Bangladesh democracy restoration: ભારતની શરણે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશ પરત ફરવાની મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે તે મૃત્યુથી ડરતા નથી કે ના તો ધરપકડથી ડરે છે. ડિસેમ્બરમાં તેઓ બાંગ્લાદેશ પરત ફરશે તેવુ એલાન કર્યુ છે, પરંતુ હજુ સુધી તારીખ અંગે સ્પષ્ટતા કરી નથી.
જોખમો છતાં પરત બાંગ્લાદેશ ફરશે
બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી અને અવામી લીગના પ્રમુખ શેખ હસીનાએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ કોઈ પણ પ્રકારના ઉત્પીડન અથવા તો સજાથી ડરતા નથી અને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે. તેમની સામે ધરપકડ અને મૃત્યુ જેવા જોખમો હોવા છતા પણ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાનું એલાન કર્યુ છે. ઓગસ્ટ 2024માં સરકારનું પતન થઈ ગયા બાદથી શેખ હસીના પશ્ચિમ બંગાળના રસ્તે ભારત આવ્યા હતા અને ભારતમાં વસવાટ કરી રહ્યા હતા.
બાંગ્લાદેશ પરત જવુ તે જવાબદારીનો ભાગ: શેખ હસીના
વોશિંગ્ટન ડીસીમાં સેન્ટર ફોર યુએસ બાંગ્લાદેશ રિલેશન્સને લઈને યોજાયેલ કાર્યક્રમમાં શેખ હસીના વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. જ્યાં તેમણે નિવેદન આપ્યુ હતુ કે તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત જશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે તેમને તારિક રહેમાનની સરકારનો ભય નથી લાગતો, તેમની ધરપકડ અને ટોર્ચર કરવાનું પણ જોખમ છે છતાં પણ તેઓ બાંગ્લાદેશ જવા માટે મક્કમ છે. રાજનીતિક જવાબદારીઓના ભાગરૂપે સમર્થકો સાથે રહેવુ જોઈએ તેવુ શેખ હસીનાનું માનવુ છે. તેમણે જણાવ્યુ હતુ કે બાંગ્લાદેશ જવુ તે તેમની જવાબદારીના ભાગરૂપે છે અને કોઈ પણ પ્રકારનો ખતરો તેમને બાંગ્લાદેશ જતા રોકી નહી શકે. શેખ હસીનાના પુત્રએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે હજુ સુધી તારીખ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, તારીખ અંગે પછીથી જાણ કરવામાં આવશે.
1975ના સમયગાળાને યાદ કર્યો શેખ હસીનાએ
શેખ હસીનાની સરકારના પતન બાદથી ભારતમાં વસવાટ કરી રહ્યા છે શેખ હસીના. તે માટે ભારતની સરકાર અને ભારતના લોકોનો તેમણે આભાર માન્યો હતો. 1975માં જે રીતે ભારતે મને અપનાવી હતી તે જ રીતે આ વખતે પણ મને આવકાર આપ્યો છે. તેમણે 1975ના સમયગાળાને યાદ કરતા જણાવ્યુ હતુ કે એ સમયે તેમના આખા પરિવારને મારી નાખવામાં આવ્યો હતો, માત્ર તેમની બહેન અને તે જ જીવિત બચ્યા હતા.
તારિક રહેમાનની સરકારને ભ્રષ્ટાચારની સરકાર ગણાવી
શેખ હસીનાએ વર્ષ 2024 ની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે તેમની સરકારના કામકાજ અને વિરોધ પ્રદર્શનોને લઈને ઘણી તકલીફો વેઠવી પડી હતી. કાર્યક્રમ દરમિયાન શેખ હસીનાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ બાંગ્લાદેશમાં હાલની તારિક રહેમાનની સરકારને ભ્રષ્ટાચારી ગણાવી હતી.









