પહેલાં એ તો આપ સૌને યાદ જ હશે. હવે ફરી એક વખત એ સ્થિતિનું નિર્માણ થાય એવી ઘટના રશિયામાં બની છે. રશિયામાં રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાંથી વાયરસ લીક થવાની ખબર વાયુવેગે પ્રસરી જતાં ફફડાટ વ્યાપી ગયો છે. રિસર્ચ લેબમાંથી વાયરસ લીક થયા બાદ એક યુવતીના મોતથી ખળભળાટ મચી ગયો છે અને 190 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
રશિયાના સાઈબેરિયામાં શેલેખોવ સ્થિત એન્ટી પ્લેગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં મહિલા કર્મચારીનું અજ્ઞાત વાયરસના કારણે મોત થતા હડકંપ મચી ગયો છે. સંભવિત પ્લેગના જોખમને લઈને ગભરાટ ફેલાઈ ગયો છે. સાઈબેરિયામાં ગવર્નરે લોકોને ગભરાવવાની નહિ, પરંતુ શાંતિ જાળવવાની અપીલ કરી છે. મૃતકના સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવાની અને ક્વોરન્ટાઈન કરી દેવાની ફરજ પડી છે.
રશિયાની રિસર્ચ લેબમાં ખતરનાક બિમારી ફેલાવે તેવા બેક્ટેરિયા અને વાયરસ પર રિસર્ચ કરવામાં આવતુ હતુ, આ દરમિયાન જ લેબમાં કામ કરતા કર્મચારીનું મોત થયુ છે અને તેના સંપર્કમાં આવેલા 200 લોકોને તાત્કાલિક ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. રશિયાએ આ મૃત્યુ અંગે સત્તાવાર રીતે કોઈ ખુલાસો કર્યો નથી. કેટલાક રિપોર્ટ અનુસાર રશિયામાં પ્લેગના વાયરસના કારણે યુવતીના મોતની શક્યતા સેવાઈ રહી છે. લેબના કર્મચારીનું મૃત્યુનુ કારણ અજાણ્યા રોગ તરીકે અથવા ન્યૂમોનિયાને પણ માનવામાં આવી રહ્યો છે.
25 સપ્ટેમ્બરે કર્મચારી લેબમાં કામ કરી રહી હતી ત્યારે ટેસ્ટ ટ્યૂબ સરકી જતાં તૂટી ગઈ હતી અને અન્ય કર્મચારીઓ દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યુ છે કે તેમાં પ્લેગ ફેલાવતા ખતરનાક બેક્ટેરિયા હતા. ત્યારબાદ તેની તબિયત લથડી અને ઓક્ટોબર માસની શરૂઆતમાં કર્મચારીનું મોત થયુ છે. જો કે રશિયાએ પ્લેગ સંક્રમણ ફેલાયુ છે કે કેમ તે અંગે ખુલાસો કર્યો નથી. આ ઘટના બાદ દુનિયાભરની નજર રશિયાની આ લેબ પર પડી છે.
રશિયામાં કર્મચારીઓના મોત બાદ ગવર્નરે કેટલીક સાવચેતી જાળવવાની અપીલ કરી છે. કર્મચારીઓને ફેસ કવરિંગ માસ્કનો ઉપયોગ કરવાની ફરજ પડી છે અને જો જરૂર જણાય અને લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે.
કોરોના મહામારી બાદ આ પ્રકારની લેબ પર પણ સવાલ ઉભા થયા છે. ભયંકર વાયરસના ઉપયોગ અને નિર્માણ અને તેના પર રિસર્ચ પર સવાલો ઉભા થયા છે કે શા માટે આ પ્રકારની રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની જરૂર ઉભી થઈ છે. વૈજ્ઞાનિક રિસર્ચ દ્વારા બિમારીને સમજવા, તેની તપાસ કરવા, વેક્સિન અને દવા બનાવવા માટે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે.










