Ukraine soldier drone rescue: રશિયા સાથેના યુદ્ધમાં ઘાયલ સૈનિકૌને બચાવવા યુક્રેન ડ્રોનનો ઉપયોગ કરી રહ્યુ છે. યુક્રેન દ્વારા વિશ્વમાં પ્રથમ વખત ડ્રોનની મદદથી ફસાયેલા સૈનિકનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. યુક્રેનિયન સૈનિક લગભગ દોઢ વર્ષથી વધુ સમયથી લેન્ડમાઈન્સની વચ્ચે ફસાયેલો હતો. તે વિસ્તારમાં બચાવ દળને પણ મોકલવુ મુશ્કેલ કામ હતુ, જે ડ્રોને આસાન બનાવી દીધુ હતુ. આયુડેગ-6 નામના ડ્રોનની મદદથી ફસાયેલા સૈનિકનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. ડ્રોન બનાવનારી યુક્રેનિયન કંપનીએ ઘાયલ સૈનિકને ડ્રોનથી બચાવ્યાનો આ પ્રથમ કિસ્સો છે તેવો દાવો કર્યો છે.
સૈનિકને બેલ્ટથી બાંધી હવામાં ઉઠાવી બચાવાયો
રશિયા અને યુક્રેન યુદ્ધમાં ફસાયેલો સૈનિક 30મી મિકેનાઈઝ્ડ બ્રિગેડનો હતો. રશિયન ડ્રોનની હાજરી અને જમીન પર બિછાવેલી લેન્ડમાઇનને કારણે તેને પગપાળા અથવા વાહન દ્વારા બહાર કાઢવો જોખમી હતો. આવી સ્થિતિમાં યુક્રેનની ડ્રોન બનાવતી કંપની ગુરજુફ ડિફેન્સે ડ્રોનથી મદદ કરી. સૈનિકને એક ખાસ બેલ્ટ વડે ડ્રોનની નીચે બાંધવામાં આવ્યો અને ત્યારબાદ તેને હવામાં ઉઠાવીને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો. આ દરમિયાન સૈનિકની ડ્રોન ઉડાડતા ઓપરેટર સાથે સતત વાતચીત થતી રહી.
યુક્રેને વધારી સસ્તા ડ્રોન બનાવવાની ક્ષમતા
રશિયા-યુક્રેન યુદ્ધમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રોન દ્વારા હુમલા વધ્યા છે, તેનું કારણ છે યુક્રેન 10 લાખ સુધીના સસ્તા ડ્રોન એક જ વર્ષમાં બનાવી શકે છે. શરૂઆતમાં બંને દેશો ડ્રોનનો ઉપયોગ ઓછો કરતા હતા, પરંતુ હવે યુક્રેન સક્ષમ બનતા લાંબા અંતર સુધી પણ હુમલો કરી શકે છે. યુક્રેને સસ્તા ડ્રોન બનાવવાની પોતાની ક્ષમતામાં પણ વધારો કર્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી ચાલી રહ્યુ છે યુદ્ધ
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા ઈચ્છી રહ્યા છે, તે માટે યુક્રેન પર સતત દબાણ કરી રહ્યા હોવાનો પણ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે. રશિયન મિસાઈલોથી બચવા માટે યુક્રેનને અમેરિકા તરફથી મળતી સૈન્ય મદદમાં વિલંબના કારણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અકળાયા હતા, પરંતુ અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે વાતચીત બાદ રશિયન હુમલાની માહિતી અગાઉથી મળવાની વ્યવસ્થા ફરીથી શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી છે.









